Imran khan admitted that he did not have the money to run the country
  • Home
  • Columnist
  • એક્સ્ટ્રા કોમેન્ટ: ઇમરાને કબૂલ્યું કે દેશ ચલાવવા માટે નાણાં નથી

એક્સ્ટ્રા કોમેન્ટ: ઇમરાને કબૂલ્યું કે દેશ ચલાવવા માટે નાણાં નથી

 | 7:30 am IST
  • Share

  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક જાહેર કાર્યક્રમમાં એવું કહ્યું કે, પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ છે. દેશ ચલાવવા માટે નાણાં નથી. પાકિસ્તાન અત્યારે ઉછીના પાછીના કરીને ગાડું ગબડાવે છે. કોઇનું કંઈ ધ્યાન પડતું નથી 

  • પાકિસ્તાન ધીમેધીમે ડૂકી રહ્યું છે છતાં પણ સત્તાધીશો સુધરવાનું નામ નથી લેતા. એવા જ નિર્ણયો કરે છે જેનાથી હાલત સુધરવાને બદલે વધુ બગડે. પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને આશરો આપતું રહેશે ત્યાં સુધી કંઈ ભલીવાર થવાનો નથી

પાકિસ્તાન સાવ કંગાળ થઇ ગયું છે એ વાત આમ તો નવી નથી. હવે પાકિસ્તાનના અર્થતંત્રના આંકડાઓ જ એવું કહી રહ્યા છે કે, દેશ નાદારીની કગાર પર ઊભો છે. ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ જાહેરમાં એવું કબૂલ્યું છે કે, દેશ ચલાવવા માટે નાણાં નથી. આપણે બીજા પાસેથી ઉછીના માંગીને વહીવટ ચલાવી રહ્યા છીએ. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ઇમરાન ખાને કહ્યું કે, દેશની હાલત દિવસે ને દિવસે વધુ ને વધુ ખરાબ થતી જાય છે.

દેશની ખરાબ હાલત માટે ઇમરાને પોતાને કે પોતાની સરકારને જવાબદાર માનવાને બદલે દેશના ટેક્સ કલ્ચરને કારણભૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણા દેશમાં ટેક્સ કલ્ચર બન્યું જ નથી. બરાબર આ સમયે જ પાકિસ્તાનની સ્ટેટ બેંકે દેશ પર જે કરજ છે એના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા બતાવે છે કે, ઇમરાન ખાન 2018માં વડાપ્રધાન બન્યા એ પછી પાકિસ્તાનની હાલત બદથી બદતર થઇ ગઇ છે.

સ્ટેટ બેંક ઓફ્ પાકિસ્તાનના આંકડા એવું કહે છે કે, પાકિસ્તાનનું દેવું દેશના જીડીપી કરતાં પણ વધી ગયું છે. પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે, આખો દેશ વેચી દઇએ તો પણ પૂરું ન કરી શકાય એટલું દેવું ચડી ગયું છે. કોઇ એ કહેવા સમર્થ નથી કે, આટલું દેવું તમે ચૂકવશો કઈ રીતે? આવક વધે એવું તો કોઇ પ્લાનિંગ જ નથી. દેશની ઇમેજ એવી થઇ ગઇ છે કે, દુનિયાના દેશો પાકિસ્તાન પર ભરોસો કરવા તૈયાર નથી. પાકિસ્તાન ઉપર કુલ કેટલું દેવું છે? 50.5 લાખ કરોડ રૂપિયા! ઇમરાન ખાનની સરકાર આવી એ પછી દેશના કરજમાં અધધધ…70 ટકાનો વધારો થયો છે.

વ્યક્તિગત કરજની વાત કરીએ તો પાકિસ્તાનના દરેક માણસ દીઠ બે લાખ 35 હજારનું દેવું છે. ઇમરાન ખાનની સરકાર આવી ત્યારે વ્યક્તિગત દેવું 1 લાખ 44 હજારનું હતું, એ વધીને 2 લાખ 35 હજાર થઇ ગયું. ઇમરાન ખાન સરકારે જે દેવું લીધું છે એની સરેરાશ કાઢીએ તો પાકિસ્તાન સરકારે દરરોજ એવરેજ 1400 કરોડ ઉધાર લીધા છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડની છે. પાકિસ્તાન ભારત વિશે એલફ્ેલ બોલતું રહે છે પણ પાકિસ્તાનની હાલત એવી છે કે ભારત સાથે તો પાકિસ્તાનની સરખામણી પણ ન હોય! પાકિસ્તાનનું અર્થતંત્ર 21 લાખ કરોડનું છે, જ્યારે આપણા દેશનું બજેટ જ 34.8 લાખ કરોડનું છે.

પાકિસ્તાનની બરબાદીનું કારણ આતંકવાદને અપાતું પોષણ છે. પાકિસ્તાન વિશે મજાકમાં એવું કહેવાઇ રહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદને રાજ્યાશ્રાય આપેલો છે. પાકિસ્તાનની સરકાર સેના અને જાસૂસી સંસ્થાના ઇશારે જ નાચી રહી છે. ઇમરાન ખાન સેનાની કઠપૂતળી છે એવી વાતો તો ઇમરાન વડાપ્રધાન બન્યા ત્યારથી થઇ રહી છે. આ વાતને સાચી ઠેરવતી એક ઘટના હમણાં બની છે. પાકિસ્તાનની ફેક્ટ ફેક્સ નામની વેબસાઇટે પાકિસ્તાનના ભૂતપૂર્વ ચીફ્ જસ્ટિસ સાકિબ નિસારની એક ઓડિયો ક્લિપ રિલીઝ કરી છે.

આ ક્લિપમાં સાકિબ નિસાર એવું કહે છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ્ સામેના ભ્રષ્ટાચારના કેસમાં સજા કરવા એના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. નવાઝને સજા એટલા માટે કરવાની છે, કારણ કે હવે આપણે ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવવાના છીએ અને તેની સરકાર રચવાની છે. આ વાત સાબિત કરે છે કે, પાકિસ્તાનમાં સેનાનું જ ચાલે છે. સેના ઇચ્છે એની સરકાર રહે છે અને એ જ ટકી શકે છે. સાકિબ નિસારે આ ઓડિયો ક્લિપ ખોટી હોવાનું કહ્યું છે પણ જાણકારોનું કહેવું એવું છે કે, આ અવાજ જસ્ટિસ સાકિબનો જ છે.

પાકિસ્તાનની સેના આજકાલ વડાપ્રધાન ઇમરાન ખાનથી નારાજ છે. એક વાત તો એવી પણ ચાલે છે કે, પાકિસ્તાને લંડનમાં રહેતા ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ્ને પાકિસ્તાન આવી જવા કહ્યું છે. હવે પછીની સરકાર નવાઝ શરીફ્ની બને એવી દાનત સેનાની છે. નવાઝ શરીફ્ને પાકિસ્તાનની અદાલતે સજા ફ્રમાવી છે. હેલ્થનું બહાનું કાઢીને સારવાર માટે નવાઝ શરીફ્ લંડન ગયા હતા. સાજા થઇ ગયા હોવા છતાં નવાઝ શરીફ્ પાકિસ્તાન પાછા ફરવાનું નામ નથી લેતા.

તેને ખબર છે કે, પાકિસ્તાન ગયો તો એરપોર્ટ પર ઊતરતાવેંત જ મારી ધરપકડ કરીને જેલમાં નાખી દેશે. પાકિસ્તાનની અદાલતે નવાઝ શરીફ્ને વોન્ટેડ જાહેર કર્યા છે. ખુદ ઇમરાન ખાન એક વખત એવું બોલી ચૂક્યા છે કે, નવાઝ શરીફ્ને જવા દીધા એ જ મોટી ભૂલ હતી. નવાઝ શરીફ્ની દીકરી મરિયમ અત્યારે ઇમરાન ખાનને ટક્કર આપી રહી છે. જસ્ટિસ સાકિબની ઓડિયો ટેપના મામલે ઇમરાન અને મરિયમ વચ્ચે અત્યારે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે.

આ દરમિયાનમાં બલૂચિસ્તાનમાં વાતાવરણ તંગ થતું જાય છે. પાકિસ્તાનની સરકાર સામે બલૂચિસ્તાનના લોકો રોડ પર આવી ગયા છે. બલૂચિસ્તાનમાં આવેલું ગ્વાદર બંદર ચીને ડેવલપ કર્યું છે. આ વિસ્તારમાં ચીનની વધતી દાદાગીરી સામે બલૂચિસ્તાનના લોકો નારાજ છે. લોકોને એવો ભય છે કે, આવું જ ચાલ્યું તો ચીન અમને ગુલામ બનાવી દેશે. બલૂચિસ્તાનના લોકો કોઇ ઊહાપોહ ન કરે એ માટે પાકિસ્તાનની સરકારે ત્યાં સુરક્ષા કર્મચારીઓને કાફ્લો ખડકી દીધો છે. ઠેકઠેકાણે ચેકપોસ્ટ ખડી કરી દેવામાં આવી છે.

બલૂચિસ્તાનની દરેકે દરેક વ્યક્તિને આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું છે, જે દરેક માણસે સાથે રાખવું પડે છે. દરેક પોસ્ટ પર આઇ કાર્ડ બતાવવું પડે છે. લોકો કહે છે કે, અમારા વિસ્તારમાં અમને અમારી રીતે જીવવાની આઝાદી પણ નથી. જરાકેય બોલીએ તો પકડીને માર મારવામાં આવે છે. ચીને ગ્વાદર બંદર બનાવ્યું એ પછી પાકિસ્તાનની સરકારે ચીનને પોતાના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરવાની છૂટ આપી દીધી છે. સ્થાનિક માછીમારોના હાથમાં હવે કંઇ આવતું જ નથી. બલૂચિસ્તાનમાં લોકોનો ઉશ્કેરાટ એટલો વધતો જાય છે કે ત્યાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે.

પાકિસ્તાનનું પતન નિશ્ચિત છે. પાકિસ્તાન ભારતનું દુશ્મન છે. આમ તો પાકિસ્તાનને ખતમ કરવા માટે આપણા દેશે કંઇ કરવાની જરૂર જ નથી. આપણા દેશે એવાં કૂટનીતિક પગલાંઓ ભર્યાં છે કે, પાકિસ્તાન એની મેળે જ ખતમ થઇ જાય. ઉધારી કરી કરીને પાકિસ્તાન ક્યાં સુધી એનું ગાડું ગબડાવી શકવાનું છે? પાકિસ્તાનના લોકો જ સોશિયલ મીડિયા પર ઇમરાન ખાન હાથમાં કટોરો લઇને ભીખ માંગતા હોય એવા ફેટા અને મિમ્સ અપલોડ કરતા રહે છે અને ઉપરથી લખે છે કે, તમે દેશને મજાક બનાવી દીધો છે, લોકો આપણા પર હસી રહ્યા છે! હવે તો કંઈક સમજો!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો