ગત ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેરમાં આવેલા વિનાશક પુર બાદ હવે પાલિકા નદીની સફાઈ માટે મગરોના સ્થળાંતરની વાત કરી રહી છે. પરંતુ વડોદરાવાસીઓ આ વાતથી સહમત નથી. ઓગસ્ટ 2024માં વડોદરા શહેરમાં એક જ માસમાં 3 વાર પુર આવ્યું અને છેલ્લા પુરમાં તો વડોદરા હતું ન હતું થઈ ગયું.
વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા સહિતના પ્રોજેક્ટ એક્શનમાં
ત્યારબાદ વડોદરાવાસીઓનો રોષ પાલિકાના સત્તાધીશો અને શહેરના નેતાઓ પર ફૂટી નીકળ્યો છે. જેને લઈને સરકાર એક્શનમાં આવી અને હવે 1200 કરોડથી વધુના ખર્ચે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા સહિતના પ્રોજેક્ટ એક્શનમાં લેવામાં આવશે. જે અંતર્ગત પાલિકાનું કહેવું છે કે નદીને સાફ કરવા માટે કર્મચારીઓની અને મગરોની સુરક્ષા માટે મગરને અન્ય સ્થળે લઈ જવા જરૂરી છે. જેથી 150થી વધુ મગરોને આજવા સરોવર તેમજ સફારી પાર્કમાં સ્થળાંતર કરવામાં આવશે.
મગરોનું સ્થળાંતર કોઈ કાળે શક્ય જ નથી: સ્થાનિકો
હવે વડોદરા વાસીઓનું કહેવું છે કે પાલિકાને નદીને પુનઃ જીવિત કરવી હોય તો જ્યાં મગર વસે છે, તેને ઈકો ઝોન જાહેર કરવો જોઈએ અને જો આ મગરોને અન્ય સ્થળ પર લઈ જવાની વાત છે તો એ શક્ય જ નથી. જો એમ કરવામાં આવશે તો ટેરીટરી ચેન્જ થતાં મગરો અંદરો અંદર લડીને એકબીજાનો જીવ લેશે અને મશીનરી નદીમાં જશે તો કિનારાને નુકસાન થશે તો મગરના બચ્ચાઓને કિનારે ઉગતી વનસ્પતિમાંથી શિકાર ન મળતા તેઓ ભૂખે મરી જશે. પાલિકા ગણતરી વગર કહે છે કે નદીમાં 150 મગરો છે અને જાણકારો કહે છે કે તેમની સંખ્યા 500થી વધુ છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે પાલિકા આટલા મગરોને કેવી રીતે અન્ય સ્થળે લઈ જશે અને કેવી રીતે નદીની સફાઈ થશે.









