- ધરોઈનું પાણી મેળવતાં 328 ગામ માથે રૂ.60.80 કરોડનું પાણી લેણું
- મહેસાણા જિલ્લાનાં શહેરોએ વર્ષ દરમિયાન રૂ. 64.13 કરોડ ચૂકવ્યા નથી
- નગરો અને ગામડાં રૂ.178.46 કરોડ પાણી બિલમાં ડૂબ્યાં
મહેસાણા પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવતા પેયજળ પેટે જિલાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ.178.46 કરોડનું લેણું છે. જેમાં નર્મદા અને ધરોઈ યોજનાના પાણીનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારોએ મેળવેલા પાણી પેટે એક વર્ષ દરમિયાન રૂ.64.13 કરોડ ચુકવ્યા નથી. જ્યારે ગ્રામીણ વિસ્તારોએ રૂ.114.33 કરોડ ચૂકવવાના બાકી છે. ધરોઈ જળાશય યોજના આધારિત પાણી મેળવતાં 328 ગામડાં જ રૂ.60.80 કરોડનું લેણું બાકી બોલે છે. જેમાં પાટણ અને સિધ્ધપુર વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ આંકડા 22 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીના છે. નિષ્કર્ષ સાફ છે, મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારો પાણીના બોજ તળે જ દટાયેલાં છે.
જિલ્લા પાણી પુરવઠા વિભાગનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહેસાણા પાલિકાનું રૂ.13.58 કરોડ પાણી બિલ બાકી છે. જ્યારે કડી પાલિકાનું રૂ.03.89 કરોડ, ખેરાળુ પાલિકાનું રૂ.06.87 કરોડ, વડનગર પાલિકાનું રૂ.8.73 કરોડ, વિસનગર પાલિકાનું રૂ.15.10 કરોડ અને ઊંઝા પાલિકાનું રૂ. 15.96 કરોડ પાણી બિલ બાકી છે. પાણી બિલ નહીં ચુકવવામાં મહેસાણા તાલુકો મોખરે છે. 117 ગામડાંનું એક વર્ષનું કુલ રૂ.22.62 કરોડ બિલ બાકી છે. જ્યારે જોટાણા તાલુકાનાં 23 ગામનું રૂ.4.27 કરોડ, કડીનાં 110 ગામનું રૂ.14.21 કરોડ, બેચરાજીનાં 52 ગામડાંનું રૂ.7.69 કરોડ અને વિજાપુરનાં 74 ગામડાંનાં રૂ.4.74 કરોડ પાણી બિલ ચૂકવાયાં જ નથી. ખેરાળુ અને વડનગર પાલિકાઓમાં ધરોઈનું પેયજળ પહોંચાડાય છે.










