- નડતરરૂપ બસસ્ટેન્ડ ખસેડવા નાગરિકો, વેપારીઓ પાસેથી AMTSની વસૂલાત
- બસ સ્ટેન્ડ ખસેડવાનો મૂળ ખર્ચ રૂ. 70 હજાર પણ AMTS એક લાખ વસૂલશે
- AMTS દ્વારા આ હેતુસર વધુ રૂ. 30,000 વસૂલ કરવાનું નક્કી કરાયું છે
AMTS દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા બસ સ્ટેન્ડ નડતરરૂપ હોય તો તે ખસેડવા માટે અરજી કરનાર અરજદાર પાસેથી રૂ. 1 લાખનો ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવાને પગલે વિવાદ સર્જાયો છે. AMTS કમિટીમાં બસ સ્ટેન્ડ ખસેડાવવા માટે રૂ. 2 લાખનો ખર્ચ વસૂલવા અંગે દરખાસ્ત રજૂ કરાઈ હતી અને તે માટે ખર્ચ ઘટાડીને રૂ. 1 લાખ કરવા સાથે દરખાસ્ત મંજૂર કરાઈ છે. અત્યાર સુધી બસ સ્ટેન્ડ ખસેડવા માટે AMTS દ્વારા કોઈ ખર્ચ વસૂલ કરાતો નહોતો. સૂત્રોના જણાવ્યાનુસાર, AMTS બસ સ્ટેન્ડ ખસેડવા માટે હકીકતમાં રૂ. 70,000 જેટલો ખર્ચ થાય છે. જ્યારે AMTS દ્વારા આ હેતુસર વધુ રૂ. 30,000 વસૂલ કરવાનું નક્કી કરાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 776 જેટલા વિવિધ બસ સ્ટેન્ડો આવેલા છે. જે પૈકી કેટલાક બસ સ્ટેન્ડ પાસે નવી બિલ્ડિંગ, કોમ્પલેક્ષ કે રહેણાક મકાનો બની જવાને કારણે નડતરરૂપ હોય તેવા બસ સ્ટેન્ડ દૂર કરવા માટે AMTS કમિટીએ નવી પોલીસી નક્કી કરી છે.
AMTS દ્વારા બનાવવામાં આવેલા વર્ષો જુના બસ સ્ટેન્ડની નજીક હવે કોમ્પ્લેક્સ અને દુકાનો બની ગઈ હોવાથી AMTSના બસ સ્ટેન્ડ નડતરરૂપ બનવાને પગલે તે ખસેડવા હોય તો તે ખસેડવા માટે રજુઆતો અને ભલામણો કરવામાં આવે છે. આ બસ સ્ટેન્ડ હટાવવા રૂ. 1 લાખ આપવા પડશે તેઓ વિવાદાસ્પદ નિર્ણય AMTS સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં AMTS દ્વારા જો નાગરિકને નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવવા માટે અરજી કરવામાં આવે તો એક પણ પૈસા લીધા વિના બસ સ્ટેન્ડને ત્યાંથી દૂર કરવામાં આવતું હતું. પરંતુ હવે મ્ત્નઁના સત્તાધીશોએ બસ સ્ટેન્ડ દૂર કરવા માટે પણ નાગરિકો પાસેથી પૈસા વસૂલવાનું નક્કી કરવાને પગલે પ્રશ્નાર્થ સર્જાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 776 જેટલા વિવિધ બસ સ્ટેન્ડો આવેલા છે. જે પૈકી કેટલાક બસ સ્ટેન્ડો જ્યારે રોડ ઉપર નવી બિલ્ડિંગ, કોમ્પલેક્ષ કે રહેણાક બને છે ત્યારે નડતરરૂપ હોય છે તો આવા બસ સ્ટેન્ડોને દૂર કરવા નવી પોલીસી નક્કી કરી છે.










