Hanuman Dhara: Where Sankatmochan gives liberation from physical heat
  • Home
  • Astro
  • હનુમાન ધારા : જ્યાં સંકટમોચન આપે છે ભૌતિક-દૈહિક તાપમાંથી મુક્તિ

હનુમાન ધારા : જ્યાં સંકટમોચન આપે છે ભૌતિક-દૈહિક તાપમાંથી મુક્તિ

 | 8:30 am IST
  • Share

ચિત્રકૂટમાં આવેલાં હનુમાન ધારામાં આજે પણ સંકટમોચન વસે છે અને ભક્તોને દૈહિક અને ભૌતિક તાપમાંથી મુક્તિ આપે છે

નાતન હિંદુ ધર્મમાં હનુમાનજીને 11મા રુદ્ર અવતાર માનવામાં આવ્યા છે. સંકટમોચન કળિયુગના સૌથી શક્તિશાળી અને જાગ્રત દેવ તરીકે શ્રદ્ધાળુઓમાં પૂજાય છે. માતા સીતાના આશીર્વાદને કારણે હનુમાનજી મહારાજ ચિરંજીવી મનાય છે. ભારતમાં સ્થાનિક સ્તરે કોઈ ને કોઈ પ્રખ્યાત મંદિર હોય છે જ્યાં હનુમાનજીની પૂજાનું આગવું મહત્ત્વ હોય છે, પરંતુ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એમ બે રાજ્યોમાં વહેંચાયેલા ચિત્રકૂટ ધામમાં આવેલું હનુમાન ધારા આ મામલે અનેક રીતે અનોખું છે. ચિત્રકૂટ મંદાકિની નદીના કિનારે વસેલાં ભારતનાં સૌથી પ્રાચીન તીર્થસ્થળો પૈકીનું એક છે. 38.2 ચોરસ કિમી. વિસ્તારમાં ફેલાયેલું શાંત અને સુંદર ચિત્રકૂટ પ્રકૃતિ અને ઈશ્વરની અનુપમ દેણ છે. ચોતરફ વિંધ્યાચળની પર્વતમાળાઓ અને જંગલથી ઘેરાયેલું આ સ્થળ અનેક આૃર્યો અને શ્રાદ્ધાળુઓ માટે મોટી આસ્થાનું કેન્દ્ર છે.  

મંદાકિની નદીના કિનારે બનેલા અનેક ઘાટ, ખાસ કરીને રામ ઘાટ અને કામતાનાથ મંદિરમાં આખું વર્ષ શ્રદ્ધાળુઓની ભારે અવરજવર રહે છે. કહેવાય છે કે રામ-લક્ષ્મણ અને માતા સીતાએ પોતાના વનવાસનાં 14 વર્ષમાંથી 11 વર્ષ ચિત્રકૂટમાં જ વિતાવ્યાં હતાં. આ જ સ્થળે અત્રિ ઋષિ અને સતી અનસૂયાએ ધ્યાન ધર્યું હતું અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશે તેમના ઘેર જન્મ લીધો હતો. આ જિલ્લામાં આવેલું રાજાપુર ગામ છે, જેના વિશે કહેવાય છે કે તુલસીદાસનો જન્મ અહીં થયો હતો. અહીં રામચરિતમાનસની મૂળ પ્રત પણ રાખવામાં આવી છે.  

ચિત્રકૂટમાં હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે હનુમાન ધારા. કહેવાય છે કે અહીં આજે પણ સંકટમોચન વસે છે અને ભક્તોને દૈહિક અને ભૌતિક તાપમાંથી મુક્તિ આપે છે. દંતકથાનુસાર ભગવાન રામની કૃપાથી હનુમાનજીને લંકાદહન બાદના તાપમાંથી અહીં મુક્તિ મળી હતી. આ વિષયમાં એક રોચક કથા પણ છે. એ મુજબ લંકાદહન બાદ હનુમાનજીએ પ્રભુ શ્રીરામને કહ્યું કે તેમના શરીરમાં તીવ્ર અગ્નિ ખૂબ જ પીડા આપી રહ્યો છે. પ્રભુએ તેમને કહ્યું કે ચિંતા ન કરો, ચિત્રકૂટ પર્વત પણ જાવ અને ત્યાં અમૃતતુલ્ય શીતળ જળધારા વહે છે, તેમાં ડૂબકી લગાવો તેનાથી પીડામુક્તિ થશે. હનુમાન ધારા પાસે શ્રીરામનું મંદિર પણ છે. થોડા સમય પહેલાં અહીં પંચમુખી હનુમાનજીની મૂર્તિ પણ મળી આવી છે. અહીંથી થોડા ઉપર જ સીતાજીનું રસોડું છે જ્યાં દેવીએ પ્રભુશ્રી રામ અને લક્ષ્મણ માટે કંદમૂળમાંથી રસોઈ બનાવી હતી. રસોડાની એ પ્રતિકૃતિ આજે પણ અહીં જોઈ શકાય છે. મંગળવાર, શનિવાર ઉપરાંત નવરાત્રી અને હનુમાનજીના જન્મદિવસ ચૈત્રી પૂનમના રોજ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.  

શ્રદ્ધાળુઓ માટે અહીં બીજાં પણ અનેક આકર્ષણો છે. જેમાં કામદગિરિ પર્વત છે. જેની લોકો મનોકામના પૂર્ણ થયા બાદ પરિક્રમા કરે છે. ચિત્રકૂટનાં લોકપ્રિય કામતાનાથ અને ભરતમિલાપ મંદિર પણ અહીં સ્થિત છે. રામઘાટ જ્યાં પ્રભુ રામ નિત્ય સ્નાન કરતા તે પણ ચિત્રકૂટમાં છે. એ જ રીતનો જાનકી કુંડ છે જ્યાં સીતાજી સ્નાન કરતાં હતાં. અહીંથી નજીકમાં સ્ફટિક શીલા છે જ્યાં સીતાજીના પગનાં નિશાન મુદ્રિત થયેલાં છે. અનસૂયા અત્રિ આશ્રામ જંગલ વચ્ચે આવેલો છે. થોડું દૂર પડે પણ ગુપ્ત ગોદાવરી પણ જોવા જેવું સ્થળ છે જ્યાં બે ગુફાઓ છે. જોકે ચિત્રકૂટનો સૌથી સુંદર નજારો તો હનુમાન ધારા પરથી જ જોઈ શકાય છે. અને એટલે જ શ્રાદ્ધાળુઓમાં તે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. 

કેવી રીતે પહોંચશો?               

ચિત્રકૂટ જવા માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભુજ સહિતનાં મુખ્ય શહેરોમાંથી નિયમિત રીતે પ્રવાસીઓની બસો જતી હોય છે. ખાનગી બસો પણ અહીંથી નિયમિત રીતે ટ્રીપ કરે છે. જોકે રેલવે મુસાફરી વધારે સુવિધાજનક છે. આ શહેરોમાંથી તમે ચિત્રકૂટ નજીકના કર્વી રેલવે સ્ટેશન સુધીની ટિકિટ બુક કરાવી શકો છો. નજીકનું ઍરપોર્ટ પ્રયાગરાજ છે જે અહીંથી 117 કિમી. દૂર છે. ચિત્રકૂટમાં પણ હવાઈપટ્ટી બનીને તૈયાર છે પરંતુ હજુ ફ્લાઈટ શરૂ થઈ નથી. આ સિવાય લખનઉ ઍરપોર્ટથી પણ અહીં પહોંચી શકાય છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો