• અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના પ્રત્યાઘાતો
  • વીએચપીની અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ પુનઃ શરૂ કરવા માંગ
  • વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સેક્ટરોના મંદિરે મંદિરે ફર્યા

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના પડઘા ગાંધીનગરમાં પડયા છે. અહિ વિશ્વ હિન્દુ પરિષદે મોહનથાળનો પ્રસાદ પુનઃ શરૂ કરવાની માંગ સાથે શહેરના 35 મંદિરોમાં મોહનથાળનો પ્રસાદની વહેંચણી કરી હતી. ઉલ્લેખનીય છેકે, વિશ્વ હિન્દુ પરિષદે અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચીક્કીના પ્રસાદના વિવાદમાં જંપલાવ્યુ છે.

મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મંદિર પ્રશાસનના નિર્ણય બાદ તેનો કેટલાક ભક્તો વિરોધ કરી રહ્યા છે. વર્ષોની મોહનથાળના પ્રસાદની પરંપરા એક જ ઝાટકે બંધ કરી દેવાના નિર્ણયથી કેટલાક ભક્તો નારાજ છે. બીજીતરફ મંદિરમાં મોહનથાળના બદલે ચીકીના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જે લોકો મોહનથાળનો પ્રસાદ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તેમાં હિન્દુવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ પણ છે. વિહીપે આ મામલે પોતાનો ઉગ્ર પક્ષ રજુ કર્યો છે અને ચીકીન પ્રસાદ સામે વિરોધ દર્શાવી મોહનથાળનો પ્રસાદ પુનઃ શરૂ કરવાની માંગ કરી છે. અત્યારે માતાજીના ભક્તોમાં મોહનથાળ અને ચીકીના પ્રસાદ મામલે બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકો વર્ષોથી ચાલી આવતા પરંપરા તોડવાનો વિરોધ કરી રહ્યા છે તો બીજીતરફ કેટલાક લોકો ચીકીના પ્રસાદ સામે કોઇ વાંધો ઉઠાવતા નથી. જોકે, વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દાને અંબાજી મંદિર પરીસરથી રાજ્યના ખુણેખુણે લઇ જવાનો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદે શહેરના મંદિરોમાં મોહનથાળનો પ્રસાદનું વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ હિન્દુ અને બજરંગદળ સંયોજક શક્તિસિંહ ઝાલા, જિલ્લા સહમંત્રી ગણપતસિંહ વાઘેલા સહિતના વીહીપના કાર્યકર્તાઓ શહેરના ભારત માતા મંદિર, શિવશક્તિ મંદિર, સેક્ટર-6માં આવેલ ભુમેશ્વર મહાદેવ મંદિર, સેક્ટર-3ના રામેશ્વર અને અંબાજી મંદિર, સેક્ટર-5ના પંચમુખી મહાદેવ મંદિર, મહાકાળી મંદિર તથા ખોડિયાર મંદિર સહિત શહેરના 35 મંદિરોમાં ફરીને ભક્તોને મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ મામલે વિહીપના આગેવાનોએ જણાવ્યુ હતુકે, અંબાજીમાં ચીકીનો પ્રસાદ બંધ કરીને મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે.