નીમાને મેં આવી નહોતી ધારી - Sandesh

નીમાને મેં આવી નહોતી ધારી

 | 4:22 am IST
  • Share

વાર્તાઃ અર્જુનસિંહ. કે. રાઉલજી

હા…હું ખરેખર આંધળો જ થઈ ગયો છું- મનથી અને તનથી બંને રીતે…! અત્યાર સુધી હું માત્ર ભૌતિક રીતે જ આંધળો હતો કારણ નીમા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ હતો, પણ ના…છેલ્લા કેટલાંય મહિનાઓથી નીમાનું વર્તન શંકાસ્પદ બનતું જાય છે અને તેની નવાઈ પણ ક્યાંથી હોય? એક આંધળા સાથે તેણે હવે તો આખી જિંદગી વિતાવવાની છે…! ક્યાં સુધી મર્યાદાનાં બંધનોમાં બંધાયેલી રહે? તેની તો ઉંમર પણ શી છે ? હજુ ગયા મહિને જ તેની બર્થડેટ ગઈ- તે ત્રીસમા વર્ષમાં પ્રવેશી, હવે તો કેટલીક પોતાની જાતને આધુનિક કહેવડાવનારી યુવતીઓ ત્રીસ વર્ષ પછી તો લગ્ન કરતી હોય છે. પછી નીમાનો શું વાંક? અત્યારે તો તેની મોજમસ્તી કરવાની ઉંમર છે અને આ ઉંમરે તે યુવાનીના ખેલ નહીં ખેલે તો પછી ક્યારે ખેલવાની છે? ઘરડી થયા પછી? અને ભલે ધણી હયાત છે, પણ છે તો આંધળોને? કોઈના ટેકા કે સહારા વિના તો તે ઘરમાં પણ ફરી શક્તો નથી, પછી તેની પાછળ-પાછળ વોચ રાખવા ક્યાંથી આવવાનો છે? સાચી જ વાત છે ને? હું મારા ઘરમાં પણ એકલો જાતે ફરી શક્તો નથી, લાકડીના ટેકે ટેકે ફરતો હોઉં તો પણ નીમા બૂમાબૂમ કરે કે જો જો આગળ વધતા-આપણા પગથિયા ઊંચા છે અને તમે ચાલ્યા જશો, અને જો પગથિયાનું ભાન નહીં રહે તો ગબડી પડશો, ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે, માટે મહેરબાની કરીને સાચવો અને મારી મુશ્કેલીઓ ના વધારો..! હા…વાત તો તેની સાચી જ છેને? જો હું પડી જાઉં, ક્યાંક આડું અવળું વાગી બેસે અને પથારીવશ થઈ જવાય તો વેઠ તો તેને કરવી પડે ને?! તે બોલતી નથી પણ સ્વગત તો અવશ્ય બબડતી હશે કે- મરી જાવ તો વાંધો નહીં- કદાચ તેને મનમાં તો એવું થતું જ હશે કે મરી જાય તો સારું, રસ્તામાંથી કાંટો દૂર થઈ જાય…! કદાચ પેલા અભિ કે પછી દલાલ કે રાઠોડ સાથે લગ્ન કરવાનો માર્ગ મોકળો થઈ જાય…! હા…સ્ટાફમાં એ ત્રણ તો વાંઢા મર્યા છે. તેમાં પેલો અભિ તો ઊડતી ચકલીઓ પાડે એવો છેને?! મને અનુભવ છેને?! રિસેસમાં વલ્ગર જોક્સ કહેનારો જ એ ને? અને પેલા બે પણ કેવા તાળીઓ પાડી પાડીને તેના સૂરમાં સૂર પુરાવતા હતા…? અરે! પેલી ભૂમિ મેડમને જોઈને તો જાણે કે લાલ દદડાવતા હતા, એ લોકો હવે નીમાને જોઈને પણ પાણી પાણી થઈ જ જતા હશેને? અને તે પણ કોઈપણ પ્રકારની રોકટોક વગર. અને નીમા પણ એ લોકો તરફ નમતી જ હશેને? તેને તો હવે કોણ જોનાર કે રોકનાર છે?! હું તો આંધળો થઈ ગયો છું, એટલે એમના ઉપર ક્યાંથી વોચ રાખવાનો છું ? એમને તો મારા આંધળા થવાથી ફાવતું મળી ગયું હશે…! નીમા પણ છે તો કેટલી હોશિયાર? મને સહેજ પણ તેના ચારિત્ર્યહનનની ગંધ પણ આવવા દે તેમ નથી, મારી સાથે હોય ત્યારે તો મને કેટલો પ્રેમ કરે છે? કેટલાં લાડ લડાવે છે? જાણે કે હું જ તેનો આત્મા હોઉં મારા વગર જાણે કે તેની દુનિયા જ લૂંટાઈ જવાની હોય તેવું વર્તન કરે છે ને?! તેને ખબર છે કે તેના ચહેરાના હાવભાવ તો હવે હું વાંચી શકવાનો નથી જ. પછી મીઠી મીઠી વાતો કરીને મને રાજી રાખવામાં તેનું શું જાય? હા…મારી તો કમનસીબી તો જુઓ-હું તેનો પતિ હોવા છતાં પણ તેને જોઈ શક્તો નથી અને આખી દુનિયા તેને જોઈ શકે છે, તેનું સૌંદર્ય માણી શકે છે, જ્યારે મારે તો માત્ર સ્પર્શથી જ સંતોષ માનવાનો છે ને? હવે આ ભવે તો મને તેનો ગોળમટોળ ગોરો ગોરો ચહેરો જોવા મળવાનો નથી જ ને…?! અને મારે તો આખી જિંદગી તડપ્યા જ કરવાનું છેને?

હમણાં કેટલાંક સમયથી તો તે મોડી પણ આવે છે, જતી હશે ફરવા ગાર્ડનમાં, હોટલમાં, પિકચરમાં કે પછી હાઈવે ઉપર લોન્ગડ્રાઈવ ઉપર…! હા… આંખો હતી ત્યારે પણ તેને લોન્ગડ્રાઈવ ઉપર જવાનો કેટલો શોખ હતો? એ કાંઈ મારાથી અજાણ્યું થોડું જ છે…?! તેના એ શોખને પૂરો કરવા તો સેકન્ડ હેન્ડ ફન્ટી ખરીદી હતી. હાઈવે ઉપર વીક એન્ડમાં અમે લોકો મોટાભાગે લોન્ગ ડ્રાઈવ ઉપર જતાં અને સન કંટ્રોલ ફિલ્મવાળી એ ગાડીમાં બહારથી તો કશું જોઈ શકાય એમ ના હોય એટલે માત્ર ચેઈન્જ તરીકે જ ગાડીમાં રંગરલિયા પણ મનાવતા. હવે એવી રંગરલિયા તે તેના કોઈક યાર સાથે મનાવતી હશે એ દલાલ હોય, રાઠોડ હોય, અભિ હોય અથવા પેલો ચુંચી આંખોવાળો પ્રિન્સીપાલ પણ હોઈ શકે…હા…પ્રિન્સીપાલ જયસ્વાલ…એ પણ કાંઈ કમ નથી, હું નોકરીમાં જોડાયો એ સમયે શરૂઆતના મહિનાઓમાં જ તેના કારસ્તાન બહાર આવ્યા હતા- પેલી કે.જી.ની મેડમ સાથે…અને પછીથી પટાવાળી કિંજલ સાથે…! કેમ જાણ્યું કે એ ચુંચી આંખોવાળો જયસ્વાલ પણ નીમા સાથે…! હું જેમ જેમ વિચારતો જતો હતો તેમ તેમ મારું મગજ સુન્ન મારી જતું હતું- આંધળી આંખોએ પણ જાણે કે ધરતી ચક્કર ચક્કર ફરતી લાગતી હતી…પણ થાય પણ શું? પેલા ચિંતકે કહ્યું છે તેમ નવરા માણસનું મગજ એ ખરાબ વિચારોનું-ગંદકીનું ઉદ્ભવસ્થાન છે…! શું મારે આવા ખોટા વિચારો ના કરવા જોઈએ ને…?! પણ થાય પણ શું? વિચારોની ગતિ ઉપર ક્યારેય આપણો કંટ્રોલ ક્યાં રહે છે?

એ તો સારું થયું કે હું નોકરીમાં જોડાયો ત્યારે માસ્તરોને બધા જ લાભો મળતા હતા, આથી મારી જગ્યાએ નીમાને રહેમરાહે નોકરી મળી ગઈ, બાકી અત્યારે તો ૧૯૯૮ પછી નોકરી મેળવનાર શિક્ષકોને તો કોઈપણ પ્રકારનું રક્ષણ નથી અને કોઈ લાભો મળતા નથી. પાછી નીમા તો એમ.એ. ,બી.એડ. હતી એટલે તેને વળી શિક્ષિકાની નોકરી જ મળી ગઈ, જો અભણ હોત તો તો કલાસ ફોરમાં કાં તો પટાવાળી તરીકે નોકરી કરવી પડત અથવા તો સ્વીપર તરીકે કચરા-પોતાં કરવા પડત…અને પાછી છે પણ ફલફટાક હીરોઈન જેવી એટલે જયસ્વાલ સાહેબે સામેથી કહેવડાવ્યું કે-પ્રકાશભાઈ તમે નીમાબહેનની ચિંતા ના કરતા, મારે એમને રહેમરાહે તમારી જગ્યાએ નોકરી ઉપર રાખી લેવાના-એ મારી ગેરંટી..! અને એમણે બોલેલું પાડી બતાવ્યું. જો કે શરૂઆતમાં તો મને નીમાને એ હાઈસ્કૂલમાં મૂકવાની ઈચ્છા જ નહોતી – હું જાણુંને એ સ્કૂલનું વાતાવરણ…ત્યાંના સ્ટાફરૂમનું વાતાવરણ…એટલે મન પાછું પડતું હતું પણ મજબૂરીનું બીજું નામ જ મહાત્મા ગાંધી છે..મારી આવક બંધ થઈ ગઈ, પગાર આવે નહીં, પાછો હું આંધળો..એ અકસ્માતે તો મારી જિંદગીમાં અંધારું ફેલાવી દીધુંને? પેઈન્િંટગનો પણ શોખ હતો મને મારા દોરેલા ચિત્રો બજારમાં ઊંચા ભાવે વેચાતા હતા, પણ હવે તો આંખો નહોતી એટલે ચિત્રો પણ દોરી શકાય એમ નહોતું. જો કે એક વાત નીમાની મારે કબૂલ કરવી પડે કે તેને ભલે મારી લાગણી હોય કે ના હોય, તેને ભલે બહાર બીજા જોડે રંગરલિયા મનાવવી હોય પણ મારી આંખોનો ઈલાજ કરાવવા માટે તો તેણે આકાશ પાતળ એક કર્યા હતા, ન જાણે કેટલાંય ડોકટરોને બતાવ્યું હતું…અનેે જ્યારે બધા જ ડોકટરોનો એક જ અભિપ્રાય આવ્યો કે રેટીનાની આ ખામીનો ઈલાજ ભારતમાં તો શક્ય નથી, પણ અમેરિકામાં શોધાયેલી નવી ટેક્નોલોજી જો ભારતમાં આવે તો જ શક્ય બને…ત્યારે જ તેણે હથિયાર હેઠા મૂક્યા.

એ જ નીમા, છેલ્લાં કેટલાય દિવસોથી તો જાણે કે તદ્ન બદલાઈ જ ગઈ છે. મોટાભાગે સ્કૂલેથી મોડી જ આવતી હોય છે, અને એ આવે એટલે દરરોજ જાતજાતના પર્ફ્યુમ્સની સુગંધ વાતાવરણને તરબતર કરી દે… અને તે પણ કાયમ એક જ પ્રકારની નહીં જુદા જુદા પ્રકારની..ક્યારેક માથામાં મોગરાની વેણી નાખેલી હોય, હું જોઈ તો ના શકું, પણ તે નજીક આવે એટલે તેના માથે હાથ ફેરવું કે તરત જ ખબર પડી જ જાય અને આપણે પૂછીએ એટલે ગલ્લાં-તલ્લાં કરવા માંડે, બહાના બનાવવા માંડે…મોડા આવવાના કારણમાં પણ તે એવું જ કહે છે ને?! મારા વિષયનું બોર્ડનું રિઝલ્ટ તો મારે સુધારવું જોઈએ ને? કેમ જાણે આખી શાળાના રિઝલ્ટનો ભાર તેના માથે ના હોય?! એટલે સ્કૂલ છૂટયા પછી એકસ્ટ્રા પિરિયડ લઉં છું, વિદ્યાર્થીઓને ટયૂશનની માફક જ તૈયાર કરાવડાવું છું, જયસ્વાલ સાહેબ એકલા નહીં, પણ મંડળના પ્રમુખ-મંત્રી પણ ખુશ છે. મારા કામથી મને મનમાં તો થાય છે કે એ લોકો તારા કામથી ખુશ છે કે પછી તારા દેખાવ અને નખરાંથી..! સામા પુરુષને બાટલીમાં ઉતારતા તને સારું આવડે છે, મારી આંખો હતી ત્યારે પણ જે પુરુષનું કામ હોય તેની સામે લટકા-મટકા કરી એ એવા પ્રેમથી વાતો કરતી કે પેલો માણસ તેના ઉપર ફિદા થઈ જતો, પાણી પાણી થઈ જતો અને બદલામાં નીમા સરળતાથી પોતાનું કામ કરાવી લેતી- પછી ભલેને ગમે તેટલું અઘરું કામ કેમ ના હોય…?! અશક્યને પણ તે શક્ય જ નહીં, વધારે સરળ બનાવી દેતી. આવો સ્વભાવ છે એટલે પછી બધા તેના ઉપર ખુશ જ હોય ને?! મારી પાસે એકસ્ટ્રા પિરિયડનું બહાનું કાઢી ક્યાંય ભટકવા જતી હશે, રંગરલિયા મનાવવા જતી હશે…! તેના યાર સાથે…અને એ મુલાકાતમાં મને તો રસ્તાના કાંટાની માફક જ ધુત્કારતી હશેને?!

કયારેક એમ થાય ખરું કે સ્કૂલના જૂના સ્ટાફ મેમ્બરોમાંથી કોઈકને ફોન કરીને તેની વોચ ગોઠવવી જોઈએ, તેના સમાચાર અને ચાલચલગત વિશે પૂછપરછ કરી હોય તો તે કેટલા પાણીમાં રમે છે- એ વાતનો અંદાઝ આવી જાય. પણ…મોબાઈલ તો છે મારી પાસે, નીમાએ જ આપી રાખ્યો છે, પણ હું તો આંધળો, નંબર કેવી રીતે ડાયલ કરી શકું અને મોબાઈલમાંથી સેવ કરેલો નંબર પણ ના કાઢી શકું કે ડાયરીમાં લખેલો નંબર પણ ડાયલ કરી શકું નહીં અને મારા પોતાના કિસ્મત ઉપર રડવું આવતું. ક્યારેક મારા પોતાના અસ્તિત્વ ઉપર ગુસ્સો પણ આવતો. એમ થતું કે આવી ઓશિયાળી જિંદગી જીવવા કરતાં જો મોત આવતું હોય તો સારું..પણ એ રીતે ઈચ્છા મૃત્યુ કોઈને ક્યાં અને ક્યારે મળે છે? પરિણામે મારી આ હાલત માટે મનોમન અફસોસ કરીને બેસી રહેતો. ક્યારેક તેને નોકરી છોડાવી દેવાની ઈચ્છા થતી, પણ એવી બચત નહોતી, એવું બેંક બેલેન્સ નહોતું કે બીજી કોઈ એવી આવક નહોતી કે બેઠા બેઠા ખાઈ શકાય. માત્ર તેના સહારે જ મારે જીવવાનું હતું ને તે જેમ રાખે તેમ રહેવાનું હતું, એક તેનો જ આશરો હતોને?

હા..જુઓને, તે ગઈકાલથી ગઈ છે. મને તો કહ્યું, છે કે સ્કૂલની છોકરીઓની ટૂર લઈને જાઉં છું. ક્યાં જાય છે? તારી સાથે કોણ કોણ આવે છે ? એવું બધું મેં પૂછયું તો મારું મોં જ તોડી લીધું- તમારે તો બધી પંચાત, બધી પડપૂછ કરવાની, કોણ જાણે હું કોઈને લઈને નાસી ના જવાની હોય? કે પછી તમને એવું તો નથી લાગતું ને કે હું બીજા કોઈક સાથે મોજમસ્તી કરવા જાઉં છું? હવે મારે તેને શો જવાબ આપવો? મનમાં તો હતું જ કે તું મોજમસ્તી કરવા જ જાય છે..?!

જો કે જતાં પહેલાં તેણે મારી બધી જ વ્યવસ્થા કરી દીધી હતી. રસોઈ કરનારા બહેન સમયસર આવીને રસોઈ કરતા, મને જમાડતા, પેલો ગાડી સાફ કરવા આવનારો ભાઈ મને સવારમાં ગાડી સાફ કર્યા પછી નવડાવતો, કચરા-પોતાં માટેની બાઈ-કચરા-પોતાં કરી જતી. મારી બધી જ સગવડનું તેણે ધ્યાન રાખ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ જતાં જતાં ઓછામાં ઓછું પાંચવાર તો તેણે મને કહ્યું હતું કે- મારે આગળ પગથિયા તરફ જવાનું નથી. ક્યાંક ભૂલ ભૂલામણીમાં પડી જશો…!

રસોઈ કરનારા બહેન હમણાં જ મને જમાડી, મારો હાથ ઝાલી બેડરૂમમાં મૂકી ગયા, આગળના દરવાજાની ઈન્ટરલોકની એક ચાવી એમની પાસે છે, તેનાથી ઘર બંધ કરીને ગયા, મારા હાથમાં એસીનું રિમોટ પણ આપતા ગયા. મોબાઈલ મારા ઓશિકા નીચે જ છે. હું એસી ચાલું કરીને સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ મોબાઈલ રણકી ઉઠયો. કદાચ નીમાનો જ ફોન હશે- હવે તો ફોન ઉપાડવાની આશરે આશરે આદત થઈ ગઈ છે, મેં ફોન ઉપાડયો, કાને ધર્યો, “હલ્લો”

“હલ્લો, પ્રકાશભાઈ બોલો છો? “

“હા જી, આપ કોણ? “

“ જી હું નડિયાદ કિડની હોસ્પિટલમાંથી બોલું છું ડો.ખંભાતી, તમારા પત્ની મારી સામે બેઠા છે, તેમણે પોતાની એક કિડની ખરેખર તો વેચી દીધી છે, પણ જાહેરમાં તો દાન કરી છે, પણ એક પતિ તરીકે મારે તમારી સંમતિ તો લેવી પડે ને? એટલે આ ફોન કર્યો છે? તમે તેમાં સંમત છો? “

હું તો ધ્રુુજી જ ઉઠયો. નીમા પોતાની કિડની વેચવા ગઈ છે? પણ શા માટે? એને પૈસાની એવી તો શી જરૂર પડી? “ સાહેબ, પણ મને એ કહેશો કે તે કિડની વેચવા શા માટે તૈયાર થઈ છે? એવી તો તેને શી જરૂર પડી? અને તમે એક ડોકટર થઈને તેને આમાં સહકાર આપ છો? ડોક્ટરસાહેબ આ તો ગુનો ગણાય છે.”

“ હ..પ્રકાશભાઈ હું તે બરાબર જાણું છું, પણ માણસાઈની રીતે મારે તેમને સહાકર આપવો પડે છે. અમદાવાદ આવતા અઠવાડિયે આંખોના નિષ્ણાત ડો.હીડેગર અમેરિકાથી આવે છે, નીમાબહેને તમારા બધા રિપોર્ટ તેમને અમેરિકા મેઈલ કરી કંસલ્ટ કરેલ છે, તમને તમારી દૃષ્ટિ સર્જરી દ્વારા પાછી મળી શકશે એમ ડો.હીડેગરનું કહેવું છે, અને એ સર્જરીના ખર્ચને પહોંચી વળવા જ નીમાબહેન કિડની વેચે છે, તમારી તેમાં સંમતિ છે? “

હું તો ખરેખર જ દૃષ્ટિવિહોણો આંધળો જ હતો ને? ખુલ્લી આંખે મોબાઈલ તરફ તાકી રહ્યો…નીમા…મારી નીમા…મારા માટે પોતાની કિડની વેચવા તૈયાર થઈ ગઈ અને હું તેના ઉપર શક કરતો રહ્યો…ધિક્કાર છે, મારી જાત ઉપર…મેં મારા વાળ બે હાથે ખેંચ્યા, દીવાલમાં માથું પછાડયું અને ધ્રુસકે ધ્રુસ્કે રડી પડયો?! ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો