જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. જો કે હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી છે અને આતંકીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન
ત્યારે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો જૂનાગઢમાં વિરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. શહેરના કાળવા ચોક ખાતે આતંકીઓના પૂતળાનું દહન કરાયું છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ પ્રદર્શન કર્યુ છે અને આતંકવાદીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની માગ કરી છે અને જો સરકાર કાર્યવાહી ના કરે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
અમદાવાદમાં પણ આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શન
બીજી તરફ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને અમદાવાદ શહેરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ VHP અને બજરંગ દળના કાર્યકારો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને પાલડી ચાર રસ્તા ખાતે કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે જાતિ અને ધર્મ પૂછીને આતંકીઓએ પહલગામમાં પ્રવાસી પર હુમલો કર્યા બાદ દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો રાજકોટમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યુ છે. આતંકવાદીઓ સામે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ VHP પ્રમુખ અશોક રાવલે નિવેદન આપતા કહ્યું કે પહલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. સરકારે સચોટ પગલાં લેવા જોઈએ અને આતંકવાદનો સંપૂર્ણપણે નાશ થવો જોઇએ. મુસ્લિમ સમાજના લોકો પણ આગળ આવે તેવી અપીલ કરી છે.