સંગીતની દુનિયામાં હર્ષદીપ કૌરે 'સૂફી કી સુલતાના' તરીકે નામના મેળવી છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • સંગીતની દુનિયામાં હર્ષદીપ કૌરે ‘સૂફી કી સુલતાના’ તરીકે નામના મેળવી છે

સંગીતની દુનિયામાં હર્ષદીપ કૌરે ‘સૂફી કી સુલતાના’ તરીકે નામના મેળવી છે

 | 12:15 am IST
  • Share

સિનેજગતના સૂર-તાલ :- સેજલ ભાટીયા

સાઈન ઝહુર

સાઈન ઝહુર અહમદ સંગીતજગતમાં અલી સાઈન શફીઉ તરીકે ઓળખાય છે. તેઓ પાકિસ્તાનના લોકપ્રિય સૂફી સંગીતકાર છે. તેમણે પોતાનું મોટાભાગનું જીવન દરગાહમાં, તહેવારોમાં અને ગલીઓમાં સૂફી ગીતો ગાઈને વિતાવ્યું છે. ૨૦૦૬ પહેલાં તો તેમનો કોઈ રેકોર્ડ નોંધાયો ન હતો. પણ તે પછી જાણે કે તેમનાં ભાગ્ય ખૂલ્યાં હોય તેમ બીબીસી વર્લ્ડ મ્યુઝિક એવોર્ડ માટે તેઓ નોમિનેટ થયા. ૨૦૦૬માં તેમણે બીબીસી વોઈસ ઓફ ધ યર તરીકે સફળતા મેળવી. સાઈન તેમનું મૂળ નામ નથી પણ તેમનું મૂળ નામ સિંધી સેન છે. આમ, તેઓ સેનના નામથી પણ ઓળખાય છે.

પંજાબ પ્રાંતના ઓકરા જિલ્લાના હવેલી લાખા પાસે આવેલું સુલેમાનકી ગામમાં ઝહુર અહમદનો જન્મ થયો છે. તેઓ એક ગ્રામીણ ખેડૂત પરિવારના સૌથી નાના સંતાન છે. ઝહુર અહમદે સાત વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરથી જ તેમણે ગાયક બનવાનું સપનું સેવ્યું હતું. તેઓ સિંધ, પંજાબનાં મંદિરોમાં ફરી ફરીને સૂફી ગીતો ગાતા હતા. ઝહુર અહમદ એક કિસ્સાને વાગોળતા કહે છે કે, બાળપણમાં જ્યારે હું ઉચ્ચ શરીફ (સૂફી પરંપરાઓ માટે જાણીતું મંદિર) આગળથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈએ દરગાહમાંથી હાથ કરીને મને અંદર આવવા આમંત્રણ આપ્યું. તે સમયે મને એવી અનુભૂતિ થઈ કે આ એ જ હાથ છે જે મેં સપનામાં જોયો હતો.

થોડા સમય માટે તેમણે પટિયાલા ઘરાનાના જાણીતા સંગીતકાર રુંકા અલી પાસેથી સૂફી સંગીતનું જ્ઞાન મેળવ્યું, જેમની સાથે તેમની પહેલી મુલાકાત બુલ્લેહ શાહની દરગાહમાં થઈ હતી. આમ, સૂફી છંદો માટે રુંકા અલી તેમના પહેલા શિક્ષક બન્યા. આ ઉપરાંત તેમણે કેટલાક ઉચ્ચ શરીફ સંગીતકારો પાસેથી પણ સંગીતનું જ્ઞાન મેળવ્યું છે. ઝહુર અહમદને તેમની ગાયકીના શબ્દોના પઠન માટે ઓળખવામાં આવે છે. તેઓ મોટાભાગે લોકપ્રિય સૂફી કવિઓ, બુલ્લે શાહ, શાહ બદખ્શી, મોહમ્મદ કાદરી, સુલતાન બહુની રચનાઓ વધારે ગાતા જોવા મળે છે. કોક સ્ટુડિયો, પાકિસ્તાનમાં તેમનું પરફોર્મન્સ ઘણું લોકપ્રિય રહ્યું હતું. ૨૦૦૯માં જ્યારે તેમણે લાહોરમાં રફી પીર થિયેટર વર્કશોપ દ્વારા આયોજિત લોકસંગીત સમારોહમાં પોતાની ગાયકી દરમિયાન સારા એવા પ્રમાણમાં ભીડ એકઠી થઈ હતી. તેમણે પોતાની ગાયકીથી શ્રોતાઓનું મન જીતી લીધું હતું. તેઓ હંમેશાં લોકસંગીત વાદ્ય એક તારા પર સંગીતના સૂરો રેલાવતા હતા. આ ઉપરાંત તેમની પાસે ત્રણ તારવાળું તુમ્બી નામનું સંગીત વાદ્ય હંમેશાં રહે છે. તેમની ગાયકીની અને સંગીતની એક અલગ જ શૈલી છે, તે હંમેશાં  સુમ્બી પર સંગીતના સૂરો રેલાવતા અને સાથે સાથે ગોળગોળ ફરી નૃત્ય પણ કરતા હતા. તેમની ગાયકીમાં એક ગજબની ઊર્જા જોવા મળતી હતી. તેમનું સંગીત અને ગાયકીની સાથેસાથે તેમનો દેખાવ પણ સૌથી અલગ તરી આવતો હતો. તેઓ હંમેશાં એક વિશિષ્ટ પ્રકારનો એમ્બ્રોઇડરી કુરતો પહેરતા અને ગળામાં માળા, સજ્જળ બંધ બાંધેલી પાઘડી, તેમજ પગમાં ઘૂંઘરુંમાં તેમની એક અલગ જ છાંટ જોવા મળે છે. તેમનો અવાજ એકદમ બુલંદ અને પહાડી છે.

હર્ષદીપ કૌર

હર્ષદીપ કૌર સિનેજગતની જાણીતી ગાયિકા છે. બોલિવૂડ ગીતો ઉપરાંત સૂફી ગીતો, પંજાબી ગીતો પર પણ તેની સારી એવી પકડ છે. સૂફી સંગીતમાં મહારથને કારણે સંગીતની દુનિયામાં તેમણે ‘સુફી કી સુલતાના’ તરીકે નામના મેળવી છે. બે સિંગિગ રિયાલિટી શો જીત્યા બાદ હર્ષદીપ કૌરે બોલિવૂડ સાઉન્ડ ટ્રેકમાં મુખ્ય ગાયિકા તરીકે સ્થાન બનાવ્યું છે. છ વર્ષની ઉંમરમાં હર્ષદીપ કૌરનું ‘સજના મૈં હારી’ નામનું પહેલું બોલિવૂડ ગીત રિલીઝ થયું હતું. કૌરે પંજાબી, મલયાલમ, તમિલ અને ઉર્દૂ સહિત અનેક ભારતીય ભાષાઓમાં ફિલ્મો માટે ગીતો રેકોર્ડ કર્યાં છે અને પોતાને ભારતીય સિનેમાની અગ્રણી પ્લેબેક સિંગર તરીકે સ્થાપિત કરી છે. આ ઉપરાંત તેમણે પ્રીતમ ચક્રવર્તી, વિશાલ-શેખર, સલીમ સુલેમાન, શંકર અહેસાન લોય, અમિત ત્રિવેદી, શાંતનુ મોઈત્રા, તનિષ્ક બાગચી, હિમેશ રેશમિયા, સોહેલ સેન જેવા જાણીતા સંગીત નિર્માતા સાથે તેમને કામ કરવાનો મોકો મળ્યો છે. સિનેજગતના કેટલાક ગાયકોમાંથી હર્ષદીપ કૌર એક છે જેમને હોલિવૂડમાં પણ ગાવાની તક મળી છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનની પણ કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પોતાની ગાયકીનું કૌશલ્ય બતાવવાનો લહાવો મળ્યો છે. તેમનાં લોકપ્રિય ગીતોની યાદીમાં ફિલ્મ ‘રોકસ્ટાર’નું ‘કતીયા કરું’, ફિલ્મ ‘રાઝી’નું ‘દિલબરાઓ’, ‘જબ તક હૈ જાન’નું ‘હીર’, ફિલ્મ ‘રંગ દે બસંતી’નું ‘ઓમકાર’, ‘રઈસ’નું ‘જાલીમા’, ‘બાર બાર દેખો’ ફિલ્મનું ‘નચ ને સારે’, ફિલ્મ ‘કોકટેલ’નું ‘જુગની જી’ અને ફિલ્મ ‘બરેલી કી બરફી’નું ‘ટ્વિસ્ટ કમરીયા’ જેવાં ગીતોનો સમાવેશ થાય છે. તેમાં પણ ૨૦૧૯માં કૌરને ફિલ્મ ‘રાઝી’ના ગીત ‘દિલબરાઓ’ માટે આઈફા એવોર્ડમાં બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો પુરસ્કાર મેળવ્યો હતો. આ ઉપરાંત તેમને આ જ સોંગ માટે સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને ઝી સિને એવોર્ડ પણ મેળવ્યો હતો.

હર્ષદીપ કૌરનો જન્મ ૧૬ ડિસેમ્બર, ૧૯૮૬માં દિલ્હીમાં થયો હતો. તેમનો ઉછેર સંગીતપ્રેમી પરિવારમાં થયો છે. તેમના પિતા સવિંદર સિંહ સંગીત વાદ્યોની ફેક્ટરી ચલાવે છે. હર્ષદીપ કૌરે પોતાનો શાળાકીય અભ્યાસ દિલ્હીની ન્યૂ એરા પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. અભ્યાસની સાથે સાથે છ વર્ષની ઉંમરમાં તેણે સંગીત શીખવાનું પણ શરૂ કર્યું હતું. તેમણે શ્રી તેજપાલસિંહ જેઓ સંગીતની દુનિયામાં સિંહ બ્રધર્સ તરીકે જાણીતા છે તેમની પાસેથી સંગીતનું પ્રારંભિક જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ બાર વર્ષની વયે પિયાનો શીખવા માટે તેઓ દિલ્હી મ્યુઝિક સ્કૂલમાં જોડાયાં. હર્ષદીપ કૌરે સિંગિંગ રિયાલિટી શો ધ વોઈસમાં કોચ તરીકે ભૂમિકા નિભાવી હતી, જેમાં અદનાન સામી, કનિકા કપૂર, અરમાન મલિક અને સુપર ગુરુ એ. આર. રહેમાન પણ જોડાયેલાં હતાં. બોલિવૂડ, લોકગીત આમ અનેક શૈલીમાં ગીતો ગાવા છતાં તેમની ખરી ઓળખ તો સૂફી ગીતોથી જ થઈ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન