આપણે જોઇએ છીએ કે ઘરફોડ ચોરી, લૂંટફાટ જેવી ગુનાકીય પ્રવૃત્તિઓ બને છે. ઘણી વાર તો ચોર ધોળા દિવસે પણ મોટી લૂંટને અંજામ આપતા અચકાતા નથી. તેવામાં યુપીના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના બની. થયુ એવું કે ચોર મંદિરમાંથી 100 વર્ષ જૂની અષ્ટધાતુની બનેલી મૂર્તિ ઉઠાવી ગયો. પછી 10 જ દિવસમાં એવો ચમત્કાર થયો કે માફી પત્ર લખીને મૂર્તિ પાછી મૂકી ગયો. ત્યારે આવો જાણીએ એવો તો શું થયો ચમત્કાર.

મૂર્તિ ચોરાતા મહારાજે ખાવા પીવાનું છોડી દીધું
આ ઘટના પ્રયાગરાજ ગંગાપર વિસ્તારના નવાબગંજ રામ જાનકી મંદિરમાં બની હતી. અહીં 23 સપ્ટેમ્બરે મંદિરમાંથી 100 વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિની ચોરી થઈ હતી. આ બનાવને પોલીસને જાણ કરાતા પોલીસે ચોરને શોધવા મથામણ કરી રહી હતી. જો કે ભગવાનની મૂર્તિ ચોરાતા મંદિરના પૂજારીને એટલો આઘાત લાગ્યો કે તેમણે ખાવા-પીવાનું પણ છોડી દીધું. આ ઘટનાના બરાબર 10 દિવસ પછી તે મૂર્તિ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરથી ગૌઘાટ લિંક રોડ પરથી મળી આવી.

અષ્ટધાતુની મૂર્તિ ચોરી ગયો ચોર
ચોરીની એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ચોર મંદિરમાં સ્થાપિત 100 વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિની ચોરી કરી ગયો. આ પછી ચોરને એવું કંઈક થયું કે થોડા દિવસો પછી તેણે મૂર્તિને હાઈવેની બાજુમાં મૂકી દીધી. આ સાથે તેણે માફી પત્ર પણ લખ્યો હતો જેમાં ચોંકાવનારી વાતો લખવામાં આવી હતી. હાલ પોલીસ માફીપત્ર લખનાર ચોરને શોધી રહી છે. લોકોએ આ અંગે સ્વામી જય રામદાસ મહારાજને જણાવ્યું. આ પછી મૂર્તિને ગૌઘાટ ખાલસા આશ્રમ લઈ જવામાં આવી. જ્યારે મૂર્તિનો કોથળો ખોલ્યો તો મૂર્તિની સાથે એક પત્ર હતો. પત્ર વાંચ્યો તો એક આખી સ્ટોરી સામે આવી. આ પત્ર બીજા કોઇ નહી પણ અષ્ટધાતુની મૂર્તિની ચોરી કરનાર ચોરે લખ્યો હતો. ચોરને ચોરીનો પસ્તાવો થયો. તેણે મંદિરના પૂજારીને માફી પત્ર લખ્યો હતો.

ચોરે લખ્યો માફી પત્ર
મહારાજ જી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અજ્ઞાનતાથી મેં રાધા કૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ બગડી છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. મેં તેને વેચવા માટે મૂર્તિ સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને પ્રતિમા પરત કરી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે મને માફ કરો અને ભગવાનને મંદિરમાં પુનઃસ્થાપિત કરો. ઓળખ છુપાવવા માટે તેનો આકાર બદલાઈ ગયો છે. મહારાજ જી અમારા બાળકોને માફ કરો અને તમારી મૂર્તિ સ્વીકારો.


મંદિરના પૂજારીને મૂર્તિ મળ્યા બાદ તેને મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને પૂજા શરૂ કરવામાં આવી છે. પોલીસે નવાબગંજ પોલીસ સ્ટેશનમાં મૂર્તિની ચોરીની ફરિયાદ નોંધી છે. જ્યારથી મૂર્તિ ચોરાઈ છે ત્યારથી પોલીસ શોધમાં વ્યસ્ત હતી. મૂર્તિ મળ્યા બાદ પોલીસ હવે ચોરને શોધી રહી છે. પોલીસ મંદિરની આસપાસ લાગેલા સીસીટીવીને સ્કેન કરી રહી છે.
  • Follow us on: