• રિમાન્ડ પૂર્ણ થતા બંનેને સાબરમતી જેલ હવાલે કરી દેવાયા

  • હરિદ્વારથી ભાવનગર જઈ રહેલી ટ્રેનમાં પોલીસની કાર્યવાહી
  • હરિયાણાના કથલ ગામમાં પણ રહે છે અને વતનમાં આવે જાય છે

વિરમગામ રેલવે સ્ટેશન પર હરિદ્વારથી ભાવનગર જઈ રહેલી ટ્રેન ગુરુવારે આવી પહોંચતા તેમાંથી વિરમગામ સ્ટેશને ઉતરેલા એક દંપતીને બાતમી આધારે કુલ 72 નંગ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપીને તેમના વિરૂદ્ધ ગુનો નોંધી કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. તેમજ શુક્રવારે રિમાન્ડ પૂરા થતા બંનેને સાબરમતી જેલ હવાલે કરવા તજવીજ કરી હતી.

સાણંદ તાલુકાના ઈયાવા ગામના રહેવાસી ધીરુ રમણભાઈ દંતાણી ઉંમર 45 અને તેના પત્ની મીનાબેન ધીરુભાઈ દંતાણી જૂના કપડાં વેચવાનો વ્યવસાય કરે છે. જેઓ હરિયાણાના કથલ ગામમાં પણ રહે છે અને વતનમાં આવે જાય છે. ગુરુવારે હરિદ્વારથી ભાવનગર ટ્રેનમાં તેઓ વિરમગામ રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રેલવે પોલીસને એક દંપતી પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. પોલીસે દંપતીના સામાનને તપાસતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી ધીરુ દંતાણી અને તેના પત્ની મીનાબેન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. કુલ 72 નંગ, રૂ. 49,200ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

દંપતીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. દંપતી જુના કપડા વેચવાની ઓથમાં હરિયાણાથી દારૂનો જથ્થો લઇ આવતા અને ઇયાવામાં ઘરેથી દારૂ વેચાણનો વેપલો ચલાવતા હોવાનુ પોલીસને જાણવા મળ્યુ હતુ. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દંપતીના રિમાન્ડ શુક્રવારે પૂર્ણ થતાં તેમને સાબરમતી જેલ હવાલે કરવા તજવીજ કરવામાં આવી હતી.


  • Follow us on: