વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે દર વર્ષે 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.


રાજ્ય સરકાર 23 આઈકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવા સજ્જ

વિકાસ સપ્તાહના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના 23 આઈકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવા સજ્જ છે. આ તે પ્રતિષ્ઠિત સ્થળો છે, જે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમના વિઝન અને નેતૃત્વને પ્રતિબિંબિત કરી રહ્યા છે અને તેમણે લોન્ચ કરેલા કે ઉદ્ઘાટન કરેલા અનેક નોંધપાત્ર પ્રોજેક્ટ્સની ઝાંખી કરાવે છે.

ત્યારે ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વારસાનું સંરક્ષણ અને શહેરીકરણ જેવા ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપનારા આ દરેક સ્થળનું આગવું મહત્વ છે. વિકાસ પદયાત્રાનો ઉદ્દેશ્ય ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને લોકોને PMના વિઝનથી પરિણમેલી વિકાસયાત્રાના ફરીથી એક વખત સાક્ષી બનવાની તક આપવાનો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આ યાદીમાં સામેલ

આ આઈકોનિક સ્થાનોની યાદીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે એકતા અને નેતૃત્વના વૈશ્વિક પ્રતિક તરીકે ઉભી રહી છે. ત્યારે અન્ય નોંધપાત્ર સ્થળોની યાદીમાં શહેરી કાયાકલ્પનું ઉત્તમ ઉદાહરણ એવું અમદાવાદ રિવરફ્રન્ટ, દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ- સુરત ડાયમંડ બુર્સ, રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક અને ભારતમાં પ્રીમિયર કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

હેરિટેજ સ્થળોને પ્રવાસન અને સંસ્કૃતિના અગ્રણી કેન્દ્રોમાં પરિવર્તિત કરવામાં આવ્યા

પીએમની પહેલ હેઠળ મોઢેરાના સૂર્ય મંદિર, વડનગરના મોનેસ્ટરી અને દ્વારકા સુદામા બ્રિજ જેવા હેરિટેજ સ્થળોને પણ પ્રવાસન અને સંસ્કૃતિના અગ્રણી કેન્દ્રોમાં પરિવર્તિત કરવામાં આવેલા છે. આ સિવાય દેશનું ફિનટેક કેપિટલ ગણાતું GIFT સિટી અને દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે સૂચિત હબ એવું સાબરમતી રેલ્વે સ્ટેશન- જેવા અનેક પ્રોજેક્ટ્સ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ માટેના તેમના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

વિકાસ પદયાત્રામાં શક્તિપીઠ પાવાગઢ, જ્યાં વડાપ્રધાન મોદીએ 500 વર્ષ પછી ધ્વજ ફરકાવ્યો હતો, કચ્છમાં સ્મૃતિવન- 2001ના ભૂકંપના પીડિતોનું સ્મારક અને નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતની અગ્રણી ભૂમિકા બતાવતા ચારણકા સોલાર પાર્ક જેવી જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ દરેક સ્થળો આધુનિકતા અને પરંપરા સાથે જોડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા બતાવે છે અને સાથે ટકાઉ વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.

વિકાસ સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે

આ વિકાસની પદયાત્રામાં સહભાગીઓ રાજ્યના 23 સ્થળોની મુલાકાત લેશે, એ સ્થળ વિશે જાણકારી મેળવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શન પણ નિહાળશે. સહભાગીઓને આ આઈકોનિક સ્થળો સાથે જોડાવાની સારી તક મળશે, જે માત્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે પ્રગતિના માપદંડ બની ગયા છે. આ કાર્યક્રમમાં નાગરિકો, સરકારી અધિકારીઓ અને પ્રવાસીઓ સહિત રાજ્ય અને દેશભરમાંથી અનેક લોકો જોડાશે.

વિકાસ સપ્તાહ એ પીએમ નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના સમર્પણની ઉજવણી છે, જેમાં વિકાસ પદયાત્રા તેમની 23 વર્ષની લોક સેવામાં હાંસલ કરેલી સિદ્ધિઓને અંજલી અર્પણ છે. આ પદયાત્રા ભારતના વિકાસના ભાવિની એક ઝલક આપશે, સાથે જ ગુજરાતને વિકાસ અને ઈનોવેશનનું મોડલ બનાવનારા ચાવી રૂપ પ્રયત્નોને પણ ઉજાગર કરશે.


  • Follow us on: