- રાજીનામું આપવા પાછળ અંગત કારણ દર્શાવાયું
- સમરસ ગ્રામ પંચાયત ઉપર સરપંચની બિનહરીફ વરણી કરાઇ હતી
- વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું આપ્યું હતું
વાઘોડિયા તાલુકામાં ચાર સમરસ ગ્રામ પંચાયતો પૈકી મઢેલી ગ્રામ પંચાયતના સરપંચે પોતાના હોદ્દા પરથી દૂર થવા રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપવા પાછળ અંગત કારણો દર્શાવ્યા હતા.
વાઘોડિયા તાલુકામાં સમરસ ગ્રામ પંચાયત પૈકીની એક મઢેલી ગ્રામ પંચાયત સમરસ બની બિનહરીફ્ સરપંચની વરણી કરવામાં આવી હતી. આદિવાસી બેઠક હોય પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવાએ 22 જાન્યુઆરી 2022 ના રોજ ગ્રામ પંચાયતના સરપંચ પદની બાગડોળ સંભાળી હતી. અને ત્યારબાદ યુવાન સરપંચે ગામના વિકાસના અનેક કામો કરી સારી લોક ચાહના મેળવી હતી. જોકે છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટ સારી રીતે ચાલતો હતો. હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સરપંચ અને સદસ્યો વચ્ચે મતભેદ વધ્યા હતા.જેથી પ્રકાશભાઈ વસાવાને સરપંચના હોદ્દા પરથી દૂર કરવા માટે આઠ સભ્યો પૈકી સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવા અંગે મઢેલી ગ્રામ પંચાયતના તલાટી હાર્દિકભાઈ પટેલને દરખાસ્ત મોકલી આપી હતી. આ દરખાસ્ત અંગે નોટિસ ઇસ્યુ થાય એ પહેલા સન્માનભેર સરપંચે કોઈપણ જાતના દબાવ વગર રાજી ખુશીથી મઢેલી ગ્રામ પંચાયત સરપંચનો હોદ્દો છોડતું રાજીનામું તાલુકા વિકાસ અધિકારી આરીશ ઇબ્રાહીમ ભાઈ શેખને ધરી દીધું હતું. જોકે યુવાન સરપંચનુ રાજીનામું પડતા અનેક તર્ક વીતર્ક તાલુકા પંચાયત કચેરીમાં ચર્ચાઈ રહ્યા છે. વધુ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે.










