રાજ્યમાં માવઠા બાદ ફરી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ફરી વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે એટલા માટે આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા છે.
7 દિવસ વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગયા અઠવાડિયાએ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર 40 ડિગ્રી તાપમાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. તેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. સાથે જ તારીખ 25થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આ વખતે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થવાની શક્યતા દેખાઈ રહી છે.