India flows in opposite direction than the world to move the statue
  • Home
  • Columnist
  • પ્રતિમા સ્થાપવા, ખસેડવામાં ભારતમાં દુનિયાથી ઊલટી જ ગંગા

પ્રતિમા સ્થાપવા, ખસેડવામાં ભારતમાં દુનિયાથી ઊલટી જ ગંગા

 | 7:13 am IST
  • Share

  • પ્રતિમાનું રાજકારણ; US-ભારતમાં પ્રતિમાની સ્થાપના, દૂર કરવાનો ઉન્માદ સરખો પણ ઊર્ધ્વ અને અધો-ગતિ જેવો વિરોધાભાસ

  • ગુલામો રાખેલા એટલેUSના ફાઉન્ડિંગ ફાધર થોમસ જેફરસનની પ્રતિમા હટાવાઈ. ભારતમાં રાષ્ટ્રપિતાના હત્યારા ગોડસેની પ્રતિમા સ્થાપવાની હોડ જામી છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર બિલ દ બ્લાસિયોએ નીમેલી એક સમિતિએ નક્કી કર્યું કે શહેરના સિટી હોલમાં છેલ્લા 100 વર્ષથી શોભી રહેલી અમેરિકાના ફઉન્ડિંગ ફધર ગણાતા અને રાષ્ટ્રના ત્રીજા પ્રેસિડેન્ટ થોમસ જેફ્રસને જે તે સમયે તેમના એસ્ટેટમાં 600 અશ્વેત ગુલામો ખરીદીને રાખ્યા હતા એટલે તે રાષ્ટ્ર માટે કલંકરૂપ ગણાય અને તેમની પ્રતિમા સિટી હોલમાં શોભી ન શકે. 23મી નવેમ્બરે, 2021ના દિવસે આ પ્રતિમા હટાવી દેવામાં આવી.

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી આફ્રિકન અમેરિકન્સ સમૂહ પર વધી રહેલા હુમલા અને ભેદભાવના કિસ્સાના પગલે વિશ્વભરના ઈમિગ્રન્ટ્સના મેલ્ટિંગ પોટ ગણાતા આ દેશમાં રંગભેદ વિરોધી એક જે મૂવમેન્ટ શરૂ થઈ તેનું આ પરિણામ. પ્રતિમા ખસેડતા પૂર્વે સમગ્ર શહેરમાં એક જાહેર ચર્ચા પણ થઈ. જેમાં બહુમત સૂર પ્રતિમા દૂર કરવાનો રહ્યો. સમાનતાને પાયો ગણતી લોકશાહીને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા એક રાષ્ટ્રના સ્થાપક સભ્યની પણ પ્રતિમા લાંછનરૂપ ગણાવીને જાહેરમાંથી ખસેડી લેવાઈ. આ સાંપ્રત વાસ્તવિકતા વિશ્વની સૌથી જૂની મનાતી લોકશાહીની છે. 

હવે સ્વાભાવિકપણે જ વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ગણાતા ભારતની વાત યાદ આવે. આ વાતનું નિમિત્ત જામનગરની તાજેતરની એક ઘટનાએ પૂરું પાડયું. સ્થાનિક હિન્દુ સેના નામના સંગઠને નથુરામ ગોડસેની પ્રતિમાનું સ્થાપન કર્યું. જેના વિરોધમાં કોંગ્રેસના સભ્યોએ આ પ્રતિમા તોડી નાંખી. આને સ્થાનિક સ્તરે બનેલી એક નાનકડી ઘટનાની જેમ જ મીડિયા, રાજકારણી અને સમાજે ગણી લીધી અને કદાચ આ જ હકીકત એ સ્પષ્ટ કરે છે કે, ભારત દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે.  

અશ્વેત લોકોને હલકા ઊતરતા ગણી તેમને ગુલામ રાખ્યા તે કોઈપણ પુખ્ત અને માનવીય મૂલ્યોને પાયામાં રાખનાર સમાજ માટે ગૌરવરૂપ ન ગણાય અને તે વ્યક્તિ ભલેને દેશની રચનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી હોય, રાષ્ટ્રનો પ્રેસિડેન્ટ પણ કેમ રહી ન ચૂક્યો હોય. આ સમસમાવેશી, સમાનતાનાં મૂલ્યોને માનનારા સમાજનો નિર્ણય છે. જ્યારે ભારતમાં નથુરામ ગોડસેની પ્રતિમાની જાહેરમાં સ્થાપના કરવાનું વલણ નિર્ભિકપણે વધી રહ્યું છે.

નથુરામ ગોડસે મહાત્મા ગાંધીનો હત્યારો હતો એટલા જ માત્રથી તેની પ્રતિમા હોઈ ન શકે તે કહેવું એ ગોડસેની પ્રતિમા મૂકી શકાય તેમ માનનારાને અત્યંત હળવાશથી લેવા જેવું ગણાય. ગોડસેએ મોહનદાસ કરમચંદ ગાંધીની છાતીમાં ધરબી દીધેલી ગોળી એ એક ઝનૂનવાદી, દેશના ભાગલાથી ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ આવેશમાં આવી જઈને કરેલું કૃત્ય નહોતું. કેટલાય સમયથી સતત તેની નક્કર બનાવાયેલી માનસિકતા અને તેની પાછળ સક્રિય થયેલી એક વિચારધારાના હાથે થયેલી ગાંધીની હત્યા હતી અને તે પણ ગાંધી વિચારધારાની હત્યા કરવાની યોજનાની જ શરૂઆત હતી.  

ટેક્નોલોજી અને વિજ્ઞાનના વિકાસની સાથે વિશ્વમાં માનવીય મૂલ્યોનો, લોકશાહીનાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાના સમયમાં તો ખાસ કરીને એશિયાના દેશોમાં લોકશાહીને કચડતા પગલાં લેવામાં આવી રહ્યાં છે, લોકશાહીને વધુ મજબૂત બનાવવા મથી રહેલા નાગરિક સંગઠનો પર સત્તાની ધોંસ વધી રહી હોવાનું તાજેતરના જ એક વૈશ્વિક અહેવાલમાં કહેવાયું છે. આ સંજોગોમાં થોમસ જેફ્રસન અને ગોડસેની પ્રતિમાના આ બે કિસ્સા ઊર્ધ્વ અને અધો-ગતિના સૂચક ગણી શકાય.  

ગોડસેની પ્રતિમા મૂકવાનો ઉન્માદ ભારતમાં કેટલી હદે વધી રહ્યો છે તેનો એક દાખલો ગ્વાલિયરની હિન્દુ મહાસભાનો છે. તેણે નક્કી કર્યું છે કે, તેમની ઓફ્સિમાં નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેની પ્રતિમા સ્થાપશે. મહાત્મા ગાંધીની હત્યા માટે ગોડસે અને આપ્ટે બંનેને ફંસી થયેલી. હવે હિન્દુ મહાસભાએ આ બંનેને જ્યાં ફંસી મળેલી તે અંબાલાની જેલમાંથી માટી મેળવી છે અને તેનો ઉપયોગ પ્રતિમા બનાવવામાં કરશે. ગોડસેના કૃત્યને વાજબી ઠેરવવાના ઉન્માદની પાછળ મહાત્મા ગાંધીના વિચાર વારસાને લુપ્ત કરવાની ઝુંબેશ વધુ દેખાઈ રહી છે.  

ગાંધીજયંતી નિમિત્તે સત્તાકારણીઓ જાહેરમાં તો પુષ્પાંજલિ અર્પવાનું ચૂકતા નથી. પરંતુ સમાજમાં મહાત્મા ગાંધી અને તેમના વિચારોનું કેવી રીતે ક્રમશઃ નિકંદન નીકળતું જાય તેના સક્રિય અને કમનસીબે સફ્ળ પ્રયાસો થઈ રહ્યા છે. દરેક પરિવાર કે મિત્રસમૂહના વોટ્સએપ ગ્રૂપમાં એક દિવસ એવો નહીં હોય જ્યારે ગાંધી વિરોધી મિમ્સ કે રમૂજની પોસ્ટ ન મુકાતી હોય. સામાન્ય લાગતી આ હકીકત એક માનસિકતાને મજબૂત કરી રહી છે તેની ભયાવહતા અત્યારે નહીં સમજાય, પરંતુ તેના વરવાં ફ્ળ આવનારી પેઢીએ ભોગવવાં પડશે તે નક્કી છે.  

જામનગરમાં ગોડસેની પ્રતિમા સ્થપાય અને તેનાથી માંડ ત્રણસો કિલોમીટર દૂર, ભારતની આઝાદીના એક નિર્ણાયક આંદોલનનાં મૂળ જ્યાં સ્થપાયેલાં તે સાબરમતી આશ્રામના સંદર્ભમાં થઈ રહેલા ફેરફારો, આ બંને ઘટનામાં તાત્ત્વિક કોઈ ભેદ જણાતો નથી. સાબરમતી આશ્રામના નવીનીકરણ અને ગાંધીવિચારને વધુ લોકપ્રિય બનાવવાના નામે તેને સેન્ટ્રલ વિસ્ટા જેવા ભપકાદાર ઓપ આપવાનો આરંભ થઈ રહ્યો છે. તેની સામે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીનો આશ્રાય લઈ ગાંધીના મૂળભૂત વિચારોને થઈ રહેલા અન્યાય સામે હાઈકોર્ટ સામે આશાભરી મીટ માંડી. પરંતુ આખા પ્રોજેક્ટમાં કશું જ વાંધાજનક નથી તેમ ઠેરવી હાઈકોર્ટે તેમની અરજી ફ્ગાવી દીધી અને આશ્રામવાસીઓને ખસેડવામાં આવી રહ્યા છે તે તો એક દીવાની દાવો છે તેમ કહી સેશન્સ કોર્ટમાં જવા કહી દીધું.  

કદાચ મહાત્મા ગાંધીને આધુનિક સમયમાં જે પ્રકારે ઘેરઘેર તિલાંજલિ આપવામાં આવી રહી છે તે જોતાં એમ કહેવામાં કશું ખોટું નહીં ગણાય કે, સાબરમતી આશ્રામને પણ હવે સરદાર પટેલની કેવડિયા ખાતેની પ્રતિમાની જેમ વિશ્વની એક અજાયબી બનાવવાનો લક્ષ્યાંક હશે. થોમસ જેફ્રસને જે તે સમયે 600 ગુલામો રાખેલા તે કદાચ વિશ્વમાં ગણ્યાંગાંઠયા લોકોને ખબર હશે, છતાં અમેરિકાવાસીને તેની પડી છે. પરંતુ ગાંધીવિચારને તો વિશ્વમાં ક્યાંય કોઈ પ્રચાર, પ્રસાર, પ્રસિદ્ધિની જરૂર સુદ્ધાં નથી. આ હકીકત પણ ભૂલવી ન જોઈએ. 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો