high cholesterol is directly related to food
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • હાઈ કોલેસ્ટેરોલને આહાર સાથે છે સીધો જ સંબંધ, જાણો વિગતે

હાઈ કોલેસ્ટેરોલને આહાર સાથે છે સીધો જ સંબંધ, જાણો વિગતે

 | 4:12 am IST
  • Share

આપણે જોઈએ છીએ કે, હૃદયરોગ અને કેન્સરનું પ્રમાણ છેલ્લાં 50 વર્ષમાં લગભગ બમણાથી પણ વધી ગયું છે. કેન્સર તો વળી ક્યારેક રોગીને પરીક્ષણ અને ઉપચાર કરવાનો સમય આપે છે પરંતુ હૃદય રોગમાં તો હૃદયની ગતિ અચાનક અટકી જવાથી થોડીક ક્ષણો કે અમુક મિનિટોમાં જ હાલતી, ચાલતી વ્યક્તિ મૃત્યુની વેદી પર ચડી જાય છે. 

આમ તો હાર્ટ એટેકનાં અનેક કારણો દર્શાવાયાં છે. જેવાં કે, માનસિક તણાવ, હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન, વધારે પડતા ઉજાગરા, અતિ મદ્યપાન, મેદસ્વિતા તથા બેઠાડુ જીવન વગેરે. આ બધાં કારણો સાથે એક મુખ્ય કારણ ‘કોલેસ્ટેરોલ’ને પણ માનવામાં આવે છે. આપણા શરીરનાં યોગ્ય વૃદ્ધિ, વિકાસ અને સંચાલન માટે આ કોલેસ્ટેરોલ અત્યંત આવશ્યક તત્ત્વ છે, કારણ કે લિવરમાં તૈયાર થયેલું આ કોલેસ્ટેરોલ રક્તના પ્રવાહની સાથે ચરબીનાં તત્ત્વોને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય તો કરે જ છે, પરંતુ આ સિવાય તે પિત્ત, રસ અને શરીરના અગત્યના હોર્મોન્સ તૈયાર કરવાનું કામ પણ કરે છે. પિત્તના સ્ત્રાવથી આહારના સૂક્ષ્મ કણોનું પાચન થાય છે, અને વિભિન્ન હોર્મોન્સના સ્ત્રાવથી શરીરના અવયવોનો વિકાસ થાય છે.  

મોટાભાગના વાચકો એ જાણતા હશે કે, કોલેસ્ટેરોલ તેની યોગ્ય માત્રામાં રહે તો શરીરને ટકાવી રાખે છે અને તે જો આવશ્યક્તાથી વધી જાય તો તે હૃદયરોગને નિમંત્રે છે. રક્તમાં રહેલી ચરબીના એક અંશને કોલેસ્ટેરોલ કહેવામાં આવે છે. યોગ્ય માત્રામાં રહેલું કોલેસ્ટેરોલ રક્તપરિભ્રમણમાં સહાયક બને છે અને તેની અતિ માત્રાથી રક્તવાહિનીઓ સાંકડી બનતા, રક્તપ્રવાહ અવરોધાતા હૃદયની ગતિમાં અવરોધ ઉત્પન્ન થવાથી હાર્ટ એટેક આવે છે. 

આહાર

અહીં કેટલીક એવી ધ્યાન આપવા જેવી બાબતો છે કે જેને સાધારણ રૂપે પ્રયોગમાં લાવવાથી કોલેસ્ટેરોલને કાબૂમાં રાખી શકાય છે. 

માત્ર આહારનો સ્વાદ જ નહીં પરંતુ તેનાં પોષકતત્ત્વો અને પ્રભાવને પણ જાળવી રાખવો જોઈએ. આહારમાં ઘી, તેલ, માખણ, મટન જેવા ચરબીવાળા ખાદ્ય પદાર્થોના અતિ ઉપયોગથી લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા એકદમ વધી જાય છે. જે કુટુંબો માંસાહારી છે તેમણે માંસ, માછલી, ચીકન અને ઈંડાંના ઉપયોગને ખૂબ જ નિયંત્રિત કરીને પણ લોહીમાં રહેલા કોલેસ્ટેરોલને કાબૂમાં રાખવો જોઈએ. 

લીલા શાકભાજી, દાળ, ફળો, મલાઈ વગરનાં દૂધ, દહીં અને છાશનો સંતુલિત ઉપયોગ કરવાથી તથા માફકસરની કસરતથી લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડી શકાય છે. મલાઈ, માખણ, ઘી, સૂકો મેવો, કોપરું વગેરે છે તો પૌષ્ટિક પરંતુ તેના પણ અતિરેકથી લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા વધી જાય છે. શાકભાજી અને દાળના વઘારમાં પણ તેલનો વધારે પડતો ઉપયોગ ન કરવો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો