• વડોદરાના કારેલીબાગ સર્કલ પાસે સૌથી મોટો ભુવો પડયો
  • વાહનો સમાઈ જાય એટલો મોટો પડયો ભૂવો
  • વડોદરામાં હજી પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે

બુધવારે રાત્રે કારેલીબાગ વુડા સર્કલ પાસે ભૂવો પડયો હતો.એક આખી મીની વાન સમાઈ જાય, તેટલા મોટા ભૂવાને જોઈ વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ દંગ રહી ગયા હતા.શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ખાડા ખોદીને પાણી, ડ્રેનેજ અને કેબલ નાંખવાની કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતાં ભૂવા પડવાના બનાવો બન્યા હતા.

કોર્પોરેશન દ્વારા જવાબદાર ઈજારદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો

હજુ પણ ભૂવા પડવાનો સિલસીલો જારી છે. જેમાં કારેલીબાગ વુડા સર્કલ નજીક મસમોટો ભૂવો પડયો છે. ૨૪ કલાક વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ પર પડેલા મસમોટા ભૂવાને કારણે વાહન ચાલકો અને રાહદારીમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો.ભૂવાની નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સિવાય તંત્રના પાપે ઠેરઠેર ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો પછડાયા હતા. જેને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

વિશ્વામિત્ર નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું

શહેરના આજવા સરોવરમાં વરસાદી પાણીની આવક થતા જળ સપાટી 212 ફૂટ પહોંચી હતી. જેથી 211 ફૂટનું લેવલ મેઈન્ટેન કરવા માટે ગઈકાલે મોડી રાત્રે આજવા સરોવરમાંથી 2000 ક્યુસેક પાણી કોર્પોરેશન દ્વારા છોડવામાં આવ્યું હતું. આ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવ્યું હતું. ઉપરાંત વાઘોડિયા, સાવલી ધનિયાવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પાણી વિશ્વામિત્ર નદીમાં આવે છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી આજે સવારે 10 વાગ્યે ભયજનક લેવલ 26 ફૂટને ઓંળગીને 27.85 ફૂટે પહોંચી જતા નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય પણ લોકોને વિશ્વામિત્ર નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે.

વડોદરામાં ઈમરજન્સી નંબર જાહેર કરાયા

વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.


  • Follow us on: