• લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં EDના 24 સ્થળો પર દરોડા
  • દરોડામાં 1 કરોડ રોકડ, 540 ગ્રામ સોનું, ગુનાહિત દસ્તાવેજો મળ્યા
  • 600 કરોડની સંપત્તિનો પર્દાફાશ કર્યો હોવાનો EDનો દાવો

EDએ શક્રવારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીઓ અને નજીકના સંબંધિયોના ઘર પર દરોડા પાડ્યા હતા. EDએ કહ્યું કે દરોડા દરમિયાન તેમને 1 કરોડ રૂપિયા રોકડા, 1900 US ડોલર, લગભગ 540 ગ્રામ સોનું, 1.5 કિલો સોનાના દાગીના અને કેટલાક ગુનાહિત દસ્તાવેજો મળ્યા છે. આ ઉપરાંત રૂપિયા 600 કરોડની સંપત્તિનો પર્દાફાશ કર્યો હોવાનો EDનો દાવો કર્યો હતો.

EDએ શું કહ્યું?

EDએ જણાવ્યા અનુસાર કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લગભગ 600 કરોડ રૂપિયામાંથી 350 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ખરીદવામાં આવી હતી અને 250 કરોડ રૂપિયા બેનામી પ્રોપર્ટી દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ યાદવ દ્વારા ભારતીય રેલ્વેમાં નોકરી આપવાના નામે પટનાના પોશ વિસ્તારોમાં આ મોટાભાગની જમીન ખોટી રીતે હડપ કરવામાં આવી હતી. હાલમાં તેની કિંમત 200 કરોડ રૂપિયા છે.

જેના નામે બેનામી મિલકત, શેલ કંપની અને જેને લાભ આપવામાં આવ્યો તેની ઓળખ કરવામાં આવી છે. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલો બંગલો મેસર્સ એબી એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના નામે છે, જ્યારે તે વાસ્તવમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને તેમના પરિવાર દ્વારા નિયંત્રિત છે. આ પ્રોપર્ટીની કિંમત કાગળ પર માત્ર 4 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે, પરંતુ તેની વાસ્તવિક કિંમત 150 કરોડ રૂપિયા છે.

EDએ શું કર્યો દાવો?

EDએ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરાયેલી જમીનના ચાર ભાગ એવા હતા કે તે ગ્રુપ-Dની નોકરી આપવા માટે 7.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. બાદમાં તેને પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાનાને સાડા ત્રણ કરોડમાં વેચી દેવામાં આવી હતી. આ નાણાં મોટાભાગે આરજેડી નેતા તેજસ્વી યાદવના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. EDએ દાવો કર્યો હતો કે ઘણા રેલ્વે ઝોનમાં નોકરી મેળવનારા 50 ટકાથી વધુ લોકો લાલુ યાદવના પરિવારના વિધાનસભા ક્ષેત્રના હતા.

શું છે મામલો?

2004-2009 દરમિયાન ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોનમાં ગ્રુપ Dમાં વિવિધ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં તેઓએ તેમની જમીન તત્કાલિન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ અને એ.કે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી હતી.

આરોપ છે કે લાલુ પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત તેમના પરિવારે આવા ચાર ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા પ્લોટ મેરિડીયન કન્સ્ટ્રક્શન ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીને રૂ.7.5 લાખની કિંમતે વેચ્યા હતા, જ્યારે પ્લોટની બજાર કિંમત રૂ.3.5 કરોડ હતી. કંપની કથિત રીતે દોજાનાની માલિકીની હતી.


  • Follow us on: