રાજકોટમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે આજે રેલી યોજાઈ હતી. આ રેલીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા શખ્સો નજરે પડ્યાં હતાં. રેલીમાં કેટલાક શખ્સો હાથમાં છરા સાથે દેખાયા હતાં. તો કેટલાક યુવકોએ બાઈક પર સ્ટંટબાજી પણ કરી હતી. સામાન્ય રીતે આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતી હોય છે. પરંતુ રેલીમાં હાજર પોલીસની નજર સામે જ આ યુવકોએ હાથમાં છરા લીધા હતાં અને બાઈકના સ્ટંટ કર્યા હતાં. પોલીસે આ બધુ જ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી હતી.
આ યુવકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
રાજકોટ શહેરમાં આજે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે રેલી યોજાઈ હતી. આ રેલીમાં ઝંડા સાથે લોકો જોડાયા હતાં. રેલીમાં કેટલાક યુવકો હાથમાં છરા લઈને નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાક યુવકો બાઈક પર સ્ટંટ કરી રહ્યાં હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યાં છે. ત્યારે રેલીમાં હાજર રહેલી પોલીસ મુક પ્રેક્ષક બનીને આ બધો જ તમાશો જોઈ રહી હતી. સોશિયલ મીડિયામાં જો કોઈએ આ પ્રકારનો વીડિયો પોસ્ટ કર્યો હોય તો તેની સામે આફ્ટર અન બિફોરના વીડિયો બની જતા હોય છે. પણ પોલીસ અહીં રૂબરૂ હાજર હતી છતાં પણ આ યુવકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ટ્રાફિક પોલીસે રેલીને રોકતા હોબાળો
રાજકોટ ટ્રાફિક પોલીસે રેસકોર્સ રોડ પર આ રેલીને અટકાવતા વિવાદ સર્જાયો હતો. પોલીસે રેલી અટકાવતા રેલીમાં જોડાયેલા લોકોએ હોબાળો કર્યો હતો. અનુસૂચિત જાતિના લોકો પોલીસ કમિશ્નર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં બેસી ગયા હતાં. ટ્રાફિક પોલીસે રેલીને થોડીક વાર માટે રોકાવાનું કહેતા જ વિવાદ વકર્યો હતો. હોબાળો કરી રહેલા લોકોને પોલીસ અને આગેવાનો દ્વારા સમજાવતા મામલો થાળે પડ્યો હતો.









