Heavy Rain In Amreli, Dhatarvadi 2 and Shel Dedumal Dam Overflow
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમરેલીમાં અનરાધાર, નદીઓમાં પૂર, ધાતરવાડી-શેલ દેદુમલ ડેમના ઓવરફ્લો, 13 ગામોને એલર્ટ કરાયા

અમરેલીમાં અનરાધાર, નદીઓમાં પૂર, ધાતરવાડી-શેલ દેદુમલ ડેમના ઓવરફ્લો, 13 ગામોને એલર્ટ કરાયા

 | 9:36 pm IST
  • Share

ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. પણ અમરેલીમાં અનરાધાર વરસાદથી અત્યારથી જ નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે ધાતરવાડી 2 અને શેલ દેદુમલ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેને કારણે નીંચાણવાળા 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આંબરડીમાં ઘોડાપૂરને કારણે વાહનો પણ તણાયા હતા. જ્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.

અમરેલી જિલ્લામાં આજે મેઘો મહેરબાન થયો છે. ત્યારે સાવરકુંડલાના હાથસણી ખાતે આવેલ છે શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આજે બપોર બાદ હાથસણીના શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલવા પડયા. ઉપરવાસના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ પડતા ડેમના બે દરવાજા ખોલવા પડ્યા હતા. આ શેલ નદીમાં બે દરવાજા ખોલવાના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હોય નીંચાણવાળા 13 ગામોને એલર્ટ કરાયા છે. કારણ કે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ જો વરસાદ વધે તો વધુ દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે અને નીંચાણવાળા ગામોમાં પાણી ઘુસી જાય તેવી સંભાવના રહેલી છે. આ ઉપરાંત રાજુલા નજીક આવેલ ધાતરવડી-2 ડેમ ઓવરફલો થઈ જતાં ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમરેલીમાં ભારે વરસાદને કારણે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત રાજુલાના હીડોરણા નજીક બેઠા પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો. પાણી ફરી વળતા અનેક વાહનો અટવાયા હતા.

અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં લીલીયામાં ગામ વચ્ચે વહેતી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જો પાણીમાં વધારો થશે તો કાંઠે આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. આ ઉપરાંત અમરેલીના સાવરકુંડલામાં અનરાધાર વરસાદ કારણે આંબરડીમાં વાહનો તણાયા હતા. ગામના મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. નદીના ભારે પ્રવાહમાં 1 છકડો અને 4 બાઈક તણાઈ ગઈ હતી. એટલું જ નહીં મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ખાંભાના ભાડ ગામમાં બે કલાકમાં 3 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અને સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. તેમજ ખાંભાના નાનુડી, નાના વિસાવદર, અનિડા, વાંકીયા, જીકયાળી, કોટડા સહિત ગામોમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો અને વાવણીલાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

જ્યારે ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધારી પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાં નદી-નાળાઓ છલકાયા હતા. જેમાં ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો લાખાપાદરની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન