220-21ના નાણાકીય વર્ષ માટેનું ટેક્સ કરદાતાઓ માટે અગત્યનું અને જરૂરી પ્લાનિંગ-મેનેજમેન્ટ ચેક-લિસ્ટ ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Supplements
 • Business @ Sandesh
 • 220-21ના નાણાકીય વર્ષ માટેનું ટેક્સ કરદાતાઓ માટે અગત્યનું અને જરૂરી પ્લાનિંગ-મેનેજમેન્ટ ચેક-લિસ્ટ !

220-21ના નાણાકીય વર્ષ માટેનું ટેક્સ કરદાતાઓ માટે અગત્યનું અને જરૂરી પ્લાનિંગ-મેનેજમેન્ટ ચેક-લિસ્ટ !

 | 8:42 am IST
 • Share

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ પૂર્ણ થાય તે પૂર્વે કરદાતાઓએ તેમની આવકવેરા જવાબદારીઓ અદા કરવાના સંદર્ભમાં તેમજ આવકવેરા આયોજનના લાભો મેળવવા સંબંધી ઉપયોગી માર્ગદર્શન અત્રે પ્રસ્તુત કરીએ છીએ, જે વાચક મિત્રો માટે રસપ્રદ તેમજ ઉપયોગી બની રહેશે.

એડવાન્સ ટેક્સ ભરવાની તમારી જવાબદારી અંગે આટલું ખ્યાલમાં રાખશો !

આવકવેરાના કાયદા હેઠળ કરદાતાએ તેની કુલ અંદાજિત કરપાત્ર આવક ઉપર ભરવાપાત્ર આવકવેરાની રકમ રૂ. ૧૦,૦૦૦થી વધુ થતી હોય તો, આવી રકમ નાણાકીય વર્ષ દરમિયાન એડવાન્સ ટેક્સ તરીકે ભરવાપાત્ર રકમ નક્કી કરતી વખતે ગ્રોસ એડવાસ ટેક્સમાંથી TDS સ્વરૂપે કપાયેલ રકમ બાદ કરવાની રહે છે. જો કરદાતાએ તેમણે ભરવાપાત્ર એડવાન્સ ટેક્સની રકમ ૩૧મી માર્ચ સુધીમાં અદા ન કરી હોય તો તેવા કેસમાં તેણે કલમ ૨૩૪બી હેઠળ નાણાકીય વર્ષ પછીની તારીખ ૧લી એપ્રિલથી શરૂ કરીને ચૂકવવાપાત્ર આવી રકમ ઉપર માસિક ૧%ના દરે વ્યાજ ચૂકવવાનું રહે છે. જો કરદાતાએ ભરવાપાત્ર ટેક્સની રકમ રૂ. ૧૦,૦૦૦થી ઓછી થતી હોય, તો તેવા કેસમાં, તો આવી રકમ ‘સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ’ સ્વરૂપે (કોઈપણ વ્યાજ ભરવાની જવાબદારી સિવાય), તેનું આવકવેરા રિટર્ન સમયસર ભરીને, રિટર્ન ભરવાના સમયે ચૂકવી શકે છે.

દૃષ્ટાંત : (શ્રી અમદાવાદીની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની કુલ રૂ. ૫,૩૦,૦૦૦ની કુલ કરપાત્ર આવક ઉપર તેમણે ભરવાપાત્ર આવકવેરો તથા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ રૂ. ૧૯,૨૪૦ થાય. તેમના કેસમાં તેમના પગારમાંથી રૂ. ૧૦,૦૦૦ની કરાયેલી TDSની કપાત લક્ષમાં લેતા બાકી ભરવાપાત્ર આવકવેરાની રકમ રૂ. ૯,૨૪૦ રહે, તે રૂ. ૧૦,૦૦૦થી ઓછી હોઈ, તેને એડવાન્સ ટેક્સ તરીકે ભરવી જરૂરી નથી, પરંતુ તે ૩૧મી જુલાઈ, ૨૦૨૧ સુધી સેલ્ફ એસેસમેન્ટ તરીકે ભરી શકાય.

સિનિયર સિટિઝન તેમજ અંદાજિત આવકના કેસોમાં એડવાન્સ ટેક્સ સંબંધી વિશિષ્ટ રાહત !

કલમ ૨૦૭ હેઠળની વિશિષ્ટ જોગવાઈ અનુસાર ભારતમાં રહીશ હોય તેમજ ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર આવક ન ધરાવતા હોય તેવા સિનિયર સિટિઝન (અર્થાત્ ૬૦ વર્ષથી ઉપરની વયના) કરદાતાના કેસમાં, એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા કરદાતા તેમણે ભરવાપાત્ર ટેક્સ તેના આવકવેરા રિટર્ન સાથે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ સ્વરૂપે ભરી શકશે.  આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે કલમો ૪૪એડી, ૪૪એડીએ તેમજ ૪૪એઈ હેઠળ અંદાજિત આવક યોજનાનો લાભ લેતા કરદાતાના કેસમાં, આવી અંદાજિત આવકના સંદર્ભમાં એડવાન્સ ટેક્સના પ્રથમ ત્રણ હપતા ભરવાની કોઈ જવાબદારી રહેશે નહીં, પરંતુ ભરવાપાત્ર એડવાન્સ ટેક્સ ૧૫મી માર્ચ, ૨૦૨૧ના છેલ્લા હપતામાં ભરી શકાશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આવકવેરા રિટર્ન મોડામાં મોડું ક્યાં સુધી ફાઇલ કરી શકાય ?

આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટે કલમ ૧૩૯ (૪)ની જોગવાઈઓ અનુસાર કરદાતાએ પોતાનું આવકવેરા રિટર્ન મોડામાં મોડું સંબંધિત આકારણી વર્ષના અંત કે તેની આવકવેરા આકારણી સંપૂર્ણ થાય તે પહેલાં, બેમાંથી જે સમય વહેલો હોય તે દરમિયાન ભરવાનું રહેશે. આમ, કરદાતા એ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું તેનું રિટર્ન મોડામાં મોડું તારીખ ૩૧-૩-૨૦૨૧ પહેલાં ફાઇલ કરવાનું રહે. આ જ પ્રમાણે કલમ ૧૩૯ (૫)ની જોગવાઈઓ અનુસાર સુધારેલું રિટર્ન (Revised Return) ભરવા માટેની સમય મર્યાદા પણ સંબંધિત આકારણી વર્ષના અંત સુધીમાં અથવા કરદાતાની આકારણી સંપૂર્ણ થાય તે પહેલાં, બેમાંથી જે સમય વહેલો હોય, તે નિયત કરવામાં આવી છે.

તમારી કુલ આવક ઉપર આવકવેરો ભરવાપાત્ર થતો ન હોય તો વ્યાજ, ડિવિડન્ડ તથા ઇન્શ્યુરન્સ કમિશનમાંથી TDSની કપાત સંબંધી મુક્તિનો લાભ લેવાનું ચૂકશો નહીં !

જો કંપની કે ભાગીદારી પેઢી સિવાયના કરદાતા અર્થાત્ વ્યક્તિ, એચ.યુ.એફ., AOP કે ટ્રસ્ટના કેસમાં, તેમને ચૂકવાનાર વ્યાજ, ડિવિડન્ડ કે ઇન્શ્યોરન્સ કમિશનની રકમ, કુલ કરમુક્તિ મર્યાદાથી (અર્થાત્ રૂ. ૨,૫૦,૦૦૦થી) ઓછી હોય અને જો આવા કરદાતાના કેસમાં તેમણે આવકવેરો ભરવાપાત્ર થતો ન હોય, તો વ્યાજ ચૂકવનાર શખ્સ (બેન્ક, કંપની, પેઢી વગેરે) સમક્ષ આ હેતુસર ફોર્મ નંબર ૧૫G (ડુપ્લિકેટમાં) ભરીને રજૂ કરવામાં આવે, તો આવા કેસમાં તેમને TDSની કપાતમાંથી મુક્તિનો લાભ મળી શકે છે. જ્યાં વર્ષાન્તે વ્યાજ ચૂકવાતું હોય, તેવા કેસમાં ફોર્મ ૧૫G તારીખ ૩૧મી માર્ચ પહેલાં વ્યાજ ચૂકવનાર શખ્સને આપી દેવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ સંદર્ભમાં એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે રૂ. ૨,૫૦,૦૦૦ની ઉપરોક્ત મર્યાદા વ્યક્તિ, એચ.યુ.એફ., AOP તેમજ કોઈપણ ટ્રસ્ટ માટે લાગુ પડશે. ઉપરોક્ત સંદર્ભમાં એવું નિયંત્રણ મૂકવામાં આવ્યું છે કે જો વર્ષ દરમિયાન કરદાતાને આવી રકમની ચુકવણી, તેના કેસમાં નિયત કરમુક્તિ મર્યાદા (અર્થાત્ રૂ. ૨,૫૦,૦૦૦)થી વધુ હોય, તો તે સંજોગોમાં ફોર્મ ૧૫G રજૂ કરવાનો લાભ મળી શકશે નહીં.

સિનિયર સિટિઝનોને TDSની કપાતમુક્તિમાંથી વિશેષ સુવિધા !

૬૦ વર્ષથી ઉપરની વયની રહીશ વ્યક્તિ અર્થાત્ સિનિયર સિટિઝન હોય તેવા કરદાતાને તેના કેસમાં કલમ ૮૭એ હેઠળ રૂ. ૧૨,૫૦૦ સુધીના આવકવેરા રિબેટનો લાભ લક્ષમાં લેતાં આવકવેરો ભરવાનો થતો ન હોય તો, તેની વ્યાજ, ડિવિડન્ડ કે ઇન્શ્યોરન્સ કમિશનની કરપાત્ર આવક તેના કેસમાં રૂ. ૫,૦૦,૦૦૦ સુધી થતી હોય તો પણ, આ હેતુસર અલગ નિયત કરવામાં આવેલ ફોર્મ ૧૫H રજૂ કરીને, TDSની કપાતમાંથી મુક્તિનો આ લાભ તે મેળવી શકશે એ ખ્યાલમાં રાખવું જરૂરી છે.

દૃષ્ટાંત : એક સિનિયર સિટિઝન કરદાતાની વ્યાજની કુલ આવક રૂ. ૭,૦૦,૦૦૦ છે. તેને કલમ ૮૦સી હેઠળ નિયત રોકાણો સંબંધી રૂ. ૧,૫૦,૦૦૦ની કપાત તેમજ કલમ ૮૦ડી હેઠળ મેડિક્લેઇમ પ્રીમિયમ ભર્યા સંબંધી રૂ. ૫૦,૦૦૦ની કપાતના લાભો મળવાપાત્ર છે તે લક્ષમાં લેતાં, તેની કુલ કરપાત્ર આવક રૂ. ૫,૦૦,૦૦૦ થાય જેના ઉપર આવકવેરાની જવાબદારી શૂન્ય રહે. આ કેસમાં સિનિયર સિટિઝન, તેને મળવાપાત્ર રૂ. ૭,૦૦,૦૦૦ના વ્યાજમાંથી TDSની કપાત કરાય નહીં તે હેતુસર ફોર્મ ૧૫H ભરી વ્યાજની ચુકવણી કરનાર શખ્સ સમક્ષ રજૂ કરી શકે.

૩૧મી માર્ચ, ૨૦૨૧ પૂર્વે આટલું ચકાસવાનું ચૂકશો નહીં !

 • કલમ ૮૦સી હેઠળ રૂ. ૧,૫૦,૦૦૦ સુધીના નિયત રોકાણો કે ખર્ચ કરીને આવકવેરા બચત કરવાનું ચૂકશો નહીં !
 • કલમ ૮૦સીસીડી હેઠળ રૂ. ૫૦,૦૦૦ સુધી NPSમાં રોકાણ કરીને મેળવી શકાતી વધારાની કપાત દ્વારા કરી શકાતું આવકવેરા આયોજન ખ્યાલમાં રાખશો !
 • વૈજ્ઞાનિક સંશોધનમાં કાર્યરત હોય તેવી સંસ્થાઓ (જેમ કે કેન્સર રિસર્ચ સોસાયટી)ને દાન સંબંધી અપાતી રકમ અંગે ૧૦૦%ની કપાતનો લાભ મળી શકે તે ખ્યાલમાં રાખશો !
 • PPF Accountની પાકતી તારીખ બાદ તેના Extensionનો લાભ લેવો હોય તો તે હેતુસર નિયત ફોર્મ ૪ ભરીને બેન્ક કે પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાનું ધ્યાનમાં રહે !
 • ચાલુ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧નું આવકવેરા રિટર્ન ૩૧મી માર્ચ, ૨૦૨૧ સુધીમાં ફાઇલ કરવું અનિવાર્ય હોઈ ઉપરોક્ત સમયમર્યાદામાં રિટર્ન ભરવાનું ચૂકશો નહીં !
 • આવકવેરો ભરવાપાત્ર ન હોય તેવા કેસમાં વ્યાજ, ડિવિડન્ડ તેમજ ઇન્શ્યોરન્સ કમિશનમાંથી TDSની કપાત ન થાય તેનો લાભ મેળવવા ફોર્મ ૧૫G કે ૧૫H રજૂ કરવાનું ચૂકશો નહીં !
 • એડવાન્સ ટેક્સ ભરવાની અથવા TDSની કપાત કરવાની તમારી આવકવેરા જવાબદારીઓનું યોગ્ય પાલન કર્યું છે તેની ચકાસણી કરવાનું ભૂલશો નહીં !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન