Hitesh Makwana appoint as a gandhinagar-municipal-corporation mayor
  • Home
  • Featured
  • ગાંધીનગરના 5માં મેયર બન્યા હિતેશ મકવાણા, સામાન્ય સભામાં લેવાયો નિર્ણય

ગાંધીનગરના 5માં મેયર બન્યા હિતેશ મકવાણા, સામાન્ય સભામાં લેવાયો નિર્ણય

 | 4:43 pm IST
  • Share

  • ગાંધીનગર મનપામાં પ્રથમ વખત ભાજપને પ્રચંડ બહુમત
  • 44માંથી 41 બેઠકો પર ભાજપનો કબ્જો
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જસવંત પટેલની પસંદગી

ગાંધીનગર મહાનગરપાલિકાના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે. હિતેશ મકવાણા વોર્ડ નંબર-8થી ભાજપની ટિકિટ પર ચૂંટાઈને મહાનગર પાલિકામાં પહોંચ્યા છે.

ઑક્ટોબરના પ્રથમ સપ્તાહે યોજાયેલી ગાંધીનગર મનપાની 44 બેઠકો પરની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 41 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને માત્ર એક જ બેઠક પણ જીત મળી હતી.

ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપને પ્રથમ વખત પ્રચંડ બહુમત મળ્યો છે. રેકોર્ડ બ્રેક જીત બાદ ભાજપે મેયર પદ માટે ઉમેદવારની પસંદગી કરવાની હતી. ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા 41 કોર્પોરેટરની બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી હિતેશ મકવાણાની મેયર પદ માટે પસંદગી કરવામાં આવી હતી.

આ સિવાય ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જસવંત પટેલ અને પક્ષના નેતા તરીકે પારૂલબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત દંડક તરીકે તેજલબેન નાયીની પસંદગી કરવામાં આવી છે.

ભાજપ ગાંધીનગર મનપામાં પહેલા પણ પોતાના મેયર બનાવી ચૂકી છે, પરંતુ પાર્ટીને પક્ષ પલટો કરીને આવેલા કોર્પોરેટરના દબાણને વશ થઈને કામ કરવું પડતું હતું. કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયેલા એક કોર્પોરેટરને અગાઉ મેયર બનાવીને સંતોષ માનવો પડ્યો હતો. 44માંથી 41 સીટો પર જીત મેળવીને ભાજપે પ્રથમ વખત ગાંધીનગરમાં બહુમત મેળવ્યો છે.

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગર મનપા ચૂંટણીમાં જવલંત વિજયથી ભાજપમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળને બદલવામાં આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની આગેવાનીમાં લડવામાં આવેલી ચૂંટણીને ભાજપ પોતાના માટે નવો જનાદેશ માની રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના જોરે જ ભાજપના અધ્યક્ષ વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો ટાર્ગેટ પાર્ટી કાર્યકર્તાઓને આપી ચૂક્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો