ભાવનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું યશવંતરાય નાટ્યગૃહ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, તંત્રએ નાટ્યગૃહમાં રીનોવેશન તો કરાવ્યું પરંતુ અતિ મહત્વની ફાયર સેફટી લગાવવાનું જ બાકી રહી જતા રાજકોટની ઘટના બાદ સરકારી SOPનો અમલ થતા ફાયર સેફટીના અભાવે યશવંતરાય નાટ્યગૃહને બંધ કરવું પડ્યું હતું.
કોરોનામાં રિનોવેશનનું કામ અટકી પડ્યું હતું
જે બાદ માર્ગ મકાન વિભાગે NOC મેળવવા ફાઈલ મોકલી બે વખત પ્રયત્ન કર્યો, પરંતુ તપાસ બાદ ફાયર સેફટી વગરના યશવંતરાય નાટ્યગૃહને NOC આપવાની ફાયર વિભાગે સ્પષ્ટ ના પાડી દીધી, જેના કારણે છેલ્લા એક વર્ષથી યશવંતરાય નાટયગૃહ બંધ પડ્યું છે. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરોડોના ખર્ચે વિકાસના અનેક કામો કરવામાં આવતા હોય છે, જેમાં ભાવનગર શહેરની શાન ગણાતા સૌથી જૂના નાટયગૃહને જર્જરિત બન્યા બાદ કરોડોના ખર્ચે રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોરોનાના સમયગાળા દરમ્યાન રિનોવેશનનું કામ અટકી પડ્યું હતું, જે કામ કોરોના બાદ પૂર્ણ કરી યશવંતરાય નાટ્યગૃહને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
માર્ગ મકાન વિભાગે ફાયર સેફટી માટે ફાયર ઈન્સ્ટિગ્યુશન લગાવી NOC માટે ફાઈલ મોકલી
પરંતુ રાજકોટની આગ લાગવાની ઘટના બાદ સરકારી એસ.ઓ.પીનો અમલ કરવામાં આવતા યશવંતરાય નાટ્યગૃહમાં ફાયર સેફટી લગાવવાનું ભુલાઈ ગયું હોવાનું તંત્ર ના ધ્યાને આવ્યું હતું, યશવંતરાય નાના કલાકારો અને સંસ્થાઓ માટે અનુકૂળતા ધરાવતું નાટ્યગૃહ છે, જે બંધ થતાં અનેક આયોજનો ખોરવાયા હતા, જોકે માર્ગ મકાન વિભાગે ફાયર સેફટી માટે ફાયર ઈન્સ્ટિગ્યુશન લગાવી NOC માટે ફાઈલ મોકલી હતી, જે ફાયર વિભાગે તપાસ બાદ પૂરતા સાધનો લગાવ્યા ના હોય NOC આપવા ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ તાત્કાલિક ટેન્ડર કરી માર્ગ મકાન વિભાગે એજન્સીને ફાયર સેફટી લગાવવા માટે કામગીરી સોંપી દીધી હતી, જેને પગલે એજન્સી દ્વારા ફાયર સેફટીના સાધનો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નાટ્યગૃહ ક્યારે શરૂ થશે તે મોટો સવાલ?
જે પૂર્ણ થઈ હોવા અંગે તંત્રને જાણ કરતા માર્ગ મકાન વિભાગે NOC મેળવવા ફાયર વિભાગ પાસે ફરી બીજીવાર ફાઈલ મોકલી હતી, જે બાદ ફાયર વિભાગે યશવંતરાય નાટ્યગૃહની ફાયર સેફટી અંગે તપાસ કરી હતી, પરંતુ પૂરતા સાધનો ના હોવાના કારણે ફાયર વિભાગે સતત બીજીવાર ફાઈલ પરત મોકલી ફાયર સેફટીની ગાઈડ લાઈનનો અમલ કરી પૂરતા સાધનો લાગી ગયા બાદ જ NOC મળશે એવું જણાવ્યું હતું. ત્યારે હવે એકબીજા વિભાગની ખો વચ્ચે ક્યારે ફાયર સેફટીના સાધનો ફિટ થશે અને યશવંતરાય નાટ્યગૃહ આખરે ક્યારે શરૂ થશે, એ સૌથી મોટો સવાલ ઉપસ્થિત થયો છે.
યશવંતરાય નાટ્યગૃહ માં ફાયર NOC ને લઈ ઘણા સમય થી બંધ રહેવાના અંગે ફાયર ના ચીફ ઓફિસર ને પૂછતાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં ફાયર NOC માટે ફાઇલ મોકલી હતી, જેની તપાસ બાદ અમુક કવેરી પૂર્ણ કરવા સૂચના આપી અમે ફાઇલ પરત મોકલી છે, જે બાદ ફરી બે મહિના પહેલા તેમણે NOC માટે બીજીવાર ફાઈલ મોકલી હતી, પરંતુ સ્થળ તપાસ કરતા જે સૂચનો અને સાધનો લગાવવા અમે જણાવ્યું હતું, એ કામ બાકી હોય અમે ફાઈલ પરત મોકલી છે, ગાઈડલાઈન મુજબ સાધનો લગાવી દેવામાં આવશે, ત્યારે તપાસ બાદ અમે બે દિવસમાં જ NOC આપી દઈશું.
નાટ્યગૃહ જલદી જ શરૂ થશે તેવી આશા
બીજી તરફ ભાવનગરના કલાકાર જીતુ જેક્સને પણ ખુશી સાથે જણાવ્યું હતું કે ફાયર સેફટી અંગેની તમામ કામગીરી પૂર્ણ થવાના આરે છે અને થોડા જ દિવસોમાં ફાયર NOC મળ્યા બાદ ફરી એક વખત ભાવનગરની કલા પ્રેમી જનતા માટે યશવંતરાય નાટ્યગૃહ શરૂ થશે અને લોકો ને તેનો લાભ મળશે. કલા અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેરમાં હાલ છેલ્લા ઘણા સમયથી કલાકારોને પ્રોત્સાહિત કરતું સ્ટેજ એવું યશવંતરાય છેલ્લા ઘણા સમયથી સરકારી અને અનેક કારણોના કારણે બંધ હાલતમાં પડ્યું છે, ત્યારે શહેરના સરદારનગરમાં આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડા ખૂબ ઊંચા હોય જેના કારણે કલાકારોને પણ પરવડતું ના હોય, ત્યારે હવે આ યશવંતરાય નાટ્યગૃહ ઝડપથી શરૂ થાય એવુ લોકો ઈચ્છી રહ્યા છે.









