હોટસ્પોટ પ્રદેશો અને ક્લસ્ટર ઝોનમાં લોકડાઉન લંબાવવા સરકારની વિચારણા - Sandesh
  • Home
  • India
  • હોટસ્પોટ પ્રદેશો અને ક્લસ્ટર ઝોનમાં લોકડાઉન લંબાવવા સરકારની વિચારણા

હોટસ્પોટ પ્રદેશો અને ક્લસ્ટર ઝોનમાં લોકડાઉન લંબાવવા સરકારની વિચારણા

 | 1:43 am IST

। નવી દિલ્હી ।

૧૪મી એપ્રિલે ૨૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો અંત આવ્યા પથી પણ કોરોના વાઇરસના પ્રસારને અટકાવવાના કટોકટીરૂપ પગલાં તરીકે લોકોની અવરજવર પર લદાયેલાં આકરાં નિયંત્રણ જારી રહે તેવી સંભાવના છે. ગયા સપ્તાહમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, લોકડાઉન લંબાવવાની સરકારની કોઇ યોજના નથી પરંતુ સંખ્યાબંધ રાજ્યોએ સરકારને અરજ કરી હતી કે, અત્યારે લદાયેલાં નિયંત્રણો ચાલુ રહેવાં જોઇએ.

બીજો એક પ્રસ્તાવ કોરોના વાઇરસના હોટસ્પોટમાં જ લોકડાઉન જારી રાખવાનો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લંબાવવામાં ન પણ આવે, આરોગ્ય મંત્રાલયે દેશભરમાં આ પ્રકારના ઓછામાં ઓછા ૨૦ અને અન્ય ૨૨ સંભવિત હોટસ્પોટની ઓળખ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરીને દેશમાંથી તબક્કાવાર રીતે લોકડાઉન હટાવવાની હિમાયત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, નિયંત્રણોને તાત્કાલિક હટાવી લેવામાં ન આવે.

હોટસ્પોટ લોકડાઉનનું ભીલવાડા મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરાય તેવી સંભાવના

રાજસ્થાનના ભીલવાડામાં અપનાવાયેલું મોડેલ દેશભરમાં કોરોના વાઇરસ સામેની લડાઇમાં કારગર સાબિત થઇ શકે છે. ભીલવાડામાં કોરોનાના કેસ જે રીતે સામે આવી રહ્યા હતા તે જોતાં એમ લાગી રહ્યું છે કે ભીલવાડા ભારતનું ઇટાલી બનવા જઇ રહ્યું છે પરંતુ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લઇ સમગ્ર શહેરને કરફ્યૂમાં જકડી લીધું હતું. ત્યારબાદ ડોક્ટરોની મદદથી કોરોનાનાં સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો. કોરોના સામેની લડાઇમાં ભીલવાડા મોડેલ કારગર સાબિત થઇ શકે છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ ગૌબાએ પણ ભીલવાડામાં લેવાયેલાં પગલાંની પ્રશંસા કરતા આ મોડેલ દેશભરમાં લાગુ કરવાના સંકેત આપ્યા હતા.

૧૫મીથી તબક્કાવાર પેસેન્જર ટ્રેનો શરૂ થાય તેવી સંભાવના

ભારતીય રેલવે ૨૧ દિવસના લોકડાઉન પછી તબક્કાવાર પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરે તેવી સંભાવના છે. આ માટેની તૈયારી કરવા રેલવેના તમામ ઝોનને નિર્દેશ આપી દેવાયા છે. જોકે રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રકારની કોઇ યોજના હાલ તૈયાર કરાઇ નથી. જોકે મીડિયા અહેવાલો અનુસાર રેલવેને તેના કર્મચારીઓને તૈયાર કરવા કહી દેવામાં આવ્યું છે. ટ્રેન સેવા શરૂ કરવા માટેના પ્રોટોકોલ્સ અને તૈયારીઓ અંગે ચર્ચા ચાલી રહી છે. રેલવે પ્રવાસીઓ માટે થર્મલ સ્ક્રીનિંગ સહિતનાં પગલાં લેવાનું વિચારી રહી છે. પેસેન્જર સેવાઓ ક્યારથી શરૂ થશે તેનો ચોક્કસ દિવસ નક્કી કરાયો નથી.

લોકડાઉન બાદ વિમાની સેવા એક સાથે શરૂ નહીં થાય 

દેશમાં ૨૧ દિવસના લોકડાઉન બાદ સરકાર તબક્કવાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન શરૂ કરી શકે છે. વહેતી થયેલી વિગતો મુજબ, દેશની ખાનગી એરલાઇન કંપનીઓ ૧૫ એપ્રિલથી ટિકિટ બુકિંગ કરી રહી છે. બીજી તરફ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, એરલાઇન્સ કંપનીઓ ૧૪ તારીખ પછીની કોઈપણ તારીખ માટે બુકિંગ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ, જો લોકડાઉન લંબાશે તો તેમણે રિફંડ આપવું પડશે.

યુપીમાં કોરોનાનો એકપણ કેસ હશે ત્યાં સુધી લોકડાઉન હટાવાશે નહીં

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસનાં કેસમાં વધારો થતાં ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. યુપીનાં એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો સંકેત આપતા જણાવ્યું હતું કે, યુપીમાં કોરોનાનો એક પણ કેસ હશે તો ૧૪ એપ્રિલ પછી લોકડાઉન હટાવવામાં આવશે નહીં.  કોરોનાનાં કેસ વધ્યા પછી યુપી સરકારે ૧૪મીથી લોકડાઉન હટાવી લેવાનાં નિર્ણયની સમીક્ષા કરી હતી. યુપીમાં કોરોનાનાં ૩૦૫ કેસ નોંધાયા છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ નવા કેસ નોંધાયા હતા. જેમાં ૨૧ કેસ તો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. અત્યાર સુધી બહાર આવેલા કોરોનાનાં કેસમાં ૧૫૯ કેસ તો તબલીગી જમાતનાં લોકો છે.

તેલંગણામાં વધુ બે અઠવાડિયા લોકડાઉન વધારાઈ શકે

તેલગણામાં લોકડાઉન વધારવા અંગે સીએમ ચંદ્રશેખર રાવ દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ૧૫ એપ્રિલના રોજ લોકડાઉન પૂર્ણ કરવામાં નહીં આવે. તેની મર્યાદા વધારી ૩ જૂન કરવામાં આવશે. આ સ્થિતિનો ખ્યાલ આવ્યા બાદ સીએમઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજ્યમાં જે સ્થિતિ છે તેને જોતાં સીએમ દ્વારા કેટલીક જાહેરાત કરાઈ હતી. હાલમાં સ્થિતિ કપરી હોવાથી લોકડાઉન વધારવા અંગે જે તારીખની જાહેરાત કરાઈ હતી તે બીસીજીના અહેવાલોને આધારે કરવામાં આવી હતી. વર્તમાન સ્થિતિને જોતાં લોકડાઉન આગામી બે અઠવાડિયા સુધી વધારવામાં આવે તેવી પૂરતી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન