ઉનાળાની ઋતુ અને ચોમાસા દરમિયાન મચ્છરોની સંખ્યા ઘણી વધે છે. તેમના કરડવાથી તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો થવાની શક્યતા વધારે રહે છે. લોકો મચ્છરદાની, મશીન કે સ્પ્રે જેવા ઘણા ઉપાયો કરે છે, છતાં ઘણી વાર મચ્છરોને રોકવું મુશ્કેલ બની જાય છે. જો કે કેટલાક કુદરતી અને ઘરેલું ઉપાય અપનાવશો તો મચ્છરોને દૂર રાખવું સરળ બની શકે છે.
1. લીમડા-લવિંગનો ધુમાડો
સૂકા લીમડાના પાન અને લવિંગ બાળવાથી નીકળતો ધુમાડો મચ્છરોને દૂર રાખે છે. સાંજે થોડાં પાન અને લવિંગ બાળીને ઘરમાં ફેલાવો, મચ્છરો તેની ગંધને કારણે અંદર નહીં આવે.
2. ડુંગળી
ડુંગળીને વચ્ચેથી કાપીને વાટકી જેવો આકાર આપો. તેની અંદર સરસવનું તેલ, લવિંગ, કપૂર અને વાટ મૂકી દીવો બાળી દો. આ નેચરલ રિપેલન્ટ તરીકે કામ કરે છે અને મચ્છરો દૂર રહે છે.
3. કપૂર
કપૂરની સુગંધ મચ્છરોને સહન થતી નથી. સાંજે એક વાટકીમાં કપૂર બાળીને દરવાજા-બારી બંધ કરી દો. થોડા જ સમયમાં મચ્છરો ગાયબ થઈ જશે.
4. નાળિયેર તેલ-લીંબુનું મિશ્રણ
બજારમાં મળતા સ્પ્રે-ક્રીમની જગ્યાએ નેચરલ ઓપ્શન અપનાવી શકો છો. નાળિયેરનું તેલ અને લીંબુનું તેલ ભેળવીને સ્કિન પર લગાવો. આ મચ્છરોથી રક્ષણ આપે છે અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.
5. લસણનો સ્પ્રે
લસણની તીવ્ર ગંધ મચ્છરોને દૂર રાખે છે. થોડાં લસણના કળી પીસીને પાણીમાં ઉકાળો અને તે પાણી સ્પ્રે બોટલમાં ભરી ઘરના ખૂણામાં છાંટો.
6. સ્વચ્છતા જાળવો
મચ્છરો ગંદકી અને ભરાયેલા પાણીમાં વધારે થાય છે. તેથી ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો. કુલર, ટાયર, ડોલ કે કચરાપેટી ઢાંકી રાખો. પાણીની ટાંકી હંમેશાં બંધ રાખો અને સમયસર સફાઈ કરો.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.