વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા 52 વર્ષીય શૈલેષભાઈ ચંદ્રકાંતભાઈ કાવર ખોડુ બાયપાસ રોડ પર નીલકંઠ પાનના નામે પાન-મસાલાની દુકાન ચલાવે છે. તા. 2-3ના રોજ રાત્રે તેમનો નાનો ભાઈ અશ્વીનભાઈ દુકાને બેઠો હતો.
ત્યારે રિક્ષામાં ધર્મેન્દ્ર ભીખાભાઈ મકવાણા, ઉમેશ પરસોત્તમભાઈ રાઠોડ અને મહેશ જગાભાઈ મકવાણા આવ્યા હતા અને બાકીમાં માવા માંગ્યા હતા. જેમાં અશ્વીનભાઈએ ના પાડતા પાઈપ વડે અશ્વીનભાઈને માર માર્યો હતો. જયારે તા. 2ના રોજ રાત્રે તેમના ઘરે જઈ હવે દુકાન ખોલશો ટાંટીયા ભાંગી નાંખી, એટ્રોસીટીના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. જયારે તા. 3ના રોજ બપોરે પરીવારના ચંદ્રીકાબેન દુકાને બેઠા હતા ત્યારે ત્રણેયે આવી તમને દુકાન ખોલવાની ના પાડી છે તેમ કહી ચંદ્રીકાબેનનું બાવડુ પકડી દુકાનમાંથી બહાર કાઢી અપશબ્દો કહ્યા હતા. બાદમાં તા. 3ના રોજ રાત્રે શૈલેષભાઈ દુકાને હતા ત્યારે ત્રણેયે આવી રૂપીયા 20ના 3 માવા માંગ્યા હતા. જેમાં શૈલેષભાઈએ 20ના 3 ન આવે 30ના 4 આવે તેમ કહેતા અપશબ્દો કહ્યા હતા. આ સમયે ગામના લાભુભાઈ કલ્યાણભાઈ મકવાણા ઈકો કાર લઈને આવતા અને ત્રણેયને સમજાવતા ત્રણેયે ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે કારનો કાચ ફોડી નાંખી શૈલેષભાઈને માર માર્યો હતો. અને દુકાનની વસ્તુ વેખ-વીખેર કરી દુકાનમાં નુકશાન કર્યુ હતુ. આ બનાવમાં બન્ને ભાઈઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જોરાવનગર પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ.વી.વસાણી ચલાવી રહ્યા છે.










