Guru met and he gave the piece of knowledge, without Guru
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • ગુરુ મળ્યા અને તેમણે જ આપી જ્ઞાનની ગોટી, ગુરૂ વિના જ્ઞાન ન હોય

ગુરુ મળ્યા અને તેમણે જ આપી જ્ઞાનની ગોટી, ગુરૂ વિના જ્ઞાન ન હોય

 | 3:00 pm IST
  • Share

પ્રાસંગિક

ભારતીય સમાજવ્યવસ્થાના ઇતિહાસમાં મધ્યકાલીન યુગને અંધકારયુગ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયની સમાજવ્યવસ્થામાં સુધારો કરી ભક્તિ દ્વારા લોકોને જ્ઞાન અર્પી સામાજિક સમાનતા આધારિત સમાજ રચવાનું ભગીરથ કાર્ય અનેક સંતોએ કર્યું છે. તેમાંના જ એક છે, રવિદાસજી. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સમાજના વંચિત, પીડિત અને શોષિત એવા હાંસિયામાં ધકેલાયેલા વર્ગને સમાજની મુખ્ય ધારામાં લાવવા વિભિન્ન પ્રયાસો કર્યા હતા. અને તે પણ તાર્કિકતા રૂપી સત્યને આધારે! પોતાનાં માર્મિક પદો દ્વારા તેમણે સમાજને વાસ્તવિક જીવન અને સમાનતા તેમજ માનવતા અંગેના પાઠ શીખવ્યા છે. તેઓના એક દોહામાં તે સમયની પ્રવર્તમાન સમાજવ્યવસ્થામાં પરાકાષ્ઠાએ પહોંચેલા જાતપાતના પ્રવર્તમાન ભેદભાવના સંદર્ભમાં તેમણે કહ્યું છે,

“જાતિ-પાતિ કે ફેરે મેં, ઉલઝ

રહ્યો સબ લોગ

માનવતા કો ખાત હૈ, ‘રૈદાસ’

જાતિ કો રોગ.”

ભારતીય સમાજવ્યવસ્થામાં વ્યાપ્ત જ્ઞાતિવ્યવસ્થાના નિર્મૂલન દ્વારા જ્ઞાતિવિહીન સમાજરચના અંગેની વાત રવિદાસજી આજથી ૬૦૦ વર્ષ પૂર્વે કરે છે. ભેદભાવના નિર્મૂલન દ્વારા સમરસ સમાજની સ્થાપના અંગેની વાત પોતાનાં તાર્કિક અને માર્મિક પદો દ્વારા કરી જાય છે. આધુનિક યુગમાં પોતાના પુસ્તક દ્વારા શોષણવિહીન સમાજરચના અંગેની જે વાત કાર્લ માર્કસ દ્વારા કરાઇ, તે બાબત આજથી છ શતાબ્દી પૂર્વે સંત રવિદાસજી ર્વિણત ‘બેગમપુરા’ અંગેના ખ્યાલમાં સ્પષ્ટ રીતે પ્રર્દિશત થાય છે. સમાજના ઉત્થાનની એમાં વાત છે.

ઐસા ચાહું રાજ મૈં, મિલે સબન કો અન્ન, 

છોટા બડા સબ સંગ રહે, ‘રૈદાસ’ રહે પ્રસન્ન.” 

અત્રે દર્શાવેલ પદમાં રવિદાસજી એક એવા રાજ્યની પરિકલ્પના કરે છે જ્યાં કોઈ ભયભીત ન હોય, દુઃખી ન હોય, શોષિત ન હોય, તમામ લોકોને અન્ન મળે તેમજ સમગ્ર માનવજાત વિભિન્ન માનવર્નિિમત ભેદભાવોથી પર રહીને એકમેકને સંગ રહે. તમામ લોકો જીવનની શ્રેષ્ઠતમ પરાકાષ્ઠા હાંસલ કરી શકે, તેઓની બેગમપુરા અંગેની પરિકલ્પના વાસ્તવિક જીવનમાં સાકાર કરવાનું કાર્ય સાંપ્રત સમયમાં સમગ્ર માનવજાતનું છે.

