IMFએ ભારતના જીડીપી ગ્રોથ રેટનો અંદાજ વધુ ઘટાડીને ફક્ત ૪.૮% કર્યો - Sandesh
  • Home
  • Business
  • IMFએ ભારતના જીડીપી ગ્રોથ રેટનો અંદાજ વધુ ઘટાડીને ફક્ત ૪.૮% કર્યો

IMFએ ભારતના જીડીપી ગ્રોથ રેટનો અંદાજ વધુ ઘટાડીને ફક્ત ૪.૮% કર્યો

 | 2:37 am IST

દાવોસ ।

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો GDP ગ્રોથનો અંદાજ વધુ ઘટાડીને ફક્ત ૪.૮ ટકા કરવામાં આવ્યો છે. જો કે ૨૦૨૦માં તેનો ગ્રોથ વધીને ૫.૮ ટકા અને ૨૦૨૧માં વધુ સુધરીને ૬.૫ ટકા રહેશે તેવું અનુમાન રજૂ કર્યું હતું. IMF દ્વારા દાવોસમાં ચાલી રહેલી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં આ અનુમાન રજૂ કરાયું હતું. આ અગાઉ IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ ૬.૧ ટકા અંદાજ્યો હતો. બેન્કે તેનાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, ભારતની નોન બેન્કિંગ નાણાં કંપનીઓમાં સર્જાયેલી કટોકટી તેમજ સ્વદેશી માંગમાં થયેલા તીવ્ર ઘટાડાને કારણે ભારતનો આર્થિક વિકાસ દર ઘટશે. દેવામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને કારણે પણ મંદી ઘેરી બની છે. IMFનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ચેતવણી આપી હતી કે તેનાં દ્વારા જાન્યુઆરીમાં ભારતનાં ગ્રોથ રેટમાં ઘટાડો થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ ૪.૫ ટકાનાં ૬ વર્ષનાં નીચામાં નીચા સ્તરે પહોંચ્યો હતો.

પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્યાંક મુશ્કેલ

ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, ભારત માટે ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્યાંક હાંસલ કરવાનું મુશ્કેલ બની શકે છે. લક્ષ્ય હાંસલ કરવા ભારતે છેલ્લા ૬ વર્ષનાં ૬ ટકાનાં ગ્રોથ રેટની સરખામણીમાં બજાર મૂલ્યનાં ૧૦.૫ ટકાનાં દરે GDP ગ્રોથ હાંસલ કરવા પડશે. જ્યારે સ્થિર મૂલ્યને ધ્યાનમાં લેતા ૯ ટકાનો વિકાસ દર નોંધાવવો પડશે.

ગ્લોબલ જીડીપી કેટલી વધશે?

આઈએમએફએ કહ્યું કે, ભારત અને અન્ય ઊભરતા દેશોમાં મંદીને  કારણે વિશ્વનાં ગ્રોથનો અંદાજ ઘટાડવો પડયો છે. અલબત્ત  અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર થતાં વિશ્વના  મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપથી સ્થિતિ સુધરશે.  ગ્લોબલ જીડીપીમાં ૨૦૧૯માં ૨.૯ ટકા અને ૨૦૨૦માં ૩.૩ ટકા તેમજ ૨૦૨૧માં ૩.૪ ટકાનાં દરે વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન