રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વાવાઝોડાની કોઈ આગાહી કરાઈ નથી, પરંતુ માછીમારો દરિયો ના ખેડે તેને લઈ સૂચના આપવામાં આવી છે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
રાજ્યમાં મહત્તમ તાપમાન નીચું 39-40 ડિગ્રી આસપાસ રહી શકે છે અને અમદાવાદમાં 39.4 ડિગ્રી ,ગાંધીનગર 38.9 ડિગ્રી, રાજકોટ 39.3 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઘણા રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી દીધી છે, જેના કારણે ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ ચાલુ છે, વાવાઝોડા અને વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.
ઉત્તરપૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાદળો છવાશે
ઉત્તરપૂર્વ ભારત હેઠળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 7 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો આપણે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના હવામાન વિશે વાત કરીએ, તો કેરળ, કર્ણાટકમાં 31 મે થી 2 જૂન દરમિયાન ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણામાં 31 મે ના રોજ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની સાથે સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. પર્વતીય પ્રદેશો અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 31 મે થી 1 જૂન દરમિયાન ભારે વરસાદ પડશે.
70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, વરસાદ ખાબકશે
IMD એ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 31 મે થી 3 જૂન દરમિયાન યુપી અને રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદ અને ધૂળના તોફાનો આવશે. સાથે સાથે આ રાજ્યોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, વંટોળ ફૂંકાશે ધૂળની ડમરીઓ ઉડશે. પશ્ચિમ ભારતમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભારે વરસાદ પડશે. પૂર્વ અને મધ્ય ભારતમાં છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, બિહારમાં 31 મે થી 1 જૂન દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડશે અને સાથે જ 2-3 જૂને 50-60 કિમીથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે .









