ભર શિયાળામાં કમોસમી વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ ડિઝાસ્ટર વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આગામી 26થી 28 ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના માર્કેટયાર્ડ સહિત ખેડૂતોને પોતાનો પાક સહી સલામત રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. કમોસમી વરસાદ દરમ્યાન માર્કેટયાર્ડ સંચાલકોને તકેદારીના પગલાં લેવા માટે ડિઝાસ્ટર વિભાગે સૂચન કર્યુ છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અરબ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રી જેટલો વધારો તાપમાનમાં નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં 2થી 4 ડિગ્રીનો ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે 17.6 અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વાદળછાયું વાતાવરણ છવાયું
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે, ત્યારે દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ત્યારે હાલમાં અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.









