અમદાવાદમાં જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ થઈ રહ્યા છે, તેને જોતા 2036માં ઓલમ્પિક ભારતમાં યોજાય તેવી શક્યતા નકારી શકાય નહીં. એટલે જ ઓલમ્પિક ભારતમાં યોજાય તેવી સૂચક તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઓલમ્પિકને લઈને અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર અત્યારથી તૈયારીઓ કરી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની શાન બન્યું છે, ત્યારે નારણપુરા ખાતે તૈયાર થઈ રહેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. કેવું છે આ સ્પોટર્સ કૉમ્પ્લેક્ષ જોઈએ આ અહેવાલમાં.
આ મેગા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ચાર બિલ્ડીંગ અને 6 ગેટ
અમદાવાદમાં સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જી હા જે ઓલમ્પિક અહીંયા રમાય તેવી સૂચક તૈયારીઓ પણ કરાઈ છે, શહેરના નારાણપુરામાં આવેલા 82,507 ચોરસ મીટર જગ્યા પર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બન્યું છે. આગામી દિવસોમાં લોકાર્પણ થઈ શકે છે. આ મેગા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ચાર બિલ્ડીંગ અને 6 ગેટ છે. જો 2036માં દેશમાં ઓલમ્પિક યોજાશે તો હેરિટેજ સિટી અમદાવાદમાં મોટાપાયે રમતોનું આયોજન કરવામાં આવશે. ઓલમ્પિકને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરાઈ રહી છે.
સ્પોર્ટસની અલગ અલગ ગેમ રમાશે
આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ટેનિસ કોર્ટ, વોલીબોલ, સ્વિમિંગ જેવી ગેમ માટે સંકુલના બહારમાં ભાગમાં વ્યવસ્થા ઊભી કરાઈ છે તો એક્વાટિકા કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડ્રાઈવિંગ પુલ બનાવવામાં આવ્યો છે. તેમજ બ્લોક ગેલેરીમાં 1500 પ્રેક્ષકો બેસી શકશે. અહીં બેડમિન્ટન, બાસ્કેટબોલ, જીમ્નાસ્ટિક, કબ્બડી, રેસલિંગ, ટેબલ ટેનિસ, બિલિયર્ડ જેવી ગેમનો સમાવેશ કરવામાં આવશે. આ કોમ્પલેક્ષમાં દરેક ગેમને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. સેન્ટર ફોર સ્પોર્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ માટે ફિટનેસ સેન્ટર, 150 કોર્પોરેટ વ્યક્તિ બેસી શકે તેવો ડાઈનિંગ રૂમ, ચેન્જીંગ રૂમ અને લોકર સહિતની વ્યવસ્થા છે, ત્યારે સ્વીમીંગ પુલ પણ નાનું મોટું થઈ શકે તે મુજબની આશ્ચર્યચકિત કરે તેવું બનાવવામાં આવ્યું છે.
ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં 200 એકર જમીન પર ઓલમ્પિક ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું પણ આયોજન
નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉપરાંત અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ખેલાડીઓ માટે ઉપયોગી છે. ઓલમ્પિકની વાત કરવામાં આવે તો અમદાવાદના ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં 200 એકર જમીન પર ઓલમ્પિક ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું પણ આયોજન છે. ત્યારે રમતવીરોએ પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને લઈ એક પ્લેટફોર્મ મળશે તેવી ખુશી વ્યકત કરી હતી. આમ, આ અતિ આધુનિક ટેકનોલોજી સાથે બનાવેલું વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઓલમ્પિકની રાહ જોઈ રહ્યું છે. જેનું આગામી દિવસમાં જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે.









