- વાઈબ્રન્ટને મળ્યો અદ્વિતીય પ્રતિસાદ
- 25,945 કરોડથી વધુના 47 MoU સંપન્ન
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે દર સપ્તાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે MoU કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં રાજ્યકક્ષાએ કુલ 11 તબક્કામાં કુલ રૂ. 25,945 કરોડથી વધુના 47 MoU સંપન્ન થયા છે, જેના થકી રાજ્યમાં અંદાજિત 69 હજારથી વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે એવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતા વર્ષે એટલે કે 2024માં સફળતાપૂર્વક 10 આવૃત્તિ યોજાવા જઈ રહી છે. ગ્લોબલ સમિટને સફળ બનાવવાના ભાગરૂપે તા. 23 નવેમ્બર 2023ના રોજ સુરતમાં SGCCI ખાતે '5 ફિએસ્ટા' વિષયક 'ટેકસટાઇલ સમિટ' તેમજ તા. 30 નવેમ્બર -2023ના દિવસે અમદાવાદમાં 'એક્સપોર્ટર કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દરેક જીલ્લામાં એમઓયુ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે અત્યાર સુધીમાં 32 જીલ્લામાં 45604 કરોડના 2600 થી વધુ એમઓયુ થયા છે. અંદાજિત સવા બે લાખ જેટલી રોજગારીની તકો સર્જાવાની શક્યતા છે. આ ઉપરાંત વાઈબ્રન્ટ સમિટમાં 7 દેશો વાઈબ્રન્ટ ગુજરાતમા પાર્ટનર તરીકે જોડાશે એવી માહિતી તેમણે આપી હતી. માહિતી પ્રમાણે નેધરલેન્ડ, નેપાળ, યુએઇ, ડેનમાર્ક, મોઝાંબિક પણ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ હેઠળ ચાર કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં ચાલુ નવેમ્બર માસમાં, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, બેંગ્લોર અને ગુવાહાટીમાં 'રાષ્ટ્રીય રોડ શો' યોજવામાં આવશે. જ્યારે ઓક્ટોબરમાં દિલ્હી, મુંબઈ અને ચંદીગઢમાં રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વૈશ્વિક કક્ષાએ વધુને વધુ પ્રમોટ કરવાના ઉદ્દેશ્યથી હાલમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઓક્ટોબર- નવેમ્બર માસમાં જર્મની, ઇટાલી, ડેન્માર્ક, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયતનામમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે સફળ રીતે 'આંતરરાષ્ટ્રીય રોડ શો' યોજવામાં આવી રહ્યા છે. આ સિવાય ઓક્ટોબર માસમાં જાપાન, સિંગાપોર અને ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા છે જેને વૈશ્વિક કક્ષાએ અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 11 તબક્કાઓમાં કુલ 25,945 કરોડના MOU સંપન્ન થયા છે. જેનાથી 70 હજાર કરતા વધુ રોજગારની તકો યુવાનોને મળી રહેશે. આજે મેડિકલ ડિવાઈસીસ સંલગ્ન MOU કરવામાં આવ્યો છે.









