છોટાઉદેપુર જિલ્લાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે એક વિચિત્ર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક ઝાડ સાથે અથડાતાં ટ્રેક્ટર ઝાડ પર ચઢતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. જોકે, સદ્નસીબે આ બનાવમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બોડેલી-છોટાઉદેપુર હાઇવે નંબર 56 પર પ્રતાપનગર ગામના બસ સ્ટેન્ડ નજીક આ વિચિત્ર બનાવ બન્યો હતો. રેતી ભરીને બોડેલી તરફ્ જઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે ટ્રેક્ટર સીધું જ રસ્તા નજીક આવેલા ઝાડ સાથે અથડાયું હતું. ટક્કર એટલી વિચિત્ર હતી કે, ટ્રેક્ટર ઝાડ પર ચઢતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ટ્રેક્ટર ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રેક્ટર પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેક્ટરને નીચે ઉતારી આગળનો રસ્તો પકડયો હતો. આ બનાવમાં ટ્રેક્ટરને સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ્, ટ્રેક્ટર ઝાડ પર ચઢતું હોય તેવા દ્રશ્યોનો રાહદારીઓએ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થતાં લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે રસ્તા પર જોવા ન મળતા આવા દ્રશ્યોને લઈને સમગ્ર વિસ્તારમાં આઘટના ચર્ચાનો વિષય બની છે.
