• સાંસદનાં અધ્યક્ષસ્થાને GNFC ટાઉનશિપ ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસ યોજાયો

  • જંબુસર ખાતે પણ યોગ દિવસેની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળ્યો હતો
  • પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીનાં યોગ વિષયક પ્રવચનનું જીવંત પ્રસારણ નગરજનોએ નિહાળ્યું

ભરૂચ ખાતેના ટેમ્પલ ગ્રાઉન્ડ, જી.એન.એફ.સી. ટાઉનશીપમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ 2023નું આયોજન સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સાંસદે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ તથા ઋષિમુનિઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. વડાપ્રધાને યુએનની મહાસભામાં વર્ષ 2014માં 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરવા પ્રસ્તાવ રાખ્યો હતો જે પ્રસ્તાવને વિશ્વના મોટાભાગના દેશોએ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, તંદુરસ્ત સમાજના નિર્માણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ શકય બનશે તેમ તેમણે ભારપુર્વક જણાવ્યુ હતુ. તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે તેમ સાંસદે ઉમેરતા જણાવ્યુ હતુ. આ ઉપરાંત સાંસદે નાગરિકોએ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપીને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાની હાંકલ કરી હતી અને યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યુ હતુ.

વધુમાં તેમણે યોગથી શારિરીક તથા માનસિક વિકાસ થાય છે જેથી રોજીંદા જીવનમાં યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવા પણ સાંસદે અનુરોધ કર્યો હતો.

SOU ખાતે યોજાયો 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ઉજવણી માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના આઇકોનિક પ્રવાસન સ્થળ SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. જ્યાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ પણ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી.

ભરૂચ જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં યોગના કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લામાં વિશ્વ યોગ દિન નિમિત્તે યોગના કાર્યક્રમોનું આયોજન વિવિધ સંસ્થાઓમાં કરવામાં આવ્યુ હતુ. વહેલી સવારથી યોગના કાર્યક્રમોની શરૂઆત થઈ ચુકી હતી. તેમાં પણ વિવિધ સ્થાનકોએ યોગગુરૂના માર્ગદર્શન હેઠળ જે તે સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા. ભરૂચ પંથકની શાળાઓ ખાતે પણ વહેલી સવારે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તે સાથે સાથે વિવિધ સરકારી ઓફીસોમાં પણ કર્મચારીઓએ આજરોજ યોગાનો ખાસ કાર્યક્રમ યોજયો હતો. ભરૂચ સબજેલ ખાતે કેદીઓએ યોગ કર્યા હતા. જેમાં યોગ ટીચર માધવીબેન શાહ અને નટરવસિંહ રાજપૂતે માર્ગદર્શન આપ્યુ હતુ. સબજેલના જેલર રાઠોડ તેમજ અન્ય સ્ટાફે પણ આ દિવસે યોગનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ ભરૂચ પાલિકાથી માંડીને જિલ્લા પંચાયત તેમજ અન્ય સરકારી સંસ્થઓમાં પણ યોગના કાર્યક્રમો યોજાયા હતા.

અંકલેશ્વર પાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી

અંકલેશ્વર પાલિકા દ્વારા વસુધૈવ કુટુંબકમની થીમ પર વિશ્વ યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ કાર્યક્રમમાં શહેરીજનો, વિદ્યાર્થીઓએ હાજર રહી વિવિધ યોગાસનો કર્યા હતા.આ પ્રસંગે પાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચીફ્ ઓફ્સિર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દેડિયાપાડાની ઇનરેકા સંસ્થા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા સ્થિત ઇનરેકા સંસ્થા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ હતી. ઇનરેકા સંસ્થાન પ્રમુખ ડો. વિનોદ કુમાર કૌશિકે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. મંત્રી કુંવરજીભાઇ હળપતિએ યોગને કાવ્યાત્મક શૈલી સાથે જોડીને જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફ્લક ઉપર લઈ જઈ દેશના દિર્ઘદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વના જન જનને આરોગ્યની ગુરૂચાવી આપી છે. યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવન શૈલી અપનાવીએ.

જંબુસરમાં આંતર રાષ્ટ્રીય યોગ દિનની સ્વરાજ ભવન ખાતે ઉજવણી

જંબુસર ખાતે પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય જંબુસર ખાતે પ્રાંત અધિકારી એમ.બી.પટેલ તથા મામલતદાર વિનોદ પરમાર ની ઉપસ્થિતિમાં જ્યારે સ્વરાજ ભવન ખાતે આરએસએસ તથા પાલિકા ના સંયુક્ત સહયોગથી નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીની ઉપસ્થિતીમા યોગ દિનની ઊજવણી કરવામાં આવી હતી. હાજી કન્યા શાળામા આચાર્ય રાહુલભાઈ મોરી ના માર્ગ દર્શન હેઠળ યોગ દિન ની ઉજવણી કરવા મા આવી હતી. વિશ્વ યોગ દિન નિમીત્તે મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી, કારોબારી અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, ભાજપ મહિલા મોર્ચા પ્રમુખ નેહાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: