- જુહાપુરાના એસ.કે.સ્ટુડિયોમાં સોમવારે બપોરે બનેલી ઘટના
- સ્ટુડિયોમાં બેહોશ પડેલી સગીરાને જોઈને યુવતીએ પરિવારને જાણ કરી હતી
- પ્રેમી સગીરાનો પીછો કરી દબાણ કરતો તેમજ એસિડ ફેંકવાની ધમકી આપતો હતો
જુહાપુરામાં એસ.કે.સ્ટુડિયોમાં સોમવારે બપોરે 17 વર્ષની સગીરાને તેના પ્રેમીએ ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્ટુડિયોમાંથી દોડીને નીકળી ગયેલા સગીરને જોઈને સગીરાની બહેન તપાસ કરવા ગઈ હતી. સ્ટુડિયોમાં બેહોશ પડેલી સગીરાને જોઈને યુવતીએ પરિવારને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સગીરાએ પ્રેમસબંધ રાખવાની ના પાડતા આરોપીએ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને આરોપીની ઉંમર 18થી 19 વર્ષ હોવાનું જણાવી તેના સગા ઉંમરનો પુરાવા આપતા ન હોવાની વિગતો મળી છે. જૂહાપુરામાં રહેતી 17 વર્ષીય સગીરાને એસ.કે. સ્ટુડિયોમાં કામ કરતા યુવક સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસબંધ હતો. સગીરાએ માતા-પિતાને પોતાના પ્રેમસબંધની જાણ કરી યુવક સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. માતા-પિતાએ યુવકનું બેકગ્રાઉન્ડ સારું ન હોવાથી તેની સાથે લગ્ન કરાવવાની ના પાડી પુત્રીને સમજાવી હતી. જોકે પ્રેમી સગીરાનો પીછો કરી દબાણ કરતો તેમજ એસિડ ફેંકવાની ધમકી આપતો હતો. સગીરાના ઘરે તેની ફોઈની દીકરી રહેવા માટે આવી હોવાથી બંને જણા એસ.કે. સ્ટુડિયો પાસે પહોંચ્યા હતા. સગીરા તેના પ્રેમીને સમજાવવા માટે સ્ટુડિયોમાં ગઈ જ્યારે તેની બહેન બહાર ઊભી હતી. થોડીવારમાં આરોપી દોડી ભાગતા સગીરાની બહેન સ્ટુડિયોમાં ગઈ હતી. જોયું તો સગીરા બેહોશ હાલતમાં પડી હતી. સગીરા હોશમાં આવતા તેણે જણાવ્યું કે, પ્રેમીએ ગળું દબાવી મારી નાંખવાની કોશીષ કરી હતી. આ અંગે વેજલપુર પોલીસને જાણ કરાઈ હતી.










