- પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકને અદાણી ગ્રૂપ પર સવાલો ઉઠાવ્યા
- હેરાફેરીના આક્ષેપો બાદ લાખો રોકાણકારોને નુકસાન થયું
- કેન્દ્ર સરકાર આ મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિની રચવા કરતા કેમ ડરે છે?
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકને પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે શુક્રવારે પત્રકાર પરિષદને સંબોધી હતી, 'હમ અદાની કે હૈ કૌન?' વિષય પર વાત કરી તેમણે અદાણી કૌભાંડો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે શા માટે એક મૂડીવાદીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનવામાં મદદ કરી અને ગંભીર આંતરરાષ્ટ્રીય ઘટસ્ફોટ પર તેઓ કેમ મૌન છે? લોકો જાણવા માગે છે કે, કેવી રીતે શંકાસ્પદ જૂથનું ટેક્સ હેવન દેશોમાંથી કાર્યરત વિદેશી શેલ કંપનીઓ સાથે કથિત જોડાણોના આરોપ છે, ભારતની મિલકતો ઉપર એકાધિકાર જમાવી રહ્યું છે અને તેમ છતાં સરકારી એજન્સીઓ દ્વારા કોઈ કાર્યાવાહી કરાતી નથી.
અજય માકને કહ્યું કે, કોંગ્રેસ પક્ષ વિશ્વના અમીરોની યાદીમાં 609મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચનાર વ્યક્તિના વિરોધમાં નથી પરંતુ નિશંકપણે સરકાર દ્વારા પ્રાયોજિત ખાનગી ઈજારાશાહીની વિરુદ્ધ છે, કારણ કે તે જનતાના હિત વિરુદ્ધ છે. અમે ટેક્સ હેવન દેશો સાથે શંકાસ્પદ સંબંધો, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપો ધરાવતી ખાનગી વ્યક્તિ દ્વારા રાષ્ટ્રીય સંસાધનોનો લાભ લેતી ઈજારાશાહી વિરુદ્ધ છીએ. કેન્દ્ર સરકાર આ મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિની રચવા કરતા કેમ ડરે છે? વર્ષ 1992માં હર્ષદ મહેતા કેસની તપાસ માટે જેપીસીની રચના કરાઈ હતી, વર્ષ 2001માં જેપીસીએ કેતન પારેખ કેસની તપાસ કરી હતી તો અત્યારની કેન્દ્ર સરકાર શેનાથી ડરે છે? છેતરપિંડી થઈ રહી હતી ત્યારે સેબી શું કરી રહી હતી?










