વલસાડના ધરમપુરમાં રીલ્સના ચક્કરમાં યુવકે બાઈક પર જોખમી સ્ટંટ કર્યો છે,ધરમપુર અને વલસાડના દરિયાકિનારે સ્ટંટ કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,સાથે સાથે પોલીસ એક તરફ સુરક્ષાની વાતો કરે છે તો બીજી તરફ ટ્રાફિક અવરનેસને લઈ કાર્યક્રમો કરે છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આવા સ્ટંટબાજોને પોલીસ કયારે કાયદાનો પાઠ ભણાવે છે.
મોરબીમાં પાંચ દિવસ પહેલા બાઈક પર સ્ટંટ કરતો યુવક ઝડપાયો
મોરબીના રવાપર રોડે બાઈકના સ્ટંટ કરતાં એક શખ્સનો વિડીયો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે બાઇક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. વિડીયોના આધારે બાઈકના સ્ટંટ કરનારા શખ્સને પકડીને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રિલ્સ મુકવા માટે અને વ્યુ વધારવા માટે થઈને ઘણી વખત જીવ જોખમમાં મૂકે તે પ્રકારના વિડીયો સામે આવતા હોય છે.
વલસાડમાં પહેલા પણ ઝડપાયા હતા આરોપીઓ
વલસાડ નેશનલ હાઇવે ઉપર આવેલા રોલા ગામ ખાતે આવેલી એક હોટલના પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા બાઇક ઉપર સ્ટંટની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી ઘટનાની જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સ્થળ નિરીક્ષણ કર્યા બાદ વલસાડ ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક, બાઈક ઉપર સ્ટંટ કરનાર બાઈકર્સ સહિત 9 ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી.









