India vs new Zealand test match : India's 'Red Ball' mission begins today
  • Home
  • Sports
  • Cricket
  • ભારતના ‘રેડ બોલ’ મિશનનો આજથી પ્રારંભ

ભારતના ‘રેડ બોલ’ મિશનનો આજથી પ્રારંભ

 | 6:40 am IST
  • Share

  • ન્યૂઝીલેન્ડ 66 વર્ષમાં ભારતની ધરતી ઉપર એક પણ શ્રેણી જીત્યું નથી, આજથી પ્રથમ ટેસ્ટ મેચ

  • ન્યૂઝીલેન્ડ 1988 બાદ ભારતમાં એક પણ ટેસ્ટ જીતી શક્યું નથી, કુલ 10માંથી માત્ર બે સુકાની એક-એક ટેસ્ટ જીત્યા છે 

  • કોહલી-રોહિત જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવાઓને ગોલ્ડન તક, સવારે 9.30 કલાકથી મેચનો પ્રારંભ 

સુકાની વિરાટ કોહલી અને ઉપસુકાની રોહિત શર્મા સહિત કેટલાક ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય ટીમ ગુરુવારથી ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને ઘરઆંગણે પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો સામનો કરી રહેલો અજિંક્ય રહાણે ટીમનું નેતૃત્વ કરશે. ભારતને ઈજાગ્રસ્ત લોકેશ રાહુલ અને મોહમ્મદ સિરાજની પણ સેવા મળશે નહીં. જોકે રહાણેના નેતૃત્વમાં ભારતે કપરી પરિસ્થિતિમાં પણ ઓસ્ટ્રેલિયામાં વિજય હાંસલ કર્યા હતા. બીજી તરફ ન્યૂઝીલેન્ડે ચાલુ વર્ષે રમાયેલી પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને પરાજય આપ્યો હતો જે તેના માટે સકારાત્મક બાબત છે.  

કિવિ ટીમ ભલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન હોય પરંતુ ભારતમાં તેનો ઇતિહાસ નબળો રહ્યો છે. ન્યૂઝીલેન્ડ છેલ્લા 66 વર્ષમાં ભારતની ધરતી ઉપર એક પણ ટેસ્ટ શ્રોણી જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડે 1955માં ભારતમાં પ્રથમ ટેસ્ટ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી અત્યાર સુધીમાં 10 ખેલાડી સુકાની તરીકે ભારતમાં ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે પરંતુ માત્ર બે સુકાની ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યા છે. બાકીના આઠ સુકાની એક પણ ટેસ્ટ જીતી શક્યા નથી. કેન વિલિયમ્સને પણ બંને ટેસ્ટમાં પરાજય મળ્યો હતો. તમામ 10 સુકાનીને ઓછામાં ઓછો એક પરાજય મળ્યો છે.  ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની ધરતી ઉપર 1988 બાદ એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. અત્યાર સુધી કિવિ ટીમ 17 ટેસ્ટ રમી છે જેમાં તેને નવ પરાજય મળ્યા છે અને આઠ મુકાબલા ડ્રો રહ્યા હતા. ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી ઉપર ઓવરઓલ 34 ટેસ્ટમાં માત્ર બે વિજય હાંસલ કર્યા છે. છેલ્લી સાત ટેસ્ટમાં તેનો પરાજય થયો છે અને બે ટેસ્ટને ઇનિંગ્સના પરાજયથી ગુમાવી હતી. રોઝ ટેલર સુકાની તરીકે સર્વાધિક ત્રણ ટેસ્ટ ભારતમાં હાર્યો છે. બંને ટીમો વચ્ચે ઓવરઓલ કુલ 60 ટેસ્ટ રમાઈ છે જેમાં ન્યૂઝીલેન્ડે 13 અને ભારતે 21 મુકાબલા જીત્યા હતા. ટેસ્ટ ફોર્મેટમાં ભારતનું પલડું ભારે છે. 

મેચ પહેલાં સુકાની રહાણેએ જણાવી દીધું હતું કે, શ્રૌયસ ઐયર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. ભારતીય ટીમ રોહિત અને રાહુલની ઓપનિંગ જોડી, સુકાની કોહલી અને વિકેટકીપર રિષભ પંત વિના રમી હોય તેવું ભાગ્યે જ બન્યું છે. બેટિંગમાં ભારત પાસે બિનઅનુભવી ખેલાડીઓ વધારે છે. માત્ર રહાણે, ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલ જ દસ ટેસ્ટ કરતાં વધારે મેચ રમ્યા છે. શુભમન ગિલ સારો દેખાવ કરશે તો રાહુલનું પુનરાગમન મુશ્કેલ બનશે. ગિલ અને મયંક ઇનિંગ્સનો પ્રારંભ કરશે. જયંત યાદવે પણ નેટ્સ ઉપર લાંબો સમય ગાળ્યો હતો.

રહાણે ઉપર તમામની નજર રહેશે         

પ્રથમ ટેસ્ટમાં તમામની નજર સુકાની રહાણે ઉપર રહેશે જેણે છેલ્લી 11 ટેસ્ટમાં માત્ર 19ની સરેરાશથી રન બનાવ્યા છે. હોમગ્રાઉન્ડમાં રમાનારી આગામી બે ટેસ્ટમાં તે ફ્લોપ જશે તો સાઉથ આફ્રિકા જનારી ટીમમાં સ્થાન મેળવવું તેના માટે મુશ્કેલ બનશે. ટીમના સૌથી સિનિયર બોલર ઇશાન્ત શર્મા માટે પણ સ્થિતિ આદર્શ નથી. નેટ્સમાં તે રિધમમાં જણાતો નહોતો અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરીને ઇશાન્તને રમાડવામાં આવશે તો તેના ઉપર દબાણ રહેશે. ઉમેશ યાદવનું રમવું લગભગ નિશ્ચિત છે.

અશ્વિન પાસે ભજ્જીનો રેકોર્ડ તોડવાની તક 

ઓફ સ્પિનર હરભજનસિંહ (417) ભારત માટે સર્વાધિક ટેસ્ટ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર છે. કાનપુર ટેસ્ટમાં તેનો રેકોર્ડ તૂટી શકે છે. અશ્વિન જો ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ હાંસલ કરશે તો તે હરભજન કરતાં આગળ નીકળી જશે. અશ્વિન 79 ટેસ્ટમાં 413 વિકેટ ઝડપી ચૂક્યો છે.

ઓફ સ્પિનર અશ્વિન ફરીથી પોતાને વિશ્વનો નંબર-1 સ્પિનર સાબિત કરવાનો પ્રયાસ કરશે. ઇંગ્લેન્ડ સામે સુકાની કોહલીએ તેને એક પણ મેચમાં તક આપી નહોતી પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામે નવો બોલ નાખી શકે છે. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી કિવિ બેટ્સમેન કેન વિલિયમ્સન, ટોમ લાથામ, રોઝ ટેલર, હેનરી નિકોલ્સની આકરી કસોટી કરશે. ચાલુ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી શ્રોણીમાં 27 વિકેટ ઝડપનાર ડાબોડી સ્પિનર અક્ષર પટેલ ટીમનો ત્રીજો સ્પિનર રહેશે. સાહા વિકેટકીપરની ભૂમિકા અદા કરશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો