રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ જીત મેળવવા માટે કમરકસી લીધી છે. આ દરમિયાન વલસાડમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયુ છે.
વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની હાજરીમાં રોનક શાહ ભાજપમાં જોડાયા
આજે વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવ્યો છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા જ વલસાડ કોંગ્રેસમાં આ મોટું ભંગાણ પડ્યું છે અને સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
96 બેઠક માટે ભાજપમાંથી અધધ 404 દાવેદારોએ ટિકિટ માગી
તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની નગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપમાં ફોર્મ લઈ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની 96 બેઠક માટે ભાજપમાંથી અધધ 404 દાવેદારોએ ટિકિટ માગી છે. ત્યારે જિલ્લા પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ જોઈ ત્રણે પાલિકા જીતવાનો દાવો કર્યો છે. જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં વલસાડમાં સૌથી વધુ 183, પારડીમાં 106 અને ધરમપુર પાલિકામાં 115 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. વલસાડ જિલ્લામાં ભાજપે ચૂંટણી જાહેરાત થયા બાદ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી છે.









