વડોદરા સયાજીબાગમાં નવા મહેમાનોનું સ્વાગત થયું. સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ લવાયા છે. શહેરના સયાજીબાગના 146માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાધનો વિકસાવવામાં આવ્યા તેમજ સાયન્સ પાર્ક અને પ્રાણીસંગ્રહાલયમાં પણ વિશેષ આર્કષણ ઉમેરાયા.પ્રવાસીઓને આર્કષવા પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાનોનું આગમન કરવામાં આવી રહ્યું છે.
સ્થાપના દિવસની ભેટ
શહેરના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. અને આથી જ પ્રવાસીઓના આર્કષણમાં વધારો કરવા સયાજીરાવના સ્થાપના દિવસ પર ખાસ નજરાણું સામેલ કરવામાં આવ્યું. 146માં સ્થાપના દિવસ પર સયાજીબાગમાં 2.8 કરોડ ના ખર્ચે સાયન્સ પાર્ક અને વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું. પ્રાણી સંગ્રહાલયમાં 1 રીંછ,1 જોડી વરુ અને ઝરખની 1 જોડી લાવવામાં આવી. આ ઉપરાંત 1 જોડી વાઈલ્ડ ડોગ અને 1 જોડી શિયાળને પણ અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લવાયા. પ્રાણી સંગ્રહાલયમાં 1100થી વધુ પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે.
પ્રાણીઓની વિશેષ કાળજી
પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા 6 વર્ષથી વિશેષ કાળજી પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા જ પ્રાણી સંગ્રહાલયને રિડીઝાઈન કરાયો. પ્રાણીઓ અને પક્ષીઓને કુદરતી વાતાવરણ મળી રહે અને તેઓ પોતાને સુરક્ષિત માને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયમાં સસલા, શાહુડી જેવા પ્રાણીઓને નીચાણવાળા વિસ્તારમાં રાખવામાં આવે છે જ્યારે દિપડા અને ચિત્તા જેવા ખૂંખાર શિકારી પ્રાણીઓ પિંજરામાં હોય છે.
1879માં થઈ હતી સયાજીબાગની સ્થાપના
શહેરમાં 146 વર્ષ પહેલા સયાજીબાગની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1879માં 113 એકર જમીનમાં ફેલાયેલ સયાજીબાગનું નિર્માણ વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. અંગ્રેજોના સમયથી આ બાગ અદ્ભૂત વારસો ધરાવે છે. ગત વર્ષે 63 લાખના ખર્ચે કેકટસ ગાર્ડ, 3ડી એઆર ડાયનાસોર પાર્ક તેમજ બોંસાઈ સેકશનનું નવુ નજરાણું ઉમેરવામાં આવ્યું હતું. સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય ઉપરાંત મેઝ ઓફપ્લાન્ટ્સ, વોક વે આર્કિટેક્ચર,મહિલાઓ માટે પિંક ટોયલેટ,ફાઉન્ડેશન પોન્ડ, મેડિટેશન સેન્ટર, અને ભૂલભૂલૈયા તેમજ કેનોપી જેવા આકર્ષણો પણ છે.