ગુરુ રામાનંદના શિષ્ય એવા રવિદાસજી સંત કબીર તેમજ ગુરુ નાનકના સમકાલીન હતા. મહારાષ્ટ્રના મહાન સંત તુકારામજીએ રવિદાસજીના બુદ્ધિત્વથી પ્રભાવિત થઈ કહ્યું છે, “રવિદાસ – કબીર સગા મેરે”, તો આ તરફ સંત કબીરે પણ ‘સંતન મેં રવિદાસ સંત હૈ’ કહી રવિદાસને પોંખ્યા છે. અત્રે નોંધનીય વાત એ છે કે, પ્રખર કૃષ્ણભક્ત એવાં મેવાડનાં રાણી મીરાબાઈ પણ રવિદાસના દેદિપ્યમાન જ્ઞાનથી પ્રભાવિત થઈ તેઓનાં શિષ્યા બન્યાં હતાં. મીરાબાઈએ રવિદાસજી ગુરુ સ્વરૂપે પ્રાપ્ત થતાં પોતાના ભજનમાં વર્ણવ્યું છે કે,

મેરા મન લાગો ગુરુ સૌં, અબ ના  રહૂંગી અટકી 

ગુરુ મિલિયા ‘રોહિદાસજી’, દિન્હી જ્ઞાન કી ગુટકી” 

સંત રવિદાસના જ્ઞાન તેમજ પ્રકાશના આવિર્ભાવથી ચિત્તોડનાં રાણી ઝાલી પણ રવિદાસજીનાં શિષ્યા બન્યાં હતાં. અત્રે નોંધનીય બાબત એ છે કે, શીખ ધર્મના પવિત્ર ધર્મગ્રંથ ગુરુ ગ્રંથસાહેબમાં ચાળીસથી વધુ પદ સંત રવિદાસજીનાં રચેલાં છે.

આધુનિક યુગના મહાન વિચારક રજનીશે સંત રવિદાસજીના જીવન અને કવન તેમજ તેમના તત્ત્વજ્ઞાન પર ‘સત ભાષે રવિદાસ’ તેમજ ‘મન હી પૂજા મન હી ધૂપ’ નામે પુસ્તક લખ્યાં છે. જેમાં તેઓએ નોંધ્યંુ છે કે, “ભારતનું આકાશ સંતોરૂપી સિતારાઓથી ઝળહળી રહ્યું છે. કરોડો તારાઓમાં જ્યોતિ સ્વરૂપા પણ અનેક તારા છે, સંત ‘રવિદાસ’ નામે પણ ભારતીય ધર્મોના નભોમંડળમાં પ્રકાશમાન છે.” પોતાનાં અવિચળ કાર્યો દ્વારા સંત રવિદાસજીએ પીડિત, શોષિત, ગરીબ તેમજ વંચિત સમુદાયો માટે શોષણવિહીન સમાજરચના દ્વારા શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક, મનોવૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

આજે સમગ્ર ભારતવર્ષમાં તથા વિશ્વ આખામાં રવિદાસજીના ભક્તો તેમજ અનુયાયીઓ તેમના ચીંધેલા માર્ગે આગળ વધી રહ્યા છે. રવિદાસજીના આધ્યાત્મિક જ્ઞાનને ભાવિ પેઢી સુધી ભોગ્ય કરવા તેમજ વિચારોને વાસ્તવિક અર્થમાં આચરણમાં મૂકનાર સેંકડો અનુયાયીઓએ આધ્યાત્મિક્તાનો એક નવો જ માર્ગ ખુલ્લો મૂક્યો છે, જે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે પ્રસ્તુત છે. તેમણે વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવ્યવસ્થા, અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, સામાજિક અસમાનતા, ભેદભાવ તેમજ શોષણ સામે આધ્યાત્મિક આંદોલન ચલાવી, સમાજવ્યવસ્થામાં સદીઓથી વ્યાપ્ત અંધારાં ઉલેચી સામાજિક ક્રાંતિ દ્વારા સમતાપૂર્ણ સમાજની એક આદર્શ પરિકલ્પના રજૂ કરી છે.

ભારતવર્ષ આવાં જ સંતો થકી ઉજળો છે. જેમણે લોકોની વચ્ચે રહીને લોકોની જ ભાષામાં સર્વકલ્યાણી જ્ઞાન ચોમેર પ્રસરાવ્યું હતું. જેથી સત્યનો પરિચય બધા લોકો પોતાની સરળ ભાષામાં હોવાથી તરત મેળવી શકે. આવા સંખ્યાબંધ સંતોના સામુહિક પ્રયાસોથી જ આપણા સમાજનો અંધકાર યુગ આથમ્યો અને જ્ઞાનનો પ્રકાશ પ્રસર્યો છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન