દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવશે. રમેશ બિધુરીના આ નિવેદન પર ભારે હોબાળો થયો છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર આકરા પ્રહારો કર્યા છે અને નિવેદનની નિંદા કરી છે. ત્યારે આ મામલે ખુદ રમેશ બિધુરીનું શું કહેવુ છે આવો જાણીએ.
તમે પહેલા હેમા માલિનીની માફી માગો- રમેશ બિધુરી
રમેશ બિધુરીએ હાલમાં આપેલા નિવેદન અંગે કહ્યું કે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા લાલુ યાદવે પહેલા હેમા માલિની વિશે જે કહ્યું તેના માટે માફી માંગવી જોઈએ. મે જે કહ્યું તેની તુલના પહેલા કહેવાયેલી વાતો સાથે કરી છે. પવન ખેડાએ પહેલા પીએમના પિતા વિશે જે કહ્યું તેના વિશે માફી માગવી જોઇએ. અમે તેમને એજ ભાષામાં જવાબ આપીશુ જે ભાષાનો તેમણે પ્રયોગ કર્યો છે. શું હેમા માલિની મહિલા નથી ? જ્યારે બે વ્યક્તિ ભૂલ કરે છે, ત્યારે તે બંનેએ ભૂલ સુધારવી પડે છે. જો કોંગ્રેસ પોતાની ભૂલ સુધારશે તો અમે પણ તે જ કરીશું. આ દંભ છે, તેઓએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી – તેમને કોઈ એવા મુદ્દાની જરૂર છે જેના પર તેઓ મત માંગી શકે. તેથી જ તેઓ મારા પર આરોપ લગાવી રહ્યા છે. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે આપેલા નિવેદન પર થયેલા હોબાળા બાદ પણ રમેશ બિધૂરી તેમના નિવેદન પર અડગ છે.
કોંગ્રેસે ભાજપને મહિલા વિરોધી ગણાવી
પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ કોંગ્રેસે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરી પર આકરા પ્રહારો કર્યા હતા. સુપ્રિયા શ્રીનેટે એક્સ પર લાંબી પોસ્ટ કરી અને ભાજપને મહિલા વિરોધી ગણાવી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે રમેશ બિધુરીનું પ્રિયંકા ગાંધીજી અંગેનું નિવેદન માત્ર શરમજનક જ નથી પરંતુ મહિલાઓ પ્રત્યેની તેમની બીમાર માનસિકતા પણ દર્શાવે છે. પરંતુ જે વ્યક્તિએ ગૃહમાં પોતાના સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો હોય અને તેને કોઈ સજા ન મળી હોય તેના પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? આ છે ભાજપનો અસલી ચહેરો.










