• ટ્રેનમાં મહિલા પેસેન્જરને ટાર્ગેટ કરતી હતી ગેંગ ઝડપાઈ
  • સ્લીપર, AC કોચમાં ગેંગ હાથફેરો કરતી હતી
  • LCBએ 1.41 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા રેલવે એલસીબીની ટીમે ટ્રેનમાં ચોરી કરતી ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડયા છે,આ આરોપીઓ રાત્રી દરમિયાન કોચમાં ઘુસી જાય અને મહિલાઓ સુતેલી હોય તેના પર્સ લઈ નિકળી જતા હતા.પોલીસને બાતમી મળતા આ ત્રણેય આરોપીઓને 1.41 લાખના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર છે.

રેલવે એલસીબી પોલીસનો સપાટો

વડોદરા રેલવે એલસીબીને વારંવાર ફરિયાદ મળતી હતી કે ટ્રેનમાં મહિલાઓના પર્સની ચોરી કરવામાં આવે છે,ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી પર્સ ચોરી કરતી ગેંગના 3 સભ્યોને ઝડપી વધુ પૂછપરછ કરવામાં આવી છે,આ આરોપીઓ ટ્રેનમાં રાત્રિ દરમિયાન સ્લીપર અને એસી કોચમાં સુતેલી મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા,તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,ચોરી કર્યા બાદ બાથરૂમમાં જઈ પર્સમાંથી સર સમાન કાઢી પર્સ ફેંકી દેતા હતા.

આરોપીઓ સામે રાજયના અનેક પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે ગુના

આ આરોપીઓની વાત કરવામાં આવે તો આરોપીઓ ફકત વડોદરામાં જ નહી પરંતુ રાજયમાં વિવિધ જગ્યાએ ચોરી કરતા હતા,એ પણ વાત સામે આવી છે કે આરોપીઓ મોટા ભાગની ચોરી ટ્રેનમાં કરતા હતા.ઝડપાયેલ ત્રણેય આરોપીઓ સામે 16 કરતા વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ આવતી ટ્રેનોમાં ગુનાને અંજામ આપતા હતા.

હોટલમાં રોકાણ કરે અને રાત્રે ચોરી કરે

પોલીસની તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે જેમાં સામે આવ્યું છે કે રેલવે સ્ટેશન નજીક આરોપીઓ કોઈ હોટલમાં રોકાણ કરતા હતા અને ટ્રેનનો સમય જાણી તેઓ પ્લેટફોર્મ પર પહોંચી જતા અને ત્યાંથી એસી કોચમાં બેસી જતા,પહેલા કોચમાં રેકી કરતા અને રેકી કર્યા બાદ ગુનાને અંજામ આપતા હતા.વિવિધ રાજયમા પણ આજ રીતે ચોરી કરતા હતા.