• જેએન - 1ના નવા વાયરસે ફરીવાર કોરોનાનો કહેરથી ચિંતાની લહેર શરૂ થઈ

  • આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર JN-1 સામે એલર્ટ
  • સરકારી દવાખાનાઓમાં ટેસ્ટિંગ વધારાયા

ઠંડીના ચમકારા વચ્ચે કોરોનાના નવા વેરીએન્ટ જેએન - 1ની એન્ટ્રી થયા બાદ ચિંતાના માહોલ જામ્યો છે, તો બીજી બાજુ આણંદ જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે, અને ટેસ્ટીંગના કેસમાં વધારો કર્યો છે. જિલ્લાના એપેડેમિક આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય વિભાગ દ્ધારા ટેસ્ટીંગના કેસોમાં વધારો કરાયો છે. જોકે, આ નવો વાયરસ માઈલ્ડ છે. પણ તેનાથી સાવચેતી રાખવી પણ જરૂરી છે.

કોરોના મહામારીમાંથી સામાન્ય બીમારીના વાવરમાં પલ્ટાયા પછી પણ તેનો કહેર યથાવત્ રહ્યો છે. જેએન - 1ના નવા વાયરસે ફરીવાર કોરોનાનો કહેરથી ચિંતાની લહેર શરૂ થઈ છે. ઠંડીના મોજા વચ્ચે આણંદ જિલ્લામાં જેએન - 1 સામે બાથ ભીડવા માટે આરોગ્ય તંત્ર દ્ધારા ટેસ્ટીંગના કેસમાં વધારો કર્યો છે. જિલ્લાની સિવિલ ઉપરાંત સીએચસી અને પીએઅસીમાં રોજના ટેસ્ટીંગ કેસમાં વધારો કરાતા દર્દીઓ પણ ટેસ્ટીંગ કરાવવા લાગ્યા છે. જોકે, આણંદ જિલ્લામાં હજુ સુધી કોઈ પોઝિટીવ કે શંકાસ્પદ કેસ પણ જોવા મળ્યો ન હોવાનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં તેના વાયરસને બળ મળતું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ વાયરસ ઘાતક નથી, બલ્કે માઈલ્ડ છે. પરંતુ સાવચેતી જ ખતરાને ટાળી શકે છે.

JN-1ની એન્ટ્રી પછી ચરોતરમાં વિદેશથી કેટલા લોકો આવ્યા તેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી

આણંદ ઉપરાંત ચરોતર પંથક NRIનું હબ છે. શિયાળામાં વધુ પ્રમાણમાં NRI ચરોતરમાં તેમના વતનમાં આવવા લાગ્યા છે. આ સંજોગોમાં નવા વાયરસ સામે કાળજી અત્યંત જરૂરી છે. જેએન -1ની એન્ટ્રી પછી ચરોતરમાં વિદેશથી કેટલા NRI આવ્યા તેની કોઈ ડેટા તંત્ર પાસે ઉપલબ્ધ નથી.

ફરજિયાત ટેસ્ટિંગ સહિતની ગાઈડલાઈન હજુ સરકારે જાહેર કરી નથી

નવા વાયરસની એન્ટ્રી પછી હજુ સરકાર તરફથી ફરજિયાત ટેસ્ટીંગ સહિતની અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેથી સરકાર કોરોના સંદર્ભે ભાગ્યે જ કોઈ ગાઈડલાઈન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.

નવા વાઇરસના લક્ષણો પણ શરદી, ખાંસી અને તાવ

JN-1નો કોરોનાનો નવો વેરીએન્ટ શરૂઆતથી માઈલ્ડ હોવાનું આરોગ્ય તંત્ર જણાવી રહ્યું છે. શરદી, ખાંસી, તાવ, માથાનો દુઃખાવો વગેરે તેના લક્ષણો છે. જેનો વાવર છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે. જો કોઈને શંકાસ્પદ લક્ષણો જણાય તો સારવાર શરૂ કરાવી જાતે જ ઘેર ક્વોરેન્ટાઈન થવું હિતાવહ છે. તેથી બીમારીનો વાવર ફેલાતો અટકે.


  • Follow us on: