India is the capital of antibiotics .. Indians get sick after taking medicine
  • Home
  • Columnist
  • ભારત એન્ટિબાયોટિકની રાજધાની.. ભારતીયો દવા ખાઈને બીમાર

ભારત એન્ટિબાયોટિકની રાજધાની.. ભારતીયો દવા ખાઈને બીમાર

 | 6:20 am IST
  • Share

  • દવાના રૂપમાં ધીમું ઝેર : એન્ટિબાયોટિકના અપ્રમાણસર દુરુપયોગથી થતા મૃત્યુનો સરવાળો કેન્સર અને માર્ગ અકસ્માતનાં મોતથી વધુ

  • એન્ટિબાયોટિક પ્રતિરોધકતાની વધતી વિકરાળતા માટે પોલ્ટ્રીનાં મરઘાં અને કૃત્રિમ તળાવના ઝીંગાનો ચટાકો પણ એટલો જ જવાબદાર છે..

વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે સમગ્ર વિશ્વમાં 18થી 24 નવેમ્બર એન્ટિબાયોટિક જાગૃતિ સપ્તાહની ઉજવણી થાય છે. દવા તરીકે બીજા વિશ્વ યુદ્ધ પછી 1928માં સ્કોટલેન્ડના વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગેસૌપ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધ કરી. આ વૈજ્ઞાનિકે 1945માં નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે વ્યક્ત કરેલી દહેશત આજે વિકરાળ સ્વરૂપે તબીબીજગત સામે ડોળા ફાડીને ઘુરકિયા કરી રહી છે. ફ્લેમિંગે ત્યારે કહ્યું હતું કે, ‘એવો સમય આવશે જ્યારે કોઈ પણ માણસ દવાની દુકાનમાં જઈ આ દવા ખરીદી શકશે જેમાં ખતરો એ છે કે, અજ્ઞાની માણસો અધકચરી માત્રામાં દવાનું સેવન કરી જીવાણુને દવા પ્રતિરોધક બનાવી દેશે.’ આ લેખ લખાય છે ત્યારે ઊજવાતા સપ્તાહની સમાપન સંધ્યા છે.

સંશોધનો અને અભ્યાસનાં તારણો માનવસમાજ માટે ઘેરી ચિંતાના સાયરન સમા જણાય છે. ઈન્ડિયન જનરલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થાને 2019માં પ્રગટ કરેલા શોધપત્ર અનુસાર પ્રતિ વર્ષ 7 લાખ વ્યક્તિ એન્ટિબાયોટિક દવાની પ્રતિરોધકતાના કારણે બેક્ટેરિયાના પ્રભાવથી મૃત્યુ પામે છે. ફક્ત પુખ્તવયના જ ભોગ બનતા હોય તેવું નથી, ગર્ભમાં રહેલા બાળકો પણ દવાના અપ્રમાણસર સેવનથી અસરગ્રસ્ત છે. 58,000 જેટલા નવજાત શિશુ એન્ટિબાયોટિક દવાના કારણે ગત વર્ષે મૃત્યુ પામ્યા હોવાની વિગતો હચમચાવી દેનારી છે.

2020ના વર્ષમાં ભારતીયોએ 19 અબજ એન્ટિબાયોટિક ટીકડીઓ ગળી જઈ ચીન અને અમેરિકાને પાછળ મૂકી દેવાનો અકીર્તિમાન સ્થાપિત કર્યો. દવામાફિયાઓ ભારત દેશને એન્ટિબાયોટિકની રાજધાની ગણાવે એ ગૌરવ નહીં આઘાત અને ચિંતાનો વિષય છે. આખો દેશ એન્ટિબાયોટિકના દુરુપયોગ અને અતિઉપયોગનો શિકાર છે. આઈસીએમઆરનો અભ્યાસ કહે છે કે, દર ત્રણ તંદુરસ્ત પૈકી બે ભારતીયનું પાચનતંત્ર એન્ટિબાયોટિકને પચાવી ગયેલા ઘાતક બેક્ટેરિયાઓથી ખદબદે છે. અમેરિકાની જોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનનું તારણ છે કે, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ એન્ટિબાયોટિક પ્રતિરોધક વ્યક્તિઓ ભારતમાં એવા છે, જેમને એન્ટિબાયોટિક દવા અસર કરતી નથી. મૂલ્યમાં અંદાજ મૂકીએ તો ભારતમાં એન્ટિબાયોટિક દવાનું બજાર 16,000 કરોડને આંબી ગયું છે.

પ્રતિ વર્ષ 7 ટકાના વૃદ્ધિદર સાથે આખા દવા બજારમાં ફક્ત એન્ટિબાયોટિકની હિસ્સેદારી 12 ટકા છે. દેશના તબીબી ક્ષેત્રે સૌથી મોટી ચિંતા એન્ટિબાયોટિક દવાની વ્યાપક બનતી બિનઅસરકારકતા છે. નિરક્ષરતા, અજ્ઞાનતા અને બેજવાબદારીથી ગ્રસિત લોકો દ્વારા એન્ટિબાયોટિક દવાનું આડેધડ થતું સેવન અને ઝોલાછાપ તબીબો દ્વારા લખાતા બેફામ પ્રિસ્ક્રિપ્શનો સાંપ્રત સમસ્યાના મૂળ જવાબદાર કારણો છે. આ સમસ્યા ઘણાં વર્ષોથી ચિંતાનું કારણ બની હોવા છતાં પ્રમાણિક પ્રયાસોના અભાવે વધુ ને વધુ વકરતી રહી છે.

દવા પચાવી ગયેલા માથાભારે બેક્ટેરિયા, અંગ્રેજીમાં કહીએ તો સુપરબગના વધતા જોખમને અંકુશમાં લેવા 2012માં ચેન્નઈ ડેક્લેરેશન પ્રકલ્પ અંતર્ગત એક આયોજન થયું હતું. આ યોજના અંતર્ગત એન્ટિબાયોટિકના વધુ પડતા કે અપ્રમાણસર ઉપયોગથી સર્જાતી સમસ્યાના ઉપાય શોધવા 30 પ્રયોગશાળા બનાવવાનું ઠરાવાયું હતું. કડવી વાસ્તવિક્તા એ છે કે, 9 વર્ષ પછી આ પૈકીની માંડ 10 પ્રયોગશાળા બની શકી છે.

કોરોના દરમિયાન થયેલું એક સંશોધન નોંધે છે કે, બેક્ટેરિયાને મારવા માટેની એન્ટિબાયોટિક દવાઓ વાયરસ ઉપર સદંતર બિનઅસરકારક હોવા છતાં કોરોનાકાળમાં તેનો બેફામ ઉપયોગ થયો છે. જે રીતે સ્ટીરોઈડ્સના વધુ પડતા ઉપયોગે મ્યૂકરમાયકોસિસ નામના વિચિત્ર રોગનું જોખમ સર્જ્યું હતું, તે જ રીતે માનવજાત સામે આવનારા દિવસોમાં ભયંકર તબીબી સમસ્યાઓ ઊભી થવાની આશંકા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ થોડા સમય પહેલા જ જાહેર કરેલા સંશોધન મુજબ 53 ટકાથી વધુ ભારતીય તબીબી સલાહ વિના એન્ટિબાયોટિક દવાનું સેવન કરે છે. રોગ મટાડવા માટે અસરકારક હોવા સાથે સલામત હોય અને સમાજની 95 ટકા જેટલી આરોગ્ય વિષયક સારવાર વ્યાજબી કિંમતે સંતોષે તેને આવશ્યક દવાની યાદીમાં સમાવાય છે. 1999માં તૈયાર થયેલી આદર્શ આવશ્યક દવાની યાદીમાં માત્ર 311 દવાઓની સૂચિ હતી અને એકથી વધુ દવાના માત્ર 511 સંયોજનો હતા.

આજે ભારતના બજારમાં જુદા જુદા નામ અને મિશ્રાણવાળી 80,000 દવાઓ વેચાય છે. પાંચસોથી હજારોમાં તબદીલ થયેલા ફોર્મ્યુલેશનની સંખ્યા પરિસ્થિતિની ગંભીરતા સૂચવવા પર્યાપ્ત છે. ક્યારેક યાદીની ફક્ત બે ટકા દવા એકથી વધુ દ્રવ્યના સંયોજનથી બનેલી હતી. આજે ભારતમાં 70 ટકા દવા એવી છે જે એકથી વધુ દ્રવ્ય સંયોજનો ધરાવે છે. જો આ આંકડો સાચો હોય તો તેના દૂરગામી પરિણામોની વિનાશકતાનો અંદાજ મૂકી શકાય તેમ નથી.

વિશ્વની કુલ વસ્તીમાં ભારતની ભાગીદારી 16 ટકા છે, જ્યારે કુલ બીમારીમાં ભારતનો હિસ્સો 22 ટકા નોંધાય છે. એલોપેથીક દવાના ઉત્પાદન ક્ષેત્રે ભારતની ભાગીદારી ફક્ત બે ટકા છે. મોટાભાગની દવાના સંયોજનો વિદેશમાં બને છે અને ભારતમાં ફક્ત પેકિંગ થઈ બજારમાં ઠલવાય છે. જે બે ટકા દવાનું ભારત ઉત્પાદન કરે છે તેમાં ફક્ત 0.7 ટકા આવશ્યક દવાની યાદીમાં સમાવિષ્ટ છે. ગેટ કરારના સ્વીકાર પછી દવાઓની કિંમતો મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે નવો પડકાર બની રહી છે ત્યારે ભારતમાં બિનજરૂરી દવાઓના જીવલેણ ધંધા પર નિયંત્રણ મૂકવાની દિશામાં નક્કર કામગીરી થવી જરૂરી છે.

2050 સુધીમાં પ્રતિ વર્ષ 2,00,000 મૃત્યુ આ દવાના દૂષણને કારણે થશે તેવું અનુમાન સેવાતું હોય ત્યારે દેશમાં નેશનલ એન્ટિબાયોટિક પૉલિસી બનવી ખૂબ જરૂરી જણાય છે. 2009થી 2011ના બે વર્ષમાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે એન્ટિબાયોટિક નિયંત્રણ પૉલિસી બનાવી કામ કર્યું હતું અને 90 ટકા સફળતા પ્રાપ્ત કરી હતી, પરંતુ કોઈ ભેદી કારણોસર એ પૉલિસીની કસૂવાવડ થઈ અને દેશના કમનસીબે આજ દિન સુધી ફરી ગર્ભાધાન શક્ય થયું નથી.

સમજ વગરના દવા સેવનથી સર્જાઈ રહેલી આ વિકરાળ સમસ્યામાં શત્રુ નરી આંખે દેખાય નહીં તેટલો સૂક્ષ્મ છે અને છતાં તેની વિનાશકતા આંખ ફાડી નાંખે તેવી વિરાટ છે. એન્ટિબાયોટિક પ્રતિરોધકતાની વધતી વિકરાળતા માટે પોલ્ટ્રીનાં મરઘાં અને કૃત્રિમ તળાવના ઝીંગાનો ચટાકો પણ એટલો જ જવાબદાર છે. ઉત્પાદકતા  વધારવા મરઘા અને ઝિંગાને અપાતા એન્ટિબાયોટિક દવાઓનો ખોરાક સરવાળે તેનું ભોજન કરતા માણસોને જ નુકસાન કરે છે.

જ્વાળામુખીની ઝાળ… 

એન્ટિબાયોટિક પ્રતિરોધકતાનો વધતો વ્યાપ ક્રિપ્ટોકરન્સીના ભયસ્થાનોથી અનેકગણો વધુ ભયંકર મુદ્દો છે. માણસ શરીરથી તંદુરસ્ત રહેશે તો જ કોઈપણ સ્વરૂપનું ચલણ તેના માટે કામનું કે નકામું બની રહે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો