અદાલતોમાં નકામા કેસોનો ભરાવો, પ્રજાને અદાલતોનો ભરોસો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • અદાલતોમાં નકામા કેસોનો ભરાવો, પ્રજાને અદાલતોનો ભરોસો

અદાલતોમાં નકામા કેસોનો ભરાવો, પ્રજાને અદાલતોનો ભરોસો

 | 1:47 am IST
  • Share

ઘટના અને ઘટન  :-  મણિલાલ એમ. પટેલ

તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમારી પાસે ફાલતું કેસોનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જેને કારણે મહત્ત્વપૂર્ણ કેસો પાછળ ઓછો સમય મળે છે અને તેની સુનાવણી રહી જાય છે. આવા નકામા કેસો અદાલતનો સમય બરબાદ કરે છે ને તેની પાછળ સમય વેડફાઈ જાય છે. જેથી રાષ્ટ્રીય હિતના મહત્ત્વના કેસોની સુનાવણી માટે પૂરતો સમય બચતો નથી ને બિનજરૂરી કેસોમાં સમય બગડતા જરૂરી કેસોનું ભારણ વધતું જાય છે.

સર્વોચ્ચ અદાલતની આવી ટિપ્પણી બાદ દિલ્હીની હાઇકોર્ટે એક જાણીતી અભિનેત્રીના કેસને બિનજરૂરી ગણાવીને કોર્ટનો સમય બગાડવા બદલ રૂ. ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે. ત્રીજા એક કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટે ન્યાયાધીશ પર ચપ્પલ ફેંકવાના બનાવમાં આરોપીને ૧૮માસની સજા ફટકારી છે. આરોપીને ન્યાય મેળવવામાં વિલંબ થતાં નારાજ થઈને તેણે જજ પર ચપ્પલ ફેંક્યું હતું.

અત્રે નોંધવું ઘટે કે, વિલંબિત ન્યાય એ દેશની એક મોટી સમસ્યા છે પણ ચપ્પલ ફેંકીને ન્યાય મેળવવાની પદ્ધતિ તદ્દન અયોગ્ય છે. વિલંબિત ન્યાયના અનેક કારણો છે તે એક અલગ ચર્ચા, ચિંતા ને ચિંતનનો વિષય છે પણ અદાલતોમાં નકામા કેસોનો ભરાવો પણ એક મોટી સમસ્યા છે ને વિલંબિત ન્યાય માટે તે પણ અનેક કારણો પૈકીનું એક મહત્ત્વનું કારણ છે.

સર્વોચ્ચ અદાલતની વાત તદ્દન સાચી છે કે ઢગલાબંધ નકામા કેસો અદાલતોનું ભારણ વધારી રહ્યા છે જેમાં ઘણા માત્ર પ્રસિદ્ધિ માટે પણ કરાતા હોય છે, જ્યારે ઘણા તંત્રની ખામીઓ ઉજાગર કરીને પાયાની સુવિધાઓ મેળવવા માટેના પણ હોય છે. સમગ્ર મુદ્દે પાયાના ચિંતન ને ચર્ચાની જરૂર છે. પ્રજા પાસે સંસદીય લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામપંચાયતથી સંસદ સુધી હોય છે અને તલાટીથી સચિવો સુધીનું વિશાળ વહીવટ તંત્ર છે, છતાં પાયાના નાગરિક સુવિધાઓના પ્રશ્નો ઉકલતા નથી યા જાહેર સેવાઓ ખાડે ગઈ છે. આવા સમયે પ્રજા ન્યાયતંત્ર, મીડિયા ને લશ્કર પ્રત્યે આશા માંડીને બેઠી હોય છે ને તેની પર પ્રજાને શ્રદ્ધા, વિશ્વાસ ને ભરોંસો છે યા ટકી રહ્યો છે ત્યારે પ્રજા અદાલતો તરફ વધુ વળે તે સ્વાભાવિક છે.

તાજેતરમાં કોરોનાકાળનો જ દાખલો તાજો છે. તંત્ર કરતાં અદાલતો પાસેથી પ્રજાને વધુ રાહત મળી છે. ૧૦૮માં આવે તે જ દર્દીને દાખલ કરી શકાય. આવા સામાન્ય નિર્ણયને બદલવા માટે પણ પ્રજાને અદાલતનો આશરો લેવો પડે છે. શું વહીવટી તંત્ર આવો નાનો નિર્ણય પણ ન કરી શકે ? કોરોનામાં લગ્નમાં સરકારે ૧૦૦ માણસોની છૂટ આપી પણ વધુ માણસો એકઠા થતા હોવાથી અદાલતે ૫૦ માણસોની હાજરીમાં જ માત્ર રાત્રે લગ્નનો આદેશ આપતાં સરકારે તે પ્રમાણે ૫૦નો નિયમ કર્યો. શું તંત્ર આવો નાનો નિર્ણય પણ ન લઈ શકે ? ઓછા બેડની ઉપલબ્ધતા અંગે પણ અદાલતે હસ્તક્ષેપ કરતાં તંત્રે વધુ વ્યવસ્થા ઊભી કરી. અદાલતના હુકમથી જ ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યાં. અમદાવાદની મ્યુ. હોસ્પિટલમાં બહારના દર્દીઓને અદાલતના આદેશથી જ દાખલ કરવાનો નિર્ણય થયો. બેડનો ઓનલાઇન ટાઇમ ટેડા બોર્ડ મૂકવાનું પણ અદાલતોને કારણે શરૂ થયું. ઓક્સિજનનો વધુ જથ્થો મેળવવા પણ અદાલતે હસ્તક્ષેપ કરવો પડયો.

૩૬ શહેરોમાં આવશ્યક સેવાઓ સિવાય નાઇટ કરફ્યૂનો અમલ અદાલતના આદેશને કારણે શરૂ થયો. નાના શહેરોમાં પણ RTPCR ટેસ્ટને લેબોરેટરી વધારવાનો પણ અદાલતે આદેશ કર્યો. વાત મૃત્યુ પ્રમાણપત્રમાં કારણની હોય કે ફંગસની સારવારની યા દવાઓ, બેડ, ઓક્સિજન, ઇન્જેક્શનો, એમ્બ્યુલન્સ જેવી અનેક બાબતો કે જે અંગે વહીવટી તંત્ર સરળતાથી નિર્ણયો લઈ શકે તેવા કેસોમાં પણ અનેક રાજ્યોમાં હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલતે હસ્તક્ષેપ કરવો પડયો છે. રસીકરણની નીતિ અંગે પણ ચોક્કસ નીતિ અને તેને સમયબદ્ધ રીતે અમલી બનાવવા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કહેવું પડયું. શું આ બધા નિર્ણયો કેન્દ્ર કે રાજ્ય સરકારો જાતે ન લઈ શકે ? જો કેન્દ્રને રાજ્યો સમયસર નિષ્ઠાપૂર્વક નિર્ણયો કરે તો અદાલતો પર આવા કેસોનું ભારણ જરૂર ઘટી શકે.

હેલ્મેટ ફરજિયાત કરવો કે નહીં, દંડ કેટલો લેવો, માસ્કમાં દંડ વધુ છે કે ઓછો-આવા અનેક મુદ્દા અદાલતો સમક્ષ ગયા છે. જે વહીવટી તંત્ર સરળતાથી ઉકેલી શકે. હોસ્પિટલમાં આગ લાગે ને સમયસર જરૂરી પગલાં ન લેવાય યા બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી ન ધરાવતાં એકમોનો રાફડો ફાટે ત્યારે અદાલત કહે પછી જ પગલાં લેવાય તો સ્થાનિક મ્યુ. કોર્પોરેશન અત્યાર સુધી શું કરતું હતું ? આગ લાગે ત્યારે જ તેને ફાયર સેફ્ટીનો ખ્યાલ આવે છે ?

ચોમાસામાં રસ્તા પર સેંકડો ખાડા ને ભૂવા દરવર્ષે પડી જાય છતાં મ્યુ. તંત્રને જાણે દેખાતું જ નથી. અદાલત કહે ત્યારે જ એક્શનમાં આવે છે. રખડતાં કૂતરાં કે ઢોર તંત્રને દેખાતા નથી. કોઈ અદાલતમાં જાય ત્યારે જ તંત્રને રખડતાં ઢોર જાણે દેખાય છે. ગેરકાયદેસર દબાણો કોઈ અદાલતમાં જાય પછી જ તંત્રને દેખાય છે. વાત શિક્ષણમાં પ્રવેશ, ફી, પરીક્ષા કે પરિણામોની હોય, પગાર-ભથ્થાંની હોય. દરેક બાબતોમાં પ્રજાને ન્યાય મેળવવા અદાલતોનો આશરો અનિચ્છાએ પણ લેવો પડે છે. જેમાંના ઘણા પ્રશ્નો જે તે ખાતું સરળતાથી ઉકેલી શકે તેમ હોય છે. પણ નેતાઓ અને અધિકારીઓ કોઈને અપ્રિય થવું નથી. જેથી નિર્ણયો પોતે કરે તેના કરતાં અદાલતો કરે તેમાં જ પોતાનું હિત ને સલામતી જોતા હોય છે. ઘણા અધિકારીઓ તો પ્રશ્નને લાંબાગાળા સુધી લટકી રાખવા નિર્ણય કરતા નથી જે તે અદાલતમાં જાય ને પોતે કંઈ નિર્ણય ન કરવો પડે.

આવાં અનેક કારણોસર અદાલતોમાં નકામા, બિનજરૂરી ને અદાલતોનો સમય બગાડે તેવા કેસોનો ખડકલો થાય છે, ને યોગ્ય અરજદારને ન્યાય મેળવવામાં અક્ષમ્ય વિલંબ થાય છે. અનેક કેસોમાં રાજ્ય સરકારોની અદાલતોએ માત્ર કડક ટીકા જ નથી કરી પણ દંડ પણ ફટકાર્યો હોય તેવા કિસ્સા બન્યા છે, છતાં સરકારોના પેટનું પાણી પણ હાલતું નથી. નાના-નાના પ્રશ્નો માટે પ્રજાને અદાલતો સમક્ષ જવું પડે તો પછી ગ્રામપંચાયતથી સંસદ સુધીના તંત્રએ શું કરવાનું ? ખાડે ગયેલી મોટાભાગની જાહેર સેવાઓ મેળવવા તંત્ર નિષ્ફળ જાય ત્યારે પ્રજા પાસે મીડિયા ને અદાલતો બંને જ આશરો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન