- મુશળધાર વરસાદે કેર વર્તાવતા 32,750 લોકોને સલામત સ્થળે ખસેડાયા
- ઉત્તરપ્રદેશમાં ગંગા અને ઘઘરા ગાંડીતૂર : 10 જિલ્લાના 80 ગામ પૂરમાં ફસાયા : 24 કલાકમાં 7 મોત
- હવામાન ખાતાએ દેશનાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
ત્રિપુરામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા તેમજ ભૂસ્ખલનને કારણે હાહાકાર મચ્યો છે. 10 લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા થઈ છે. સત્તાવાળાઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પૂરને કારણે 32,750 લોકો વિસ્થાપિત થયા છે જેમને 330 જેટલી રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા છે. NDRFની ચાર ટુકડીએ બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું છે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરાના સીએમ સાહા સાથે વાત કરીને તમામ મદદની ખાતરી આપી છે. રાજ્યની તમામ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવામાન ખાતાએ દેશનાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જેમાં ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે.










