ભારતનો એક સારો પાડોશી દેશ : બાંગ્લાદેશ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભારતનો એક સારો પાડોશી દેશ : બાંગ્લાદેશ

ભારતનો એક સારો પાડોશી દેશ : બાંગ્લાદેશ

 | 12:26 am IST
  • Share

રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ

બાંગ્લાદેશના ઉદ્ભવનાં ૫૦ વર્ષની ઉજવણી દક્ષિણ એશિયામાં એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના બની રહી. એનું એક કારણ તો એ છે કે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. ભારતીય લશ્કરના શૂરવીર સૈનિકોએ પૂર્વ પાકિસ્તાન નામના દેશનું અસ્તિત્વ મિટાવી દઈને બાંગ્લા દેશ નામના નવા દેશને જન્મ આપ્યો. પૂર્વ પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાન લશ્કરના ૯૦ હજાર સૈનિકો ભારતીય લશ્કરી વડાને શરણે આવ્યા હતા અને ભારતે પાછળથી પાકિસ્તાની સૈનિકોને મુક્ત કરી દીધા હતા. પાકિસ્તાન માટે આ શરમજનક પરાજય હતો.

એવા બાંગ્લાદેશના નિર્માણની ૫૦મી વર્ષગાંઠ ભારત સહિત દક્ષિણ એશિયા માટે ખુશીની ક્ષણ રહી અને આવા મહત્ત્વપૂર્ણ ઉજવણી સમારંભમાં બાંગ્લાદેશના વર્તમાન શાસકોએ ભારતને યાદ કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરી તેમને બાંગ્લાદેશમાં બોલાવ્યા.

આ ઘટના કૂટનીતિની દૃષ્ટિએ ચીન અને પાકિસ્તાન બંને માટે લપડાક છે. ચીન પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બાંગ્લાદેશની ૫૦મી વર્ષગાંઠે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશમાં હાજરી ઘણું બધું કહી જાય છે.

રાજનીતિના પંડિતો બાંગ્લાદેશની ૫૦મી જન્મગાંઠે વડાપ્રધાન મોદીની હાજરીને ઔપશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ચૂંટણીઓ સાથે જોડે છે. એ વાત સાચી કે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વખતે જ ભારતના વડાપ્રધાન બાંગ્લાદેશ ગયા પરંતુ એ વાત એ લોકો ભૂલી જાય છે કે, પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓ બાંગ્લાદેશની ૫૦મી વર્ષગાંઠની તારીખ લક્ષ્યમાં રાખીને યોજવામાં આવી નથી. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ તો અગાઉની વિધાનસભાની મુદત પૂરી થવાના કારણે યોજાઈ છે.

હા, એ વાત સાચી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશમાં આવેલા ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરમાં ગયા અને દર્શન કર્યાં. એટલું જ નહીં પરંતુ તેઓ મતુઆ સમાજના સંસ્થાપક હરિૃન્દ્ર ઠાકુરના જન્મસ્થળે પણ ગયા. મતુઆ સમાજ એક સુધારાવાદી સમાજ છે. મતુઆ સમાજ બંગાળમાં બે કરોડની વસતી ધરાવે છે તેથી તેનો લાભ પશ્ચિમ બંગાળમાં ભાજપાને થશે એવો ભય મમતા બેનરજીને સતાવે છે. પણ એમાં કોઈ શું કરે? રાજનીતિ આખરે રાજનીતિ છે. ખરેખર તો વડાપ્રધાન મોદીએ મતુઆ સમાજની સાથે સમય પસાર કર્યો તેની ખુશી થવી જોઈએ.

હવે ફરી એક વાર બાંગ્લાદેશની વાત પર આવીએ. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં એક એવો દેશ છે કે જે બહુ ઓછા સમયમાં એક મુકામ પર પહોંચીને પોતાની સાર્થકતા સિદ્ધ કરી ચૂક્યો છે. બાંગ્લાદેશ ના કેવળ રાજનૈતિક, સામાજિક બલ્કે આર્થિક રીતે પણ દક્ષિણ એશિયાનો એક નોંધપાત્ર દેશ બની ચૂક્યો છે. બાંગ્લાદેશ આપણો પાડોશી દેશ છે જેણે ભારત પ્રત્યે કદીયે દુર્ભાવના દર્શાવી નથી. ભારતવિરોધી ચીન અને પાકિસ્તાનની જુગલબંધીને આપણે જાણીએ છીએ. નેપાળને પણ આપણે જોઈ રહ્યા છીએ. નેપાળ પણ ક્યારેક ચીનનું રમકડું બની જાય છે. આ સંજોગોમાં ઢાકામાં પરેડ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ભારત માટે ગર્વની વાત છે.

બાંગ્લાદેશ ભારતનો પાડોશી દેશ છે અને વડાપ્રધાન મોદી ‘પાડોશી પહેલાં’- એવી ભાવના અનેક વાર અભિવ્યક્ત કરી ચૂક્યા છે. સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાની બાબતમાં બાંગ્લાદેશ અને ભારત લગભગ એકસમાન છે. પશ્ચિમ પાકિસ્તાને એક જમાનામાં પૂર્વ પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ઉર્દૂ ભાષા ઠોકી દેવા પ્રયાસ કર્યો હતો. તેમાંથી જ પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના તાનાશાહ વિરુદ્ધ ચિનગારી પ્રગટ થઈ હતી અને પછી જે યુદ્ધ થયું તેમાં ભારતના લશ્કરે આજના બાંગ્લાદેશની સાથે સહયોગ કરી તે દેશને જન્મ અપાવ્યો હતો.

આજે પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભાવનાત્મક સંબંધો અકબંધ છે. કેટલાક મુઠ્ઠીભર કટ્ટરપંથીઓને બાદ કરતાં બાંગ્લા દેશની મોટા ભાગની પ્રજા અને શાસકો ભારત પ્રત્યે આદર ધરાવે છે. આજે પૂર્વોત્તર રાજ્યોમાં જે શાંતિ છે તેમાં બાંગ્લા દેશનું મોટું યોગદાન છે. આજે કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે મહામારીના આ સમયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વિદેશયાત્રા બાંગ્લાદેશમાં કરી તે પણ મહત્ત્વપૂર્ણ ઘટના છે.

બાંગ્લાદેશના જન્મને ૫૦ વર્ષ થયાં અને ભારત તેની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ તરફ આગળ વધી રહ્યું છે. ગરીબી અને સાંપ્રદાયિક હિંસા બંને દેશોમાં સમાન ચિંતાનો વિષય છે. એ મુશ્કેલીઓ દૂર કરવા બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.

એ વાત સાચી છે કે બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ ન હોત તો આજે દક્ષિણ એશિયાની તસવીર કાંઈક અલગ જ હોત.

અલબત્ત, અત્રે એ નોંધવું જરૂરી છે કે બાંગ્લાદેશનો વિસ્તાર એક જમાનામાં એટલે કે બ્રિટિશ શાસન વખતે ભારતના ગરીબ વિસ્તારો પૈકીનો એક હતો. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારે એ વિસ્તાર પાકિસ્તાનનો જ એક ગરીબ હિસ્સો બની ગયો. ૧૯૭૧માં બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે તે દેશ વધુ ગરીબ બની ગયો, પરંતુ આજે તેની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

વિકાસની બાબતમાં બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં આગળ નીકળી ગયો છે. પાકિસ્તાન કંગાળ રહી ગયું અને બાંગ્લાદેશ વિકાસ કરતો રહ્યો. વ્યક્તિગત આવકની બાબતમાં પણ બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં આગળ છે. કોરોના મહામારી પહેલાં તેનો આર્થિક વિકાસ દર સતત ચાર વર્ષ સુધી ૭ ટકાથી વધુ હતો, જે પાકિસ્તાન અને ચીન કરતાં પણ વધુ હતો.

આજે પાકિસ્તાનની સરખામણીમાં બાંગ્લાદેશના લોકો વધુ સંપન્ન છે અને વધુ શિક્ષિત પણ છે. ૯૮ ટકા બાંગ્લાદેશી બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે. શિશુ મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશમાં શૌચાલયોનો ઉપયોગ વધુ છે. કેટલાક સમય પહેલા ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સમિતિ’એ બાંગ્લાદેશને બેહદ ઓછા વિકસિત દેશની યાદીમાં મૂક્યો હતો. હવે તે દેશ ‘વિકાસશીલ દેશોની’ યાદીમાં આવે તે માટે એ જ સમિતિએ ભલામણ કરી છે.

બાંગ્લાદેશ પાસે ૫૦ વર્ષ બાદ આઝાદીનો જશ્ન મનાવવા માટે ઘણું બધું છે. આ સ્વયં દુનિયાની આર્થિક વિકાસની કથાઓ પૈકીની એક છે. ૧૯૮૦ બાદ દરેક દાયકામાં તેનો સરેરાશ આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે. તેની નિકાસ ગયાં ૧૦ વર્ષમાં લગભગ ૮૦ ટકા વધી ગઈ છે. બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ જબરદસ્ત પ્રગતિ સાધી રહ્યો છે. એ જ રીતે વિદેશોમાં વસતા બાંગ્લાદેશના લોકો એ દેશોમાં જે ધન કમાય છે તે પણ બાંગ્લાદેશમાં મોકલે છે તે પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે. બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગે તે દેશની મહિલાઓની હાલત સુધારવામાં મોટું યોગદાન આપ્યું છે.

અલબત્ત, બાંગ્લાદેશની રાજનીતિ આજે પણ પહેલાંની જેમ નિરાશાજનક છે. શેખ મુજીબુર રહેમાને બહુપક્ષીય દેશમાં ઘણું બદલવાની કોશિશ કરી પરંતુ તેમની હત્યા કરી દેવાઈ. બાંગ્લાદેશના હાલના વડાપ્રધાન અને શેખ મુજીબુર રહેમાનનાં પુત્રી શેખ હસીનાએ ફરી એક વાર સત્તામાં આવ્યા બાદ નિષ્પક્ષ કાર્યવાહક સરકારની અંતર્ગત ચૂંટણી કરાવવાની પ્રથાને ખતમ કરી દીધી. મુખ્ય વિપક્ષી નેતા ખાલિદા જિયાને ૨૦૧૫માં ગિરફતાર કરી ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠરાવી તેમની પર રાજનીતિમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. બાંગ્લાદેશમાં માત્ર વિપક્ષી કાર્યકર્તાઓને જ નહીં પરંતુ સરકારની ટીકા કરનારા પત્રકારો અને કાર્યકરોને પણ જેલભેગા કરાયા છે. બાંગ્લાદેશમાં પાકપ્રેરિત કટ્ટરવાદીઓ આજે પણ સક્રિય છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ હિન્દુ પરિવારો, હિન્દુ મંદિરો અને હિન્દુઓની મિલ્કતો પર હુમલા કરી રહ્યા છે જે કમનસીબ વાત છે. આ બધાં તેનાં નિષેધાત્મક પાસાં છે.

ખેર!

આ બધું હોવા છતાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ ભારતનો એક સારો પાડોશી દેશ છે અને એ દોસ્તી મજબૂત થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ દેશની ૫૦મી વર્ષગાંઠના દિવસે હાજરી એ માત્ર ગૌરવની જ વાત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અને દેશની આંતરિક રાજનીતિમાં એક માસ્ટર સ્ટ્રોક છે.

બાંગ્લાદેશ સમૃદ્ધિ તરફ પગ માંડી રહ્યો છે ત્યારે માત્ર કટ્ટરતા વિરોધી બળોની ચુંગાલમાં ફસાયેલું પાકિસ્તાન આજે કંગાળ થઈ ચૂક્યું છે. ભૂખમરો અને મોંઘવારીથી પાકિસ્તાનની પ્રજા પીડાઈ રહી છે. થોડા દિવસ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર ફરી શરૂ કરવા નિર્ણય લીધો હતો પરંતુ કાશ્મીરમાં ૩૭૦મી કલમ ફરી સ્થાપિત કરવાની માંગણી સાથે પાકિસ્તાને યુ-ટર્ન લઈ ભારત સાથે વેપાર કરવા ઈન્કાર કરી પોતાના જ પગ કાપ્યા છે. આજે તેની પાસે કપાસ નથી અને ખાંડ પણ નથી. આજે પાકિસ્તાનને કોઈ દેશ લોન આપવા તૈયાર નથી. જ્યાં કટ્ટરવાદ છે ત્યાં ભૂખમરો ને ગરીબી જ છે. આવો દેશ પાકિસ્તાન ભારતનો પાડોશી છે તે એક કમનસીબી છે.

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન