જુનાગઢમાં યુવાનો સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. 8 યુવાનોને વિદેશ જવાની લોભામણી લાલચ આપી એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી કરી. યુવાનો એરપોર્ટ ઉપર પંહોચતા જ ટિકિટો નકલી હોવાનું જાણવા મળ્યું. નકલી ટિકિટોએ ગઠિયા એજન્ટોના કૌભાંડનો ભાંડો ફોડયો. યુવાનો પાસેથી 40 લાખ લઈ ભૂતિયા એજન્ટો ફરાર થઈ ગયા. યુવાનોએ છેતરપિંડી મામલે ફરિયાદ કરવા પંહોચ્યા પોલીસ સ્ટેશન.
વિદેશ જવાની ઘેલછા ભારે પડી
વિદેશ જવાની ઘેલછા યુવાનો બહુ ભારે પડી રહી છે. ગમે તે ભોગે વિદેશ જઈ ડોલર કમાવવાના ક્રેઝમાં યુવાનો ઘરના રૂપિયા પણ ગુમાવી રહ્યા છે. જૂનાગઢના 8 યુવાનો એજન્ટોના ફ્રોડના ભોગ બન્યા. ગઠિયા 3 એજન્ટે જૂનાગઢના 8 યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી 40 લાખ રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી લીધા. કહેવાતા 3 એજન્ટોએ પ્રત્યેક યુવાન દીઠ 5 લાખ ઉઘરાવ્યા અને તેમને વિશ્વાસ સાથે વિદેશ જવા માટે પ્લેનની ટિકિટ આપી. પરંતુ યુવાનો વિદેશ જવાની તમામ તૈયારી કરી લીધા બાદ જ્યારે એરપોર્ટ પર પંહોચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ.
પોલીસમાં કરી ફરિયાદ
કારણ કે યુવાનો જ્યારે એરપોર્ટ પર પંહોચ્યા ત્યારે અધિકારીઓએ ટિકિટો નકલી હોવાનું જણાવ્યું. યુવાનોએ એરપોર્ટ પરના અધિકારીને અનેક વિનંતી કરી કે તેમણે એજન્ટ પાસેથી ટિકિટ લીધી છે એટલે નકલી ના હોઈ શકે. પરંતુ અધિકારીઓએ તમામ 8 યુવાનોની ટિકિટ નકલી હોવાનું જણાવતાં તેમને સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું. ત્યારબાદ 8 યુવાનોએ ત્રણેય એજન્ટનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે તેમનો ફોન હંમેશા સ્વીચ ઓફ આવતો હતો. ટિકીટ નકલી હોવાના કારણે તેઓ વિદેશ તો ના જઈ શકયા પરંતુ યુવાનોએ એજન્ટને કુલ 40 લાખ રૂપિયા આપ્યા હતા તે પણ ગુમાવ્યા.જૂનાગઢના 8 યુવાનો સાથે 40 લાખની છેતરપિંડી થતા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી.









