રાજ્યમાં હવે ચોમાસુ બેસવાની તૈયારી છે, ત્યારે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે. હાલમાં દ્વારકાના દરિયામાં 20થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ખાસ કરીને ગોમતી નદીથી ભડકેશ્વર મહાદેવ સુધીનો દરિયા કિનારો હાલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરિયામાં કરંટ હોવાથી હાલમાં ન્હાવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પણ ઉછળતા મોજામાં સહેલાણીઓ ભીંજાઈ ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. આકરા તાપમાં દરિયાની ઠંડક લેવા ગોમતી ઘાટ પર સહેલાણીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. દ્વારકા-ભડકેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે, જેના કારણે ત્યાં વધારે સંખ્યામાં સહેલાણીઓ મજા માણતા જોવા મળ્યા છે.
દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા
દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગેરકાયદેસર માછીમારી ફરતી બોટો નજરે પડી છે. દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયા ના ખેડવા માટે આદેશ આપવામાં આવ્યો છે છતાં પણ દરિયાની અંદર ભારે કરંટ વચ્ચે માછીમારો પોતાના જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા માછીમારી ન કરવા માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. માછીમારી પર પ્રતિબંધ હોવા છતાંય માછીમારી કરતી બોટો નજરે પડતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક
બીજી તરફ સર્તકતાના ભાગરૂપે વહીવટીતંત્રએ હાલમાં દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક લગાવી દીધી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી રોક લગાવવામાં આવી છે. 28 જુલાઈ 2025 સુધી 21 ટાપુઓ પર અવરજવર કરવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.









