કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કર્યા બાદ તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે અને ઘણા ઉમેદવારો પણ અલગ અલગ પાર્ટીમાંથી ટિકિટ લેવા માટે દાવેદારી નોંધાવી રહ્યા છે.
સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા છે ભૂરાજી ઠાકોર
ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભૂરાજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ભૂરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ભૂરાજી ઠાકોર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણાના વતની છે અને સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા થાય છે.
ભૂરાજી ઠાકોરે અપક્ષ દાવેદારી કરતા રાજકારણમાં ગરમાવો
અગાઉ ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિકેટ અને એમના ધર્મપત્ની પણ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. જો કે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભૂરાજી ઠાકોર ભાજપમાં જોડાયા હતા. ત્યારે હાલમાં વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપમાં પણ અસંખ્ય દાવેદારો વચ્ચે ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય તે પહેલા અત્યાર સુધીમાં ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
વાવ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ પણ લગભગ નક્કી!
બીજી તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી પણ ઉમેદવારનું નામ લગભગ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાવથી કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળવાની હોવાનું નક્કી છે તેવુ સુત્રો જણાવી રહ્યા છે. વધુમાં સુત્રોએ જણાવ્યું કે ગઈકાલે અમદાવાદ ખાતે બેઠક મળી હતી, જે બેઠકમાં વાવના ત્રણેય દાવેદારો હાજર રહ્યા હતા. ગુલાબસિંહ, ઠાકરસી રબારી અને કે.પી.ગઢવી હાજર હતા. ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ વાઘેલા પણ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં ટિકિટના નામ પર ફાઈનલ મહોર લગાવાઈ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર નામની પણ જાહેરાત કરવામાં આવશે.